જયેશભાઈ ‘જોરદાર’ તો છે જ નહીં!

14 May 2022 12:04 PM
Entertainment
  • જયેશભાઈ ‘જોરદાર’ તો છે જ નહીં!
  • જયેશભાઈ ‘જોરદાર’ તો છે જ નહીં!

ફિલ્મ ‘83’ની નિષ્ફળતા બાદ રણવીર સિંહ ‘જયેશભાઈ જોરદાર’માં ફરી ચમક્યો છે. ગુજરાતી રાઇટર-ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કર અને ધુરંધર પ્રોડક્શન હાઉસ ‘યશરાજ ફિલ્મ્સ’ દ્વારા આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી, ત્યારથી પ્રેક્ષકોમાં ઉત્સાહ હતો. ખાસ કરીને ગુજરાતમાં! દિવ્યાંગ ઠક્કર મૂળ તો ગુજરાતી અભિનેતા. ડિરેકટર અભિષેક જૈનની બે ધમાકેદાર ગુજરાતી ફિલ્મો - કેવી રીતે જઈશ અને બે યાર - માં દિવ્યાંગ અભિનય કરી ચૂક્યો છે. દમદાર વાર્તા લઈને યશરાજ ફિલ્મ્સના સર્વેસર્વા આદિત્ય ચોપરા પાસે પહોંચી જઈને તેણે બોલિવૂડમાં પ્રવેશ મેળવ્યો.

ગુજરાતના અંતરિયાળ ગામડાંમાં રહેતાં જયેશભાઈ (રણવીર સિંહ)ની પત્ની મુદ્રા (શાલિની પાંડે) ગર્ભવતી બને છે. સાસરિયાએ ભૂતકાળમાં છ વખત તેનો ગર્ભપાત કરાવી નાંખ્યો છે, જેનું કારણ હતું, મુદ્રાના ગર્ભમાં ઉછરતી દીકરી! પિતૃસત્તાક સમાજમાં વિશ્વાસ ધરાવતાં જયેશભાઈ પિતા (બોમન ઇરાણી) અને માતા જશોદા (રત્ના પાઠક શાહ)ને વર્ષોથી ઈચ્છે છે કે એમના કુળને આગળ ધપાવવા માટે દીકરાનો જન્મ થાય! જયેશભાઈનું પહેલું સંતાન દીકરી છે, જેનું નામ છે સિદ્ધિ (જિયા વૈદ્ય)! આથી જો મુદ્રાના ગર્ભમાં ફરી દીકરી હોય તો તેઓ બંને ગર્ભપાત કરાવવા માટે કટિબદ્ધ છે! પરંતુ દીકરા-દીકરીમાં કોઈ ભેદભાવ ન ધરાવતાં જયેશભાઈને આ મંજૂર નથી! અને એક રાતે બિસ્તરાં-પોટલાં બાંધીને તેઓ ભાગી જાય છે.

ફિલ્મની વાર્તા, દિગ્દર્શન, કાસ્ટિંગ, બેકગ્રાઉન્ડ સ્કોર, સિનેમેટોગ્રાફી, પ્રોડક્શન વેલ્યુ અને સંગીત જોરદાર છે. પરંતુ સ્ક્રીનપ્લેની બાબતમાં ફિલ્મ થાપ ખાઈ ગઈ છે. કોરોનાની મહામારીને કારણે વર્ષ 2020થી પાછળ ઠેલવાઈ રહેલી આ ફિલ્મની રીલિઝ છેવટે વર્ષ 2022માં શક્ય બની, પરંતુ ફિલ્મ જોયા બાદ ચોક્કસ એવું લાગે કે ‘જયેશભાઈ જોરદાર’ માટે 300-400 રૂપિયા ખર્ચીને થિયેટરમાં ન જવાય. એને બદલે શાંતિથી ઘરના સોફા પર બેસી, પગ ઉપર પગ ચડાવીને, પોપકોર્ન ખાતાં ખાતાં ઑટીટી પ્લેટફોર્મ પર તે જોઈ કાઢવી સારી! ફિલ્મ ક્યાંક હસાવે છે, તો ક્યાંક રડાવે છે પરંતુ જકડી રાખવામાં નિષ્ફળ નીવડે છે. હા, એટલું ખરું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણાં જાણીતાં ચહેરાઓ (જેમકે, દીક્ષા જોશી)ને આ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથરતાં જોવાની અલગ મજા છે.

કેમ જોવી?:
ઊર્જાવાન રણવીરસિંહ, લિજેન્ડ રત્ના પાઠક શાહ અને દમદાર બોમન ઇરાણીના પર્ફોમન્સ માટે!

કેમ ન જોવી?:
એક સારી વાર્તાનો કચ્ચરઘાણ નીકળતાં ન જોવો હોય તો!

: ક્લાયમેક્સ:
યશરાજ ફિલ્મ્સને હવે એક મેગા-હિટની જરૂર છે, આથી આખા બોલિવૂડની નજર હવે ‘પૃથ્વીરાજ’ પર મંડાઈ રહી છે! જોવાનું તો એ પણ રહ્યું કે ‘બચ્ચન પાંડે’ની નિષ્ફળતા બાદ અક્ષયકુમાર માટે ‘પૃથ્વીરાજ’ સફળ પૂરવાર થાય છે કે નહીં!

સાંજસ્ટાર:
દોઢ ચોકલેટ


Related News

Loading...
Advertisement
Advertisement