પૂ. પ્રમુખસ્વામી મહારાજના વચનોમાં વિશ્વાસ રાખનારને અનંત ઉર્જાનો તથા આત્મવિશ્વાસની અનુભૂતિ થાય છે

14 May 2022 12:08 PM
Rajkot
  • પૂ. પ્રમુખસ્વામી મહારાજના વચનોમાં વિશ્વાસ રાખનારને અનંત ઉર્જાનો તથા આત્મવિશ્વાસની અનુભૂતિ થાય છે

હાર્વર્ડ બિઝનેસ પબ્લિશિંગના બ્લોગમાં આબી લુઇસ કહે છે કે કંપનીના મુખ્ય વ્યક્તિની એક અગત્યની જવાબદારી એ છે કે તે વિશ્ર્વાસના વાતાવરણને પ્રોત્સાહન આપે. કારણ કે કંપની વિશ્ર્વાસ પર ચાલતી હોય છે. વહીવટ વિશ્ર્વાસ પર નભતો હોય છે. વિકાસ પણ વિશ્ર્વાસ આધારિત છે. તમે કલ્પના કરો કે એવી કંપની કે સંસ્થા જ્યાં માણસોને તેના મુખ્ય વ્યક્તિ પર ભરોસો ન હોય. એવી જગ્યા કે જ્યાં મુખ્ય વ્યક્તિ અને તેના માણસો પર ભરોસો ન હોય. એવું વાતાવરણ કે જ્યાં માણસો અંદરોઅંદર એકબીજા પર શંકા કરતા હોય. આવું હોય ત્યાં કોઈ કામ કેવી રીતે કરી શકે? તેઓ કંપનીમાં શું પ્રદાન કરી શકે? કંપનીનો વિકાસ કેમ થાય?

ઘણા એવા દેશોમાં એવું ચાલતું હતું. અત્યારે પણ એવા દેશો છે કે જ્યાં પડોશીઓ એકબીજાનો વિશ્ર્વાસ ના કરે. ત્યાંની સરકાર જ આજુબાજુવાળાને એકબીજા પર નજર રાખવાનું કહે. અરે! પરિવારમાં એક સભ્ય બીજા સભ્યની હિલચાલ નોંધ્યા કરે.આવું હોય ત્યાં એક પ્રકારની ઘૂટન અનુભવાય છે. આવું થાય ત્યારે આખો દેશ ભાંગી જાય છે. આખી કંપની બરબાદ થઈ જાય છે. આખો પરિવાર પણ વેરવિખેર થઈ જાય છે.

પ્રોફેસર પાઉલ ઝેકે 2017માં હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂમાં Neuroscience of trustનામક લેખમાં જે કંપનીમાં કે સંસ્થાનમાં ઓછો વિશ્ર્વાસ હોય અને જ્યાં વિશ્ર્વાસ વધુ હોય તેની સરખામણી કરી છે. તે કહે છે કે જ્યાં વધુ વિશ્ર્વાસ હોય ત્યાં 74 % ઓછો તણાવ, 106 % કામ કરવામાં વધુ શક્તિ, 50 % વધુ ઉત્પાદકતા, 76 % વધુ કાર્ય વ્યસ્તતા, 29 % વધુ જીવનસંતોષ, 40 % ઓછો થાક લાગે છે.

ફ્રાન્સના નેપોલિયન બોનાપાર્ટ પોતાના સૈનિકોમાં જોરદાર વિશ્ર્વાસ પેદા કરતા. તેમના શબ્દોથી સૈનિકો પ્રોત્સાહિત થતા. તેઓ આત્મવિશ્ર્વાસનું જાણે પ્રતીક હતા. તેઓ તેના મોટામાં મોટા શત્રુ એવા ડ્યુક ઓફ વેલિંગ્ટન એવું કહેતા કે નેપોલિયનનું વ્યક્તિત્વ એટલું અદભુત હતું કે જ્યારે તે ભૂમિ પર ઊભો રહે ને હાકોટા પડકારા કરે અને સૈનિકોને ઉશ્કેરે ત્યારે એની એકલાની હાજરી જ 40 હજાર સૈનિકો જેવી લાગતી! તેના આવા જબરજસ્ત પ્રભાવથી આખું સૈન્ય એક થઈ જતું હતું અને દુશ્મનો પર પ્રચંડ તાકાતથી તૂટી પડતું. આવો હલ્લો બોલતો ત્યારે નેપોલિયને હરાવવો અશકય હતો.

યુદ્ધ સિવાય પણ નેપોલિયન હંમેશાં પોતાના માણસોને ઈનામો અને પડવીઓથી નવાજતો. તેના આવા વ્યવહારથી તેના માણસો પણ તેના માટે પોતાનો જીવ ન્યોછાવર કરવા તત્પર રહેતા. પ્રમુખ સ્વામી મહારાજમાં વિશ્ર્વાસ મૂકનારા હજારો ભાઈઓ એ જીવનમાં અનુભવ કર્યો છે. તેમનાં એક વચનમાં વિશ્ર્વાસ રાખનારને અનંત ઊર્જાનો અને આત્મવિશ્વાસની અનુભૂતિ થાય છે. સ્વામીજીના વચનમાં એવું તો કયું દિવ્ય તત્વ હોય છે કે તે વ્યક્તિને આત્મબળથી છલોછલ કરી દે છે.

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા વર્ષોથી પોતાનો સ્વતંત્ર પ્રકાશન વિભાગ ધરાવે છે. તેનું મુખ્ય મથક શાહીબાગ અમદાવાદ ખાતેનું અક્ષરપીઠ છે. થોડાં વર્ષો પહેલાં સ્વામીજીએ સંચાલકોને પ્રેરણા આપતા કહ્યું કે આપણે આવા નાનાં પ્રકારનાં મશીનો છાપકામ માટે વાપરીએ છીએ તેમાં કામ તો સારું થાય છે પરંતુ હવે આપણે શ્રેષ્ઠ કામ કરવું છે. તો આપણે જર્મનીનું હેડલબર્ગનું ઉત્તમ પ્રિન્ટિંગ મશીન વસાવીએ. તેનાથી સંસ્કૃતિના સમાજના સર્વ જીવ હિતાવહ એવાં મૂલ્યોનું પ્રસારણ કરવાનો હેતુ છે. અને આ કાર્ય સર્વોપરી થશે. આવતાં ઘણાં વર્ષો સુધી વાંધો નહીં આવે. વ્યવસ્થાપકો પણ રાજી થયા. કારણ કે સ્વામીજી જે વિશ્ર્વવિખ્યાત મશીનની વાત કરી રહ્યા હતા. તે ખરેખર બેસ્ટ કક્ષાનું હતું. અને તેને સતત કામ આપવું પડે એવું પ્રોફેશનલ પણ હતું. તેમ કરવામાં ન આવે તો તે મશીનનો કોઈ અર્થ રહેતો નથી. તેથી તેઓ બધા વિચારતા હતા.

તેઓએ સ્વામીજીને સવિનય જણાવવાનું કે આ મશીન તો મોટા હાથી જેવું છે તેને સતત રોજ નીરણ આપવું પડે એવું છે. તેઓ પોતાની વાત રજુ કરી. સ્વામીજી કહે,’ તમે કાંઈ ચિંતા ન કરો બધી જ વ્યવસ્થા થઈ જશે. તમે બધા બસ સેવા કરો. કામ ચાલતું રહેશે.’ એમ કહી સ્વામીજીએ બધાને આશીર્વાદ આપ્યા અને જોઈતી તમામ વ્યવસ્થા વરિષ્ઠ અને કાર્યવાહક સંતો અને સ્વયંસેવકોને સાથે રાખી કરી આપી. એમના આવા વિશ્ર્વાસસભર વચનો અને વ્યવહારથી આખા પ્રિન્ટિંગ વિભાગમાં વિશ્ર્વાસ અને આત્મવિશ્ર્વાસ છવાઈ ગયો. ધાર્મિક સંસ્થા પાસે પોતાનું અદ્યતન પ્રિન્ટિંગ પ્રેસ હોય એ બહુ મોટી વાત એ સમયે હતી. મશીન આવે એટલે બીજા બધા વિભાગોનું પણ નવીનીકરણ થાય અને ઉમેરો પણ થાય એ સ્વાભાવિક છે. પરંતુ તે પણ સુપેરે થયું.

બધાએ વિચાર્યું કે સ્વામીજી આવું ઉમદા વિચારે છે તો આપણે પણ મંડી પડવું. અને ખરેખર અત્યારે સંસ્થાનો પ્રિન્ટીંગ પ્રેસ વિભાગ રાતદિવસ ધમધમ્યા કરે છે. કામ ખૂટતું નથી. જે પણ કંઈ છપાય છે તેવું ઉત્કૃષ્ઠ કક્ષાનું હોય છે. બેનમૂન હોય છે. પ્રેરણાદાયી હોય છે. લોકો આપણા કોઈપણ પ્રકાશનને જોઈને આફરીન પોકારી ઉઠે છે. સ્વચ્છ, સુઘડ, સુંદર, અને સર્વોત્તમ એટલે બીએપીએસનું છપાઈ કામ. આના મૂળમાં છે સ્વામીજીની વિશ્ર્વાસમય આગેવાની. આવી જ એક ઘટના સ્વામીજીએ આયોજિત કરેલા એક આંતરરાષ્ટ્રીય ઉત્સવમાં થઈ. તેના સાક્ષી બનેલા તમામ સંતો ભક્તોને એ દ્રશ્ય હજી આંખો સમક્ષ તરવરે છે.


Related News

Loading...
Advertisement
Advertisement