રાજકોટ તા.14
ગોંડલ પાસે બાઈક સ્લીપ થતા કોટડાસાંગાણીના રામપરાના ચનાભાઈને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પીટલમાં મોત થતા પરીવારમાં શોક છવાયો હતો.
બનાવની વિગત અનુસાર કોટડા સાંગાણીના રામપરામાં રહેતા ચનાભાઈ જીવાભાઈ પરમાર (ઉ.78) ગઈ તા.2 મેનાં રામપરાથી મોવિયા તરફ બાઈક લઈને જતા હતા ત્યારે ગોંડલ પાસે બાઈક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જયાં માણસો એકઠા તઈ જતા 108 મારફતે તાત્કાલીક ગોંડલ સીવીલે સારવારમાં ખસેડાયા હતા. જયાં તેમની તબીયત લથડતા વધુ સારવાર માટે રાજકોટ સીવીલે ખસેડાયા હતા. જયાં તેમને સારવાર દરમિયાન દમ તોડયો હતો.
વધુમાં તેમના પુત્રએ જણાવ્યું હતું કે તેમના પિતા મોવિયા રહેતી બહેનના ઘરે આંટો મારવા જતા હતા ત્યારે દુર્ઘટના ઘટી હતી. મૃતક અગીયાર ભાઈ બહેનમાં બીજા નંબરના હતા અને સંતાનમાં ચાર પુત્રી અને બે પુત્ર છે જેમણે પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં શોક છવાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.