વઢવાણ, તા. 14
ગુજરાત એટીએસની ટીમે અમદાવાદથી બે આરોપીઓ પાસેથી 4 હથિયાર જપ્ત કર્યા હતા. ત્યારબાદ આરોપીઓની પૂછપરછ કરીને હથિયારોની આપ-લે સૌરાષ્ટ્રના અલગ અલગ ગામોમાં અને શહેરોમાં થતી હોવાની બાતમીના આધારે એટીએસની ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને 26 આરોપીઓને ઝડપીને 60 હથિયાર જપ્ત કર્યા હતા.
આરોપીની પૂછપરછમાં વધુ નામ સામે આવતા એટીએસની ટીમે બીજા 9 આરોપીઓને ઝડપીને તેમની પાસેથી 18 હથિયારો જપ્ત કર્યા છે. હથિયાર પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ 39 આરોપીઓ પકડાયા છે, જેમની પાસેથી કુલ 78 હથિયાર મળી આવ્યા હતા.
ગુજરાત એટીએસની ટીમે ગત 3 તારીખે હથિયારના વેપલાનો પર્દાફશ કર્યો હતો અને 26 લોકોને અલગ અલગ જગ્યાએથી પકડીને 60 ગેરકાયદેસર હથિયારો તથા 18 કારતૂસો જપ્ત કર્યા હતા. જો કે આરોપીની પૂછપરછમાં અલગ અલગ જગ્યાએ હથિયારો આપ્યા હોવાનુ સામે આવ્યું હતુ અને લોકોમાં રોફ્ જમાવવા માટે જ માત્ર હથિયારોનો વેપલો કરતા હોવાનું જણાવ્યું હતું. જો કે એટીએસની ટીમે આરોપીઓની સઘન પૂછપરછ કરી ત્યારે પકડાયેલા આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ તથા અન્ય આરોપીઓએ બીજા 9 વ્યક્તિઓ પાસે પણ આ હથિયાર હોવાનું જણાવ્યું હતું.
જેના આધારે એટીએસની ટીમે રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદમાંથી કુલ 9 આરોપીઓને પકડીને બીજા 18 ગેરકાયેદસર હથિયારો જપ્ત કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એટીએસની ટીમે અમદાવાદમાંથી બે આરોપીને પકડીને 4 પિસ્ટોલ જપ્ત કરી હતી બાદમાં કડી મળી હતી અને બીજા 28 વ્યક્તિઓને પકડીને 60 હથિયાર જપ્ત કર્યા હતા અને બાદમાં આરોપીની પૂછપરછ કરતા વધુ 9 આરોપીને પકડીને 18 હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આમ એટીએસની ટીમે અત્યાર સુધીમાં 39 આરોપીઓને પકડીને 78 હથિયાર તથા 18 કારતૂસ જપ્ત કર્યા છે. આવનારા દિવસોમાં આરોપીની પૂછપરછ કરતા વધુ નામો સામે આવતા આમા વધારો થાય તેવી પૂરે પૂરી સંભાવના સેરવાઈ રહી છે.