રૂ.11.19 લાખનો ચેક પરત ફર્યાના કેસમાં એજ્યુકેશનલ કન્સલ્ટન્ટને 1 વર્ષની સજા

14 May 2022 12:35 PM
India
  • રૂ.11.19 લાખનો ચેક પરત ફર્યાના કેસમાં એજ્યુકેશનલ કન્સલ્ટન્ટને 1 વર્ષની સજા

રાજકોટના તબીબ પુત્રનું મેડિકલ કોલેજમાં એડમિશન ન થવાથી ફી પરત કરવા ચેક આપેલો, ચેકની રકમ વળતર પેટે ન ચૂકવે તો વધુ છ માસની સજાનો અદાલતનો હુકમ

રાજકોટ, તા.13
રૂ.11.19 લાખનો ચેક પરત ફર્યાના કેસમાં એજ્યુકેશનલ કન્સલ્ટન્ટને 1 વર્ષની સજા અદાલતે ફટકારી છે. ઉપરાંત ચેકની રકમ વળતર પેટે ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે.

કેસની વિગત મુજબ અખબારમાં આવેલી જાહેરાતથી જોઈ રાજકોટના ડો. અરુણ એન. ઠકરારે તેમના પુત્રનું મુંબઈની એક મેડીકલ કોલેજમાં એડમિશન માટે સુરત અને વડોદરાના એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ મહેશ હરિભાઈ ઇટાલીયાનો સંપર્ક કરી રૂ.14 લાખ આપ્યા હતા.

પરંતુ મહેશ ઇટાલીયાથી એડમિશન થઈ શક્યું નહોતું. જેથી તેમણે ડો.ઠકરારને પ્રથમ રૂપિયા 2.90 લાખ આપી દીધા હતા, અને બાકી રહેતી રૂ. 11.10 લાખની રકમનો ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થતા અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.

કેસ ચાલતા ફરિયાદીના વકીલ વૈભવ કુંડલિયાની મૌખિક લેખિત દલીલો, જુદી - જુદી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.બી. ગઢવીએ આરોપી મહેશ હરિભાઈ ઇટાલીયાને તકસીરવાર ઠેરવી એક વર્ષની સજા અને ચેકની રકમ ફરિયાદીને ચૂકવી દેવાનો અને ન ચૂકવે તો વધુ છ માસની સજાનો આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ વૈભવ કુંડલીયા અને ગૌરાંગ પી. ગોકાણી રોકાયેલા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement