રાજકોટમાં બન્યો 'રેરેસ્ટ ઑફ ધી રેર કેસ' : ૩૩ વર્ષની મહિલાને તાવની ફરિયાદ હતી, પેટમાં ગડબડ લાગતા સોનોગ્રાફી કરાઈ, ત્યારબાદ સર્જરી કરી તો સવા કિલોનું 'મૃત બાળક' હતું

14 May 2022 12:46 PM
Rajkot Health
  • રાજકોટમાં બન્યો 'રેરેસ્ટ ઑફ ધી રેર કેસ' : ૩૩ વર્ષની મહિલાને તાવની ફરિયાદ હતી, પેટમાં ગડબડ લાગતા સોનોગ્રાફી કરાઈ, ત્યારબાદ સર્જરી કરી તો સવા કિલોનું 'મૃત બાળક' હતું

* મહિલા દર્દીને આ પહેલાં સિઝેરીયનથી બે ડિલિવરી થઈ ગઈ હતી આમ છતાં ગર્ભવતી હોવાની જાણ ન થઈ ! આવો કિસ્સો રાજકોટ જ નહીં બલ્કે ગુજરાતમાં નથી બન્યો

*60 કિલો વજન ધરાવતી મહિલા શ્વાસ લેવામાં તકલીફ ઉપરાંત તાવ અને પેટમાં દુ:ખાવા સાથે દાખલ થઈ જેના ઓપરેશન માટે બે ગાયનેક, એક ગેસ્ટ્રો સહિત સાત તબીબો રહ્યા હાજર

* જ્યારે દર્દી દાખલ થઈ ત્યારે તેના જીવનના ચાન્સ 10% જ હતા ! જો કે તબીબોની ખંતપૂર્વકની સારવારે આપ્યું નવજીવન

રાજકોટ, તા.14
કોરોના બાદ અનેક એવી બીમારીઓ સામે આવી છે જેના વિશે લોકોએ ક્યારેય સાંભળ્યું પણ નહોતું કે ન તો તેની કલ્પના કરી હતી...! જો કે હવે દરેક બીમારીની સારવાર શક્ય બની જતાં દર્દીઓને ઘણી જ રાહત મળી રહી છે. આ બધાની વચ્ચે રાજકોટમાં રેરેસ્ટ ઑફ ધ રેર કહી શકાય તેવો એક કિસ્સો બનવા પામ્યો છે. વેરાવળના સૂત્રાપાડા નજીક આવેલા એક ગામની મહિલા દર્દી પેટના દુ:ખાવાની ફરિયાદ સાથે દાખલ થઈ હતી. આ પછી તેની સોનોગ્રાફી કરવામાં આવતાં તેમાં વ્યવસ્થિત નિદાન ન થતાં તેની સર્જરી કરવામાં આવી હતી જેનું પરિણામ આવતાં તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા કેમ કે આ મહિલાના ગર્ભમાં છેલ્લા દોઢ મહિનાથી સવા કિલોનું એક બાળક ગર્ભાશય ફાડીને બહાર પડેલું હતું !!

આ અંગે માહિતી આપતાં બાળરોગ નિષ્ણાત ડૉ.પ્રતીક ભાડજા, ડૉ.જીગર પાડલિયા અને ડૉ.દર્શન જાનીએ જણાવ્યું કે જ્યારે 33 વર્ષની આ મહિલા સારવાર માટે આવી ત્યારે તેના જીવનના ચાન્સ 10% કરતાં પણ ઓછા હતા કેમ કે તેને હેવી ફિવર (ઉચ્ચ તાવ), પેટમાં દુ:ખાવો ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તો ગર્ભાશય એકદમ જ ફૂલી ગયું હતું. આ પછી તબીબોએ ગેસની તકલીફ માનીને દર્દીના પેટની સોનોગ્રાફી કરી હતી પરંતુ તેમાં એર જ દેખાતી હોવાથી કશું નિદાન ન થઈ શકતાં લેપ્રોસ્કોપી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સર્જરીનું પરિણામ આવતાં મહિલાના પેટમાં છેલ્લા દોઢ મહિનાથી એક મૃત બાળક પડ્યું હોવાનું અને તેનું વજન સવા કિલો જેટલું હોવાનું ખુલતાં દર્દીઓ રીતસરના ખળભળી ઉઠ્યા હતા.

તબીબોએ જણાવ્યું કે આશ્ચર્યની વાત એ છે કે મહિલા દર્દીને પાછલી બે ડિલિવરી સીઝેરિયનથી કરવામાં આવી હોવા છતાં પોતે ગર્ભવતિ હોવાનો ખ્યાલ તેને આવ્યો નહોતો. બબ્બે વખત સિઝેરિયન થવાથી ટાંકા નબળા પડી ગયા હોવાને કારણે બાળક ટાંકા ફાડીને બહાર આવી ગયું હતું અને તેના કારણે જ મહિલાને અસહ્ય દુ:ખાવો થઈ રહ્યો હતો.

મહિલાના પેટમાં મૃત બાળક હોવાનું ખુલતાં તાત્કાલિક ઓપરેશનની જરૂરિયાત ઉભી થઈ હતી. દર્દીના પરિવારે તાત્કાલિક ઓપરેશનની સહમતિ આપતાં તબીબોએ ઓપરેશન શરૂ કર્યું હતું જે 6 કલાક સુધી ચાલ્યું હતું. મહિલા દર્દીના ઓપરેશન વખતે બે ગાયનેક, એક ગેસ્ટ્રો, એક એનેસ્થેટિક સહિત સાત જેટલા તબીબો હાજર રહ્યા હતા. ઓપરેશન સફળ નિવડતાં મહિલાનો જીવ બચી ગયો હતો. તબીબોએ કહ્યું કે ઓપરેશન વખતે મહિલાના આંતરડામાં કાણું હતું જેને પણ સાંધી દેવામાં આવ્યું છે. અત્યારે મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ખતરાની બહાર હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

6 મહિનાથી ગર્ભમાં રહેલું બાળક ચાર મહિના સુધી જીવિત રહ્યું, બે મહિના પહેલાં જ મૃત્યુ પામ્યું હોવાનું તારણ
વેરાવળની જે મહિૂલાનો રેરેસ્ટ ઑફ ધ રેર કેસ જોવા મળ્યો છે તે અંગે તબીબોએ ઉમેર્યું કે આ મહિલાના પેટમાં છેલ્લા છ મહિનાથી એક બાળક ઉછરી રહ્યું હતું. જો કે તે અંગે મહિલા અજાણ રહી જતાં તે બાળક ચાર મહિના સુધી તો જીવિત રહ્યું હતું પરંતુ મહિલા બેધ્યાન રહેવાને કારણે બાળક બે મહિના પહેલાં જ મૃથ્યુ પામ્યું હોય તેવું બની શકે છે.

મૃત બાળકના હાડકા મહિલાના પેટમાં પથરાઈ ગયા હતા !!
તબીબોએ જણાવ્યું કે દોઢ મહિનાથી મહિલાના પેટમાં બાળક હોવાની મહિલાને જાણ ન થતાં અને પેટમાં જ બાળક મૃત્યુ પામતાં તેના હાડકા મહિલાના પેટમાં પથરાઈ ગયા હતા. જો સમયસર ઓપરેશન કરવામાં ન આવ્યું હોત તો આ હાડકા ઈન્ફેક્શન ફેલાવી શકે તેવી સ્થિતિ હતી પરંતુ સમયસરની સારવારને કારણે આવું બની શક્યું નથી. એકંદરે મહિલાના ગર્ભાશયના ટાંકા નબળા પડી ગયા હોવાને કારણે બાળક ગર્ભાશય ફાડીને બહાર આવ્યું હોઈ શકે છે.

મહિલા દર્દીના પરિવારે કહ્યું, આવું કઈ રીતે બની શકે છે ?
તબીબોએ વધુમાં જણાવ્યું કે જ્યારે આ પ્રકારની ઘટના અંગે મહિલા દર્દીના પરિવારને જાણ કરવામાં આવી તો તેઓ પણ ચોંકી ઉઠ્યા કે આખરે આવું બની કઈ રીતે શકે ? જો કે પરિવારજનનો સહયોગ પૂરતો હોવાને કારણે કોઈ પ્રકારની માથાકૂટ થવા પામી નહોતી અને પરિવારજનોની વ્યવસ્થિત સમજાવટ કરવામાં આવતાં તેમણે આખરે રેરેસ્ટ ઑફ ધ રેર ગણાતાં આ કિસ્સાનો સ્વીકાર કરી લીધો હતો.

મહિલાનું ગર્ભાશય કાઢી નખાતાં હવે આગળ જતાં તેને કોઈ તકલીફ નહીં પડે
વેરાવળના સૂત્રાપાડા નજીકના ગામની જે મહિલાના ગર્ભાશયમાં બાળક ઉછરી રહ્યું હતું છતાં તેને જાણ ન રહેતાં તેના જીવ ઉપર જોખમ આવી પડ્યું હતું. જો કે સમયસરની સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો છે. સૌથી પહેલાં તબીબોએ મહિલાની સારવાર કર્યા બાદ તેનું ગર્ભાશય કાઢી નાખ્યું હોવાથી આગળ જતાં હવે તેને કોઈ જ પ્રકારની તકલીફ નહીં પડે અને ટૂંક સમયમાં જ તેને રજા પણ આપી દેવામાં આવશે તેવું તબીબાએ જણાવ્યું હતું.

પીરિયડ મીસ થયાના પાંચથી સાત દિવસની અંદર પ્રેગ્નન્સી રિપોર્ટ કરાવવો જરૂરી
તબીબોએ કહ્યું કે અત્યારની ભાગદોડભરી જીવનશૈલીને કારણે લોકો પોતાની પીરિયડ (માસિક ધર્મ)ની સાયકલને લઈને અત્યંત બેદરકાર થઈ ગયા છે જે બિલકુલ વ્યાજબી નથી. જો મહિલાનો પીરિયડ મીસ થાય અને તેના પાંચથી સાત દિવસની અંદર જ પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવી લેવામાં આવે તો આ પ્રકારની ઘટના બનતી રોકી શકાય છે. આ માટે મહિલાએ બીજું કશું કરવાની જગ્યાએ સોનોગ્રાફી કરાવી લેવી જરૂરી છે તો અત્યારે ઘરબેઠા જ પ્રેગ્નન્સી ટેસ્ટ થાય છે તે પણ કરી શકાય...


Related News

Loading...
Advertisement
Advertisement