નવી દિલ્હી,તા. 14
દેશમાં એક તરફ મોંઘવારી સહિતના ભાવવધારા અને દરેક ક્ષેત્રમાં આમ આદમી માટે મુશ્કેલ સ્થિતિ છે તો બીજી તરફ દેશના અલ્ટ્રા રીચ તરીકે જાણીતા અને વિશ્વના બીલીયોનર્સમાં સ્થાન ધરાવતા ભારતીયો લકઝરી પ્રોપર્ટી ખરીદવામાં વિશ્વના ધનવાનો સાથે હોડ લગાવી રહ્યા છે અને 2021માં મુંબઈ અને પુનામાં અતિ મોંઘા અને લકઝરી ગણી શકાય તેવા આવાસોનું વેચાણ છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ રહ્યું છે.
હવે 2022માં પણ તે એક નવો રેકોર્ડ બનાવે તેવી શક્યતા છે. આંતરરાષ્ટ્રીય એજન્સી તથા કેર મેટ્રીક્સના સંયુક્ત અભ્યાસમાં જણાવાયું છે કે મુંબઈમાં 2021ના વર્ષમાં 1214 લકઝરી રેસીડેન્સ પ્રોપર્ટી રૂા. 20255 કરોડની ખરીદાઇ હતી જે 2018માં રૂા. 9872 કરોડની હતી. મુંબઈ અને પુના એ દેશના સૌથી મોંઘા લકઝરી આવાસના વેચાણનું કેન્દ્ર બની ગયું છે અને ખાસ કરીને બીઝનેસ ફેમીલી, સ્ટાર્ટઅપ ફાઉન્ડેશન અને ટોચના સીઈઓ છેલ્લા કેટલાક માસમાં રૂા. 50 કરોડથી રૂા.1000 કરોડની મિલકતો ખરીદી રહ્યા છે.
જેમાં બજાજ ઇલેક્ટ્રીકના ચેરમેન શેખર બજાજ, ભારતી એન્ટરપ્રાઇઝના વાઈસ ચેરમેન રાજેન ભારતી મિતલ, આઈનોક્સના વડા સિધ્ધાર્થ જૈન, વીડિયોકોન ગ્રુપ કે જે લગભગ ભુલાઇ ગયું છે તેના ચેરમેન અનિરુધ્ધ ધૂતના પત્ની પૂજા ધૂત રિટેઇલ ક્ષેત્રમાં રિલાયન્સની સ્પર્ધા કરી ડી-માર્ટના વડા રાધાકિશન દામાણી, એચડીએફસી બેન્કના પૂર્વ એમડી આદિત્યપુરીના પત્ની અનિતા પુરી,ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન વગેરેનો સમાવેશ થાય છે.
મુંબઈ અને પુનાના પ્રોપર્ટી કન્સલ્ટન્ટનો બિઝનેસ અત્યારે સૌથી વધુ તેજીમાં છે.અહીં મોટાભાગની પ્રોપર્ટીની પ્રાઇઝ ટેગ રૂા.25 કરોડ કે તેથી વધુ છે. આ ઉપરાંત ગોવા પણ ધનવાનોની પ્રોપર્ટી ખરીદવા માટેનું હોટ માર્કેટ બની ગયું છે. દિલ્હીના પોશ વિસ્તારોમાં પણ હાલ વૈભવી આવાસોની જબરી ડિમાન્ડ છે.