પાલીતાણામાં પ્રિ-મોન્સુન કામગીરીનો અભાવ

16 May 2022 12:54 PM
Bhavnagar
  • પાલીતાણામાં પ્રિ-મોન્સુન  કામગીરીનો અભાવ

વરસાદી પાણીના નિકાલ માટે વોંકળા સાફ થયા નથી : ઉનાળામાં ભુગર્ભ ગટર છલકાય છે : તંત્રની ચૂપકીદી

(મેહુલ સોની) પાલીતાણા,તા. 16
પાલીતાણા નગરપાલિકા દ્વારા ઉનાળામાં પ્રિ-મોન્સુન કામગીરી હાથ ન ધરાતા ભારે વરસાદ પડશે તો શહેરીજનો રામ ભરોસે જ મુકાઇ જશે. શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેના રાજાશાહી વખતના અનેક વોંકળા હતા જેના ઉપર તંત્રની મહેરબાનીથી વ્યાપક દબાણો થઇ ગયા છે. તળેટી રોડ ઉપર તો વોંકળાઓ ઉપર મોટા બીલ્ડીંગો બની ગયા છે.

એક વોંકળા ઉપર મોટા બિલ્ડીંગો બની ગયા છે. એક વોંકળા ઉપર તો પાંચ માળની બિલ્ડીંગ બની ગઇ છે. વરસાદી પાણીના નિકાલમાં મોટો અવરોધ ઉભો થઇ રહ્યો છે. ટુંક સમયમાં જ મેઘરાજાનું આગમન થશે પણ પાલીકા તંત્ર દ્વારા વોંકળાની સફાઈ કરવામાં આવી નથી. મોટાભાગના વોંકળા ગંદકી અને કચરાથી ખદબદી રહ્યા છે તેની સફાઈમાં નગરપાલિકાને રસ ન હોવાનું જણાય છે. ગત વરસે પણ પ્રિ-મોન્સૂન કામગીરી પુરેપુરી કરવામાં આવેલ ન હતી. પરંતુ પુરતો વરસાદ પડ્યો ન હોવાથી નગરપાલિકાની આબરુ બચી ગઇ હતી. જો આ વર્ષે ભારે વરસાદ પડશે તો નગરપાલિકાના વિકાસ કાર્યોની પોલ ખુલી જશે.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ વરસાદી પાણીના નિકાલ માટેનાં ખુલ્લા વોકળા આવેલહતા ત્યાં પાલીકાની બેદરકારી કે મીલી ભગતથી બિલ્ડરો અને સંસ્થાઓ દ્વારા વોંકળાઓ ઉપર બાંધકામ ખડકી દેવામાં આવ્યા છે જે વોંકળાઓ ખુલ્લા છે ત્યાં પણ બાંધકામની પેરવી ચાલી રહી છે. તંત્રને આવા બાંધકામ અટકાવવામાં રસ નહીં હોવાની વાતો ચર્ચાઇ રહી છે. વોંકળાની સફાઈના અભાવે શહેરમાં ચોમાસામાં વિકટ સ્થિતિ ઉભી થશે. જાહેરમાર્ગો પર પાણી ભરાશે તેમજ વરસાદી પાણી ભરાવાથી અકસ્માતની ભીતિ સર્જાશે. ઉનાળામાં ભુગર્ભ ગટર છલકાય છે ત્યારે ચાલુ વરસાદે શું થશે ? પાલીકા તંત્રે ત્વરીત પ્રિ મોન્સૂન કામગીરી હાથ ધરવી જોઇએ તેવી લોકમાંગ ઉઠવાપામી છે.


Loading...
Advertisement
Advertisement