રાજકોટ, તા.16
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તેમાં મજબૂત દેખાવ કરવા માટે ભાજપ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. જો કે કોંગ્રેસ તેના ‘રાબેતા મુજબ’ના પક્ષની અંદરના જ ડખ્ખાઓમાં ગુંચવાયેલી રહેવા માટે ટેવાયેલી હોય તેવી રીતે અત્યારે પણ અંદરોઅંદર મતભેદ શરૂ થઈ ચૂક્યા છે.
આ વખતે હાર્દિક પટેલે ‘ઉપાડો’ લીધો હોય તેવી રીતે છેલ્લા ઘણા સમયથી તે કોંગ્રેસમાં રહીને કોંગ્રેસની ટીકા કરી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસનો બચાવ કરવા માટે અન્ય નેતાઓ મેદાનમાં આવી રહ્યા છે. દરમિયાન હાર્દિક પટેલે ગઈકાલે નરેશ પટેલ સાથે બેઠક કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેને કોંગ્રેસે કશું જ નહીં આપ્યું હોવાનો આક્ષેપ કર્યા બાદ આજે પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ તે આક્ષેપનો જવાબ આપતાં કહ્યું હતું કે હાર્દિકને તેની ઉંમર અને જવાબદારી કરતાં કોંગ્રેસ પક્ષે વધુ આપ્યું છે. અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસની ચિંતન શિબિરમાં ગણતરીના નેતાઓને જ આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં હાર્દિકનું નામ પણ સામેલ હતું.
હાર્દિકને નાની ઉંમરે સમાજના આંદોલનમાં નેતૃત્વ સંભાળવાની તક મળી. કોંગ્રેસે તેમને તેમની ઉંમર અને અનુભવ કરતાં વધારે જવાબદારી આપીને તેમને કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે. પક્ષમાં વર્ષોથી જે કાર્યકરો અને નેતાઓ મહેનત કરી રહ્યા છે તેના કરતાં હાર્દિક પટેલને વધારે મહત્ત્વ અને જવાબદારી અપાઈ છે એટલે હાર્દિકે વારંવાર પક્ષને કઠેડામાં ઉભા રાખવાને બદલે તેમને જે જવાબદારી સોંપાઈ છે તે વહન કરવી જોઈએ. નાના-મોટા પ્રશ્ર્નો હોય તો પક્ષ સાથે વાત કરવી જોઈએ અને પક્ષમાં નાનું-મોટું સન્માન ન મળ્યું હોય ત્યારે વ્યક્તિગત બાબતને બાજુએ મુકીને પક્ષને આપેલા કમિટમેન્ટ માટે કામ કરવાનું હોય છે.