ધમાલ નૃત્ય જોવામાં મોટી ધમાલ થઈ ગઈ : તાલાલા અને રાજકોટના પરિવાર વચ્ચે છરી-ધોકાથી ધીંગાણું ખેલાયું

16 May 2022 05:32 PM
Junagadh Saurashtra
  • ધમાલ નૃત્ય જોવામાં મોટી ધમાલ થઈ ગઈ : તાલાલા અને રાજકોટના પરિવાર વચ્ચે છરી-ધોકાથી ધીંગાણું ખેલાયું

* સાસણના ફાર્મ હાઉસમાં બનેલી ચકચારી ઘટના

* રાજકોટના કારખાનેદાર પરિવાર અને તાલાલાના સોની પરિવાર વચ્ચેની મારામારીમાં 9ને ઇજા થતા સારવારમાં : રાયોટીંગનો ગુનો દાખલ

* લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી પાછળ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા જયેશભાઈ દૂધાત, મહીપતસિંહ જાડેજા, મહાવીરસિંહ પરમારને છરીના ઘા લાગ્યા : મહીપતસિંહના પત્ની પ્રિયાંશીબેન અને કનકસિંહના દિકરી ધ્રુવીશાબાને પણ ઇજા થઈ

જુનાગઢ,તા. 16
સાસણ ખાતે રાજકોટથી ફરવા આવેલા કારખાનેદાર પરિવારો એક ફાર્મ હાઉસમાં ધમાલ નૃત્યનું આયોજન કરેલ તેવામાં તાલાલાના એક સોની પરિવાર સાથે નૃત્ય જોવા મામલે ઝઘડો થયા બાદ બન્ને પરિવારો વચ્ચે સામસામે મારામારી થતાં કુલ 9ને ઇજા થવા પામી હતી.

આ અંગેની વિગત મુજબ અમદાવાદ હાઇવે પર ઉમિયા સેલ્સ નામે ખેડૂત ઓજારોનું કારખાનું ધરાવતા અને રાજકોટમાં લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી પાછળ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા જયેશભાઇ કરશનભાઈ દૂધાતનો પરિવાર અને તેના પડોશી મિત્ર મહીપતસિંહ વનરાજસિંહ જાડેજા, કનકસિંહ વનરાજસિંહ જાડેજા અને તેના બનેવી મહાવીરસિંહ બાલુભા પરમારનો પરિવાર ગીરના રિસોર્ટમાં રોકાયેલ અને રાત્રિનાં સંયુક્ત ફાળો ઉઘરાવી ધમાલ નૃત્યનું આયોજન કરેલ ત્યારે સાંજનાં તાલાલામાં સોના-ચાંદીનો શો રૂમ ધરાવતા ગીરીશભાઈ રુગનાથભાઈ પાલાનો પરિવાર જમવા આવેલ જમ્યા બાદ ધમાલ નૃત્ય શરુ કરવાનું હોય.

જેથી રાજકોટના જયેશભાઈ દૂધાતે ગીરીશભાઈ પાસે ધમાલ નૃત્ય જોવા માટેના પૈસા માંગેલ તે મામલે માથાકૂટ થતાં રિસોર્ટના માલિક લાલાભાઈએ વચ્ચે પડી સમાધાન કરેલ હતું અને તેઓ જતા રહેલ બાદ આ મનદુ:ખ રાખી આરોપી ગીરીશ સોની, દીપેશ ગીરીશ, મોહીત ગીરીશ, સુભાષ બાવાજી, દિનેશ બાવાજી અને જમન પટેલે ફરી રિસોર્ટમાં છરી-લાકડીઓ સાથે ગેરકાયદેસર મંડળી રચી રાજકોટના પરિવાર ઉપર આડેધડ હુમલો કરી જયેશભાઈના માથામાં છરીનો ઘા મારી લોહીલોહાણ કરી દીધેલ તેમજ મહીપતસિંહના પડખામાં, મહાવીરસિંહના ખભ્ભામાં છરીના ઘા માર્યા હતા.

જેમાં વચ્ચે છોડાવવા પડેલા મહીપતસિંહના પત્ની પ્રિયાંશીબેન અને કનકસિંહના દિકરી ધ્રુવીશાબાને ઇજા થઈ હતી. સામા પક્ષે ગીરીશભાઈ પાલાના ભત્રીજા વિશાલ પાલાએ ફરિયાદમાં ત્રણ - ચાર અજાણ્યા શખ્સોએ ગીરીશભાઈના અને તેના પુત્ર મોહીતના હાથમાં ફ્રેક્ચર કરી દેવામાં આવતાં વેરાવળ દાખલ કરાયા છે. જ્યારે દિપેશભાઈ અને મોહીતભાઈના પત્ની હેતલબેનને પણ ઇજા થઈ છે.

બન્ને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતા કલમ 326, 324, 323, 143, 147, 148, 159 જીપીએક્ટ 135 હેઠળ ગુનો દાખલ કરી ઇન્ચાર્જ પીએસઆઈ આર.ડી. ડામોરે તપાસ હાથ ધરી ચાર જેટલા શખ્સોને પકડી લીધાનું જુનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે. ઇન્ચાર્જ પીએસઆઈનો નંબરનો રીપ્લાય થવા પામ્યો છે. બાકીના અન્ય દવાખાને દાખલ હોવાનું જાણવા મળે છે.


Related News

Loading...
Advertisement
Advertisement