રાજકોટ:
આજે ગીર અભયારણ્યમાં સિંહની અનોખી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. ગીર જંગલમાં વસવાટ કરતા સિંહોની સંખ્યા જાણવા દર પાંચ વર્ષે વનવિભાગ દ્વારા સિંહની ગણતરી કરવામાં આવે છે, પરંતુ કોરોનાને કારણે વર્ષ 2020 માં આ પ્રક્રિયા શક્ય ન બનતાં દર મહિનાની પૂનમે ચોક્કસ અવલોકન દ્વારા સિંહની સંખ્યાનો અંદાજ કાઢવામાં આવે છે.
આજની પૂનમે જે રીતે પાંચ વર્ષે સિંહની ગણતરી થાય છે એ જ રીતે વન કર્મીઓ દ્વારા સિંહની વસ્તી ગણતરી હાથ ધરાશે. જેમાં સિંહની દૈનિક ચર્યા, પગલાઓના નિશાન, ટેબ્લેટ દ્વારા ફોટોગ્રાફ્સ સિંહના શરીર ઉપર કયા નિશાન છે. આ તમામ પાસાઓનું એક પત્રક તૈયાર કરવામાં આવશે અને એ રીતે ગીર અને આસપાસના વિસ્તારમાં કેટલા સિંહનો વસવાટ છે તેનો અંદાજ વનવિભાગ દ્વારા કાઢવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ તૃણાહારી પ્રાણીઓની ગણતરી ચાલુ છે, ત્યારે જ સિંહની ગણતરીની પ્રક્રિયા કરાતા વનકર્મીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.