સૌરાષ્ટ્રના ડેમોમાંથી પોણાભાગનું પાણી ખલ્લાસ: હવે વરસાદ જ બનશે તારણહાર

17 May 2022 02:31 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રના ડેમોમાંથી પોણાભાગનું પાણી ખલ્લાસ: હવે વરસાદ જ બનશે તારણહાર

આકરી ગરમીને કારણે જળજથ્થો સૂકાવા લાગ્યો: પાણી માટે ગુજરાતની જીવાદોરી ગણાતાં 17 ડેમોમાં 46% જ પાણી બચ્યું: જો વરસાદ ‘મહેરબાન’ નહીં રહે તો ગંભીર જળસંકટના ભણકારા

રાજકોટ, તા.17
ઉનાળો પીછેહઠ કરવાનું નામ લઈ રહ્યો નથી અને ગરમી દિવસેને દિવસે જોર પકડી રહી છે જેના કારણે પાણીની માંગમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. આ સાથે જ ભારે ગરમીને કારણે જળાશયોમાંથી પાણી પણ સૂકાવા લાગતાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જાણવા મળ્યા પ્રમાણે ભારે ગરમીને કારણે સૌરાષ્ટ્રના ડેમોમાંથી પોણાભાગનું પાણી ખલ્લાસ થઈ જતાં હવે વરસાદ જ તારણહાર બની રહેશે. બીજી બાજુ રાજ્યને પાણી પૂરું પાડનારા 17 જેટલા મુખ્ય ડેમોમાં અત્યારે માત્ર 46% પાણી જ બચ્યું છે એટલા માટે જો વરસાદ ‘મહેરબાન’ નહીં રહે તો ગંભીર જળસંકટના ભણકારા પણ વાગી રહ્યા છે.

પાછલા દિવસોમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણીની મોકાણ સર્જાઈ હતી ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ જળસંકટના ડાકલાં વાગવા લાગ્યા છે. ગુજરાતના 207 ડેમોમાં અત્યારે 46% જેટલો પાણીનો જથ્થો બાકી રહ્યો છે. સૌથી વધુ કફોડી હાલત ઉત્તર ગુજરાતની છે જ્યાંના 15 ડેમોમાં માંડ 13.69% ટકા જેટલું જ પાણી બાકી રહ્યું છે. આવી જ રીતે કચ્છના 20 ડેમોમાં 16.90% જેટલો જળજથ્થો બાકી રહ્યો છે. જાણવા મળ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના 141 ડેમોમાં હવે 32.59% પાણી બાકી હોવાથી ડેમોમાં પોણાભાગનું પાણી ખલ્લાસ થઈ ગયું છે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી. અત્યારે રાજ્યના અનેક ગામડાઓ એવા છે.

જ્યાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને તેના લીધે જ અત્યારે ટેન્કોરોના ફેરામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આકરી ગરમી વચ્ચે પાણી તેમજ ઘાસચારાની અછતને કારણે પશુઓના પણ ટપોટપ મોત નિપજી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં જો સૂરજદાદા હળવા નહીં થાય તો સ્થિતિ વધુ વણસી જશે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં 3.37%, બોટાદમાં 7.65%, જામનગરમાં 20.47%, જૂનાગઢમાં 24.12%, પોરબંદરમાં 20.84% અને સુરેન્દ્રનગરમાં 19.53% જ પાણીનો જીવંત જથ્થો બચ્યો હોવાનું બહાર આવી રહ્યું છે.

આ બધાની વચ્ચે ચિંતાની વાત એ પણ છે કે હવામાન વિભાગ તેમજ ખાનગી હવામાન એજન્સી દ્વારા પણ આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી છે ત્યારે જો ચોમાસું આગાહી પ્રમાણે જ સામાન્ય રહેશે તો પાણીની ગંભીર અછત સર્જાશે.


Related News

Loading...
Advertisement
Advertisement