રાજકોટ સહિત ટીમ ઈન્ડિયા સામે પાંચ ટી-20 શ્રેણી માટે ‘સ્ટ્રોંગ’ ટીમની પસંદગી કરતું આફ્રિકા

17 May 2022 04:42 PM
Rajkot Saurashtra Sports
  • રાજકોટ સહિત ટીમ ઈન્ડિયા સામે પાંચ ટી-20 શ્રેણી માટે ‘સ્ટ્રોંગ’ ટીમની પસંદગી કરતું આફ્રિકા

આઈપીએલ રમી રહેલા ડીકોક, માર્કરામ, નોર્કિયા, રબાડા, પ્રિટોરિયસ, મીલર, જેન્સન, વેન ડર ડસેન સહિતના ધુંઆધાર ખેલાડીઓ ટીમમાં સામેલ: 17 જૂને રાજકોટમાં ભારત-આફ્રિકા વચ્ચે જામશે જંગ

રાજકોટ, તા.17
9થી 19 જૂન વચ્ચે દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતમાં પાંચ ટી-20 મેચની શ્રેણી રમવા માટે આવી રહી છે. આ શ્રેણીનો ચોથો મુકાબલો 17 જૂને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ઉપર રમાવાનો હોવાથી તેની અત્યારે તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. બીજી બાજુ આજે દક્ષિણ આફ્રિકાએ 16 ખેલાડીઓની અત્યંત ‘સ્ટ્રોંગ’ કહી શકાય તેવી ટીમની જાહેરાત કરી છે.

આ ટીમમાં ફાસ્ટ બોલર એનરિચ નોર્ખિયાની ટીમમાં વાપસી થઈ છે જ્યારે ટ્રિસ્ટન સ્ટ્રબ્સને પહેલીવાર ટીમમાં તક આપવામાં આવી છે. 16 ખેલાડીઓની ટીમમાં સામેલ મોટાભાગના ખેલાડીઓ અત્યારે ભારતમાં છે અને આઈપીએલ રમી રહ્યા છે. આઈપીએલ-15નો ફાઈનલ 29 મેએ રમાવાનો છે. એવું મનાય રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના સીનિયર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીને આ શ્રેણીમાં આરામ આપવામાં આવી શકે છે.

પસંદ કરાયેલી દક્ષિણ આફ્રિકા ટીમની વાત કરવામાં આવે તો અત્યારે ક્વિન્ટન ડીકોક, એડન માર્કરમ, ડેવિડ મીલર, એનરિચ નોર્ખિયા, ડવેઈન પ્રિટોરિયસ, કગીસો રબાડા, રાસી વૈન ડર ડસન અને માર્કો જેન્સન સહિતના ખેલાડીઓ આઈપીએલમાં અલગ-અલગ ટીમ વતી રમી રહ્યા છે. જ્યારે અન્ય ખેલાડીઓ પણ ફોર્મમાં હોવાથી ટીમ ઈન્ડિયા માટે આ ટીમ મોટો પડકાર બની રહેશે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી. આફ્રિકા ટીમની કમાન ટેમ્બા બાવુમાને સોંપવામાં આવી છે.

બીજી બાજુ વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, ઋષભ પંત, કે.એલ.રાહુલ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વીન, રવીન્દ્ર જાડેજા અને ચેતેશ્ર્વર પુજારાને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ‘ફ્રેશ’ રાખવામાં આવશે તો આફ્રિકા સામે નવોદિત ખેલાડીઓ જે અત્યારે આઈપીએલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે તેમને તક આપવામાં આવશે. શિખર ધવનની આગેવાનીમાં તીલક વર્મા, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ ટીમમાં જગ્યા બનાવી શકે છે. પસંદગીકારોની મિટિંગ પહેલાં આઈપીએલમાં ઈજાગ્રસ્ત થયેલા સૂર્યકુમાર યાદવની હેલ્થ અપડેટ પણ લેવામાં આવશે.

ટીમ આફ્રિકા
ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડીકોક, રિજા હેન્ડ્રીક્સ, હેનરિચ ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરમ, ડેવિડ મીલર, લુંગી એનગિડી, એનરિચ નોર્ખિયા, વાયને પાર્નેલ, ડવેઈન પ્રિટોરિયસ, કગીસો રબાડા, તબરેજ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, રાસી વૈન ડર ડસન, માર્કો જેનસેન.

ભારત-આફ્રિકા શ્રેણીનો કાર્યક્રમ
મેચ - તારીખ - સ્થળ
પ્રથમ ટી-20 - 9 જૂન - દિલ્હી
બીજી ટી-20 - 12 જૂન - કટક
ત્રીજી ટી-20 - 14 જૂન - વિશાખાપટ્ટનમ
ચોથી ટી-20 - 17 જૂન - રાજકોટ
પાંચમી ટી-20 - 19 જૂન - બેંગ્લોર


Related News

Loading...
Advertisement
Advertisement