રાજકોટ, તા.19
કોંગ્રેસ છોડ્યા બાદ આજે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસની બેફામ શબ્દોમાં ટીકા કરી હતી તો અનેક આક્ષેપો પણ કર્યા હતા. દરમિયાન આજે રાજકોટમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં ભાગ લેવા આવેલા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિકના આક્ષેપોનો વળતો જવાબ આપતાં કહ્યું હતું કે હાર્દિક પટેલે જેને જનરલ ડાયર કહેતા તેને હવે પ્રભુ-પરમેશ્વર કહેશે !
જગદીશ ઠાકોરનો ઈશારો અમિત શાહ તરફ હતો જેને હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન વખતે જનરલ ડાયર કહીને સંબોધન કર્યું હતું. આ સાથે જ તેમણે એવો ઈશારો પણ કરી દીધો કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ રહ્યા છે.
જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું કે કોંગ્રેસ છોડીને હાર્દિક પટેલ રાષ્ટ્રદ્રોહીમાંથી રાષ્ટ્રભક્ત બની જશે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ ઉપર રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધાયેલો છે. ઠાકોરે ઉમેર્યું કે હાર્દિક અત્યારે જે બોલી રહ્યો છે તે તેની નહીં બલ્કે ભાજપની ભાષા છે. આ ઉપરાંત હાર્દિકે જે રાજીનામાપત્ર લખ્યો છે તે પણ તેણે નહીં ભાજપે લખી આપ્યો છે.
ચૂંટણીમાં ફંડ ઉઘરાવવાના આક્ષેપનો જવાબ આપતાં જગદીશ ઠાકોરે કહ્યું કે કોંગ્રેસની વિવિધ પાંખના સભ્ય બનવા માટે ફી નિર્ધારિત કરેલી છે તે જ લેવામાં આવી રહી છે. હાર્દિક પટેલ જ્યારે એનએસયુઆઈ સહિતની પાંખમાં પોતાના માણસોને બેસાડવા માંગતા હતા ત્યારે તેમને આ ઉઘરાણા નહોતા નડ્યા ?
અત્રે ઉલ્લેલખનીય છે કે હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડીને આજે પત્રકાર પરિષદમાં અનેક ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા ત્યારે જગદીશ ઠાકોરે કહ્યું કે હાર્દિક જેટલા પણ આક્ષેપો અને સવાલો કરશે તે તમામના જવાબ તેને મળતા જ રહેશે. તેમણે કહ્યું કે હાર્દિક પટેલ એક સપ્તાહથી કોંગ્રેસના નેતાઓને ફોન કરીને કોંગ્રેસ છોડવા માટે કહી રહ્યા છે પરંતુ ગઈકાલે તેમણે કોંગ્રેસ છોડ્યા બાદ અન્ય કોઈ નેતાએ કોંગ્રેસ છોડી નથી. હાર્દિક પટેલને આખી કોંગ્રેસમાં પોતાના જ માણસો જોઈતા હતા જે માંગણી પૂર્ણ કરી શકાય તેમ ન હોવાથી તરેહ તરેહના આક્ષેપો કરવા લાગ્યા છે.