રાજકોટ, તા. 19
મનપાની ફૂડ શાખા દ્વારા ગઇકાલે જુના મોરબી રોડના ખોડીયાર પાર્ક-2માં આવેલ શ્રી ક્રિષ્ના ગુલ્ફી એન્ડ આઇસ્ક્રીમ નામની ઉત્પાદક પેઢીમાં પાડવામાં આવેલા દરોડામાં કેન્ડીમાં દૂધના ફેટના બદલે પામ તેલના ફેટનો ઉપયોગ કરાતો હોવાની ચોંકાવનારી વિગત ખુલી છે જેના પગલે 100 કિલો બિનઆરોગ્યપ્રદ ચોકોબાર અને મેંગોડોલીનો નાશ કરવામાં આવ્યો છે.
આ પેઢીમાં માલિક ક્રુષ્ણ ગોપાલ ભૂરીસિંગ પાલ દ્વારા કેન્ડી ચોકોબાર, મેંગો ડોલી, માવા કેન્ડી, મેંગો જ્યુસી, તથા વેનીલા આઇસક્રીમનું બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં ઉત્પાદન કરવામાં આવતું હતું. ચોકોબાર કેન્ડી બનાવવામાં ખરેખર તો મિલ્ક ફેટ કે ફૂડ એકટ દ્વારા માન્યતા પ્રાપ્ત વેજીટેબલ ફેટ નો ઉપયોગ માન્ય છે. મેંગો ડોલી કેન્ડી બનાવવામાં કેમિકલયુક્ત એસન્સનો ઉપયોગ કરવામાં આવતો હતો.
કેન્ડીનું પેકિંગ કરવામાં આવતું નથી કે કોઈ લેબલ લગાવેલ નથી.તેમજ કેન્ડી નું પેકિંગ કર્યા બાદ મિલ્ક ફેટમાંથી બનાવેલ છે તે દર્શાવવું જરૂરી છે. કેન્ડી ઉપર ઉત્પાદન તારીખ, બેચ નંબર તથા ઈન્ગ્રેડિયન્ટસ પણ દર્શાવવું જરૂરી છે. જે નિયમોનો ભંગ થતો હતો. આ તપાસ બાદ 60 કિલો ચોકોબાર અને 40 કિલો મેંગો ડોલીનો નાશ કરી નમુના લેબોરેટરી પરીક્ષણમાં મોકલાયા છે. આ ઉપરાંત રણછોડનગર-8માં આવેલ આઝાદ હિન્દ ગોલામાંથી પણ મેંગો સીરપનું સેમ્પલ લેવામાં આવ્યું છે.
ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં 15 ધંધાર્થીને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ઠંડાપીણાં, શેરડીનો રસ, આઇસક્રીમ, તથા ઉપયોગ માં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ 9 નમૂનાની સ્થળ પર ચકાસણી કરીને 8 આસામીને નોટીસ અપાઇ છે.તેમાં (1) ઉમિયાજી કોલ્ડ્રિંસ (2) ઉમિયા રસ પાર્લર (3)ગજાનન રસ ગોલા (4)બાપા સીતારામ રસ સેન્ટર (5)સ્વામીસ રેસ્ટોરન્ટ (6)બહુચરાજી ડ્રાયફ્રૂટ (7)શ્રી બંસીધર ડેરી ફાર્મ (8)નીલકંઠ પ્રોવિઝન સ્ટોરનો સમાવેશ થાય છે.
તંત્ર દ્વારા ગુરૂપ્રસાદ ચોકના 18 ધંધાર્થીને ત્યાં ઠંડાપીણા, આઈસ્ક્રીમ, ફરસાણ, મીઠાઇ, ખાદ્યતેલના રર નમુનાની પણ ચકાસણી કરવામાં આવી હતી.