મુંબઈ: આમિરખાન અને કરીનાકપુરના ફેન્સ બન્નેને ફરી રૂપેરી પરદે એક સાથે જોવા વ્યાકુળ છે. તેમની ઈંતેજારીનો હવે અંત આવશે. ‘થ્રી ઈડીયટસ’ માં બન્નેની કેમીસ્ટ્રી દર્શકોને પસંદ આવી હતી, હવે આ બન્ને સુપર સ્ટાર્સ ‘લાલસિંહ ચઢ્ઢા’માં સાથે નજરે પડશે. છેલ્લા ઘણા વર્ષોથી આ ફિલ્મનું કામ ચાલુ હતું, કોરોનાના કારણે ફિલ્મનું શુટીંગ પર પણ વારંવાર બ્રેક લાગતી રહી હતી.
પરંતુ હવે આ ફિલ્મ બનીને તૈયાર થઈ ગઈ છે ત્યારે સૌ કોઈ તેની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. હવે ખબર છે કે આમિર-કરીના ટુંક સમયમાં જ લાલસિંહ ચઢ્ઢાનું ટ્રેલર લોન્ચ કરનાર છે અને તેના માટે તેમણે ખાસ ઈવેન્ટ પસંદ કરી છે. અહેવાલો મુજબ આમિર અને કરીને આઈપીએલ ફાઈનલ દરમિયાન ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરશે. જાણવા મળેલી વિગત મુજબ આમીર કંઈક મોટું કરવા માંગતો હતો.એટલે આ ફિલ્મનું ટ્રેલર 29મી મે એ આઈપીએલ ફિનાલેના દિવસે રિલીઝ થશે. આઈપીએલ ફિનાલે પર પુરી દુનિયાના ક્રિકેટ પ્રેમીઓની નજર છે. ફિલ્મ મેકર્સ પણ આ મોકાનો લાભ લેવા માંગે છે, જે સિનેમા અને ક્રિકેટ પ્રશંસકો બન્ને માટે એક ખાસ મોકો બની રહેશે.