એક જાહેરાતે બદલાવી રાજકોટના પ્રિત કામાણીની કિસ્મત: ફિલ્મ ‘જર્સી’માં જીતી લીધા સૌના દિલ

24 May 2022 04:21 PM
Rajkot Entertainment India Maharashtra
  • એક જાહેરાતે બદલાવી રાજકોટના પ્રિત કામાણીની કિસ્મત: ફિલ્મ ‘જર્સી’માં જીતી લીધા સૌના દિલ

* ‘બીન તેરે ક્યા યારા મેરા...’ આ ગીત કોઈએ સાંભળ્યું જ ન હોય તો નવાઈ પામવા જેવું...!

* રાજકોટીયન પ્રીત કામાણીએ ફિલ્મ ‘જર્સી’ના અનુભવો ‘સાંજ સમાચાર’ સમક્ષ વર્ણવ્યા

રાજકોટ, તા.24
કિસ્મત આડેનું પાંદડું ક્યારે ખસી જાય તેની કલ્પના અત્યાર સુધી કાળા માથાનો માનવી કરી શક્યો નથી અને ક્યારેય કરી શકવાનો પણ નથી...આપણે અત્યાર સુધી ઘણા એવા કિસ્સા સાંભળ્યા અને જોયા હશે જેમના કિસ્મત રાતોરાત ચમકી ગયા હોય, જો કે આ ચમકારા માટે મહેનત કરવી પણ એટલી જ જરૂરી બની જાય છે. આવું જ કંઈક મુળ રાજકોટના અને વર્ષો પહેલાં મુંબઈ સ્થાયી થયેલા પ્રીત હરેનભાઈ કામાણી સાથે બનવા પામ્યું છે. આમ તો નાનપણથી જ અભિનયમાં કરિયર બનાવવાના સ્વપ્ન સેવી રહેલા પ્રીતે અત્યાર સુધીમાં ફિલ્મ-વેબસિરીઝમાં કામ કર્યું છે પરંતુ એક જાહેરાત થકી જાણે કે તેની કિસ્મત બદલાઈ ગઈ હોય તેવી રીતે તેને શાહિદ કપૂર, પંકજ કપૂર, મૃણાલ ઠાકુર સહિતના દિગ્ગજ કલાકારોને ચમકાવતી અને તાજેતરમાં જ રિલિઝ થયેલી ફિલ્મ ‘જર્સી’માં મહત્ત્વનો રોલ ભજવવાની તક મળતાં આ રોલ થકી તેણે સૌના દિલ જીતી લીધા છે.

* વર્ષ 2020ના અંતમાં ફિલ્મ ‘જર્સી’ના ડાયરેક્ટર ગૌતમે પેપ્સીની એડમાં પ્રીત કામાણીનો અભિનય જોયો’ને તુરંત જ ફિલ્મ માટે કરી લીધો પસંદ ! કોઈ જ જાતના ઑડિશન વગર શૂટિંગ શેડ્યુલ જણાવી દેવાયું

શાહિદ કપૂર, પંકજ કપૂર, મૃણાલ ઠાકુર સહિતના કલાકારો સાથે સ્ક્રીન શેયર કરનારા રાજકોટીયન્સ પ્રીત કામાણીએ ફિલ્મ ‘જર્સી’ના પોતાના અનુભવો ‘સાંજ સમાચાર’ સમક્ષ વર્ણવતાં જણાવ્યું કે ફિલ્મ જર્સી પહેલાં 2019ના ફેબ્રુઆરીમાં રાજશ્રી પ્રોડક્શનના બેનર હેઠળ મારી ‘હમ ચાર’ નામની ફિલ્મ આવી હતી જેમાં મારી ભૂમિકા મુખ્ય મતલબ કે હું તેમાં લીડ હિરો હતો. આ ફિલ્મ ‘ગલીબોય’ ફિલ્મ સાથે જ રિલિઝ થઈ હતી. આ પછી 2020માં નેટફ્લિક્સ પર મારી ‘મસ્કા’ નામની ફિલ્મ આવી હતી જેમાં પણ મેં મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મ લોકડાઉન બાદ રિલિઝ થયેલી પ્રથમ ફિલ્મ હતી અને તેમાં મનિષા કોઈલારા, બોમન ઈરાની, જાવેદ જાફરી, શર્લી શેટીયા, નીકિતા દત્તા સહિતના કલાકારોએ કામ કર્યું હતું. આ બે ફિલ્મો થકી મને આગવી ઓળખ મળી જ ચૂકી હતી અને તેના લીધે મને એડ મળવામાં પણ વધારો થયો હતો.

પ્રીત કામાણીએ આગળ જણાવ્યું કે 2020માં પેપ્સી કંપનીની એડ જોરદાર વાયરલ થઈ હતી અને લોકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો હતો. બરાબર આ જ સમયે ફિલ્મ ‘જર્સી’ના ડાયરેક્ટર ગૌતમ ટીન્નાનૂરીનું ધ્યાન એડ પર પડ્યું હતું. તેઓ ‘જર્સી’ ફિલ્મમાં શાહિદ કપૂરના મોટા થઈ ગયેલા પુત્રના પાત્ર માટે છેલ્લા દોઢ વર્ષથી મહેનત કરી રહ્યા હતા પરંતુ હુબહુ શાહિદ કપૂર જેવો જ લાગે તેવો ચહેરો તેમને મળી રહ્યો નહોતો. એડ જોયા બાદ ડાયરેક્ટર ગૌતમે તાત્કાલિક ફિલ્મ માટે મને ફાઈનલ કરી લીધો હતો. આશ્ર્ચર્યજનક રીતે મારું કોઈ જ પ્રકારનું ઓડિશન પણ લેવામાં આવ્યું નહોતું અને મને એટલું જ કહેવાયું હતું કે ફિલ્મની આ સ્ક્રીપ્ટ છે અને ચાર દિવસમાં તેનું શૂટિંગ થવાનું છે !! આ સાંભળી મારી ખુશી સાથે અચરજનો પાર રહ્યો નહોતો.

* આખી ફિલ્મમાં શાહિદ કપૂરે સૌને બાંધી રાખ્યા, અંતમાં સૌને ભાવુક કરી દેનારો તેના પુત્ર કિટ્ટુ ઉર્ફે કેતન તલવારનો રોલ પ્રીતે ભજવી આખી ફિલ્મ પોતાના ખભે ઉપાડી લીધી

અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો પણ જરૂરી બની જાય છે કે આખી ફિલ્મમાં દર્શકોને શાહિદ કપૂરે બાંધી રાખ્યા હતા પરંતુ ફિલ્મનો અંત કે જે સૌને ભાવુક કરી દેનારો તેના પુત્ર કિટ્ટુ ઉર્ફે કેતન તલવારનો રોલ પ્રીત કામાણીએ ભજવી આખી ફિલ્મ પોતાના ખભે ઉપાડી લઈ ફિલ્મને સોલિડ ટચ આપ્યો હતો કેમ કે ફિલ્મનો અંત અત્યંત ઈમોશનલ હતો. કેતન ઉર્ફે કિટ્ટુ ફિલ્મના અંતમાં સૌને સંબોધન કરતાં કહે છે કે રણજી ટ્રોફીના ફાઈનલ મુકાબલામાં કર્ણાટક સામે જીત્યા બાદ પપ્પા હોસ્પિટલમાં દાખલ થયા હતા અને જ્યાં બે દિવસમાં જ તેમનું મૃત્યુ થયું હતું. આ મેચ બાદ તેમને ઈંગ્લેન્ડ સામેની ટુર માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું હતું પરંતુ તેઓ આ ખુશનુમા ક્ષણ માણી શક્યા નહોતા. આ જ વેળાએ કિટ્ટુ તલવાર (પ્રીત કમાણી) શાહિદ કપૂર (અર્જુન તલવાર)ની 36 નંબરની જર્સીનું અનાવરણ કરે છે જે ક્ષણે સૌને રડવા માટે પણ મજબૂર કર્યા હતા.

આ તો વાત થઈ પ્રીત કામાણીએ ફિલ્મ ‘જર્સી’માં કરેલા અભિનયની...તે અહીં સુધી કેવી રીતે પહોંચ્યો તે જાણી લેવું પણ એટલું જ જરૂરી બની જાય છે. આ વિશે પ્રીત કામાણીએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે 2000માં ગુજરાતમાં આવેલા ભૂકંપ બાદ 2001માં તે પિતા હરેનભાઈ કામાણી (દેવ મીડિયા ક્ધસલ્ટન્સી), માતા હીનાબેન કામાણી અને બહેન ક્યાની કામાણી સાથે મુંબઈ શિફ્ટ થઈ ગયા હતા. પ્રીત છ વર્ષનો હતો ત્યારથી જ તેને અભિનયમાં કરિયર બનાવવાનું સૂઝી આવ્યું હતું. ખાસ વાત એ છે કે તે કોઈ પણ ફિલ્મ જુએ એટલે પાંચ-છ દિવસ સુધી તે ફિલ્મના મુખ્ય પાત્રમાં જ રહેતો અને ઘરમાં પણ તેને કોઈ એ પાત્રના નામથી બોલાવે તો જ જવાબ આપતો ! તેણે અભ્યાસની સાથે સાથે અભિનયમાં પણ પ્રયત્નો શરૂ રાખ્યા હતા. પ્રીતે મુંબઈમાં માસ મીડિયાની ડિગ્રી પણ લીધેલી છે. આ ઉપરાંત મીઠીબાઈ કોલેજમાં ગ્રેજ્યુએશન પણ પૂર્ણ કરેલું છે.

* ભૂકંપ બાદ રાજકોટથી મુંબઈ સ્થાયી થયેલા પ્રીત કામાણીને 6 વર્ષની ઉંમરથી જ અભિનયમાં કરિયર બનાવવાનો લાગ્યો હતો ચસ્કો

પ્રીતે ધાર્યું હોત તો તે મેડિકલ ફિલ્ડમાં પણ પોતાનું કરિયર બનાવી શક્યો હોત પરંતુ તેના માનસમાં અભિનયની જ ધૂન સવાર હોવાથી તેણે આ ક્ષેત્રમાં જ આગળ વધીને અંતે સફળતા હાંસલ કરી છે. પ્રીતે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય એટલે તેની સફળતા માટે કોઈને કોઈ વ્યક્તિનો સિંહફાળો હોય છે ત્યારે મને આટલે સુધી પહોંચાડવામાં મારા માતા-પિતા-બહેનનું યોગદાન અકલ્પનીય રહ્યું છે. પિતા હરેનભાઈ કામાણી અને માતા હિનાબેન કામાણીએ મને સ્પષ્ટ કહ્યું હતું કે તું આર્થિક બાબતને લઈને બિલકુલ ચિંતા નહીં કરતો...ભલે તું 30 વર્ષનો થઈ જાય ત્યાં સુધી તને કોઈ જ આવક ન મળે, તેની ફિકર કરવાની જગ્યાએ તું અભિનય ઉપર જ ધ્યાન આપજે...આ જ વાત મહત્ત્વની છે કેમ કે નાનપણથી જ પ્રીતમાં રહેલા અભિનયના ગુણ માતા-પિતા ઓળખી ગયા હશે.

રાજકોટ મુંબઈમાં છેલ્લા ત્રણ દાયકાથી અગ્રગણ્ય એડ એજન્સી ‘દેવ મીડિયા’ ચલાવતા હરેનભાઈ

‘મોર ના ઇંડા ચીતરવા ન પડે’ તે કેહાવત અહી ઘણી સાર્થક થાય છે. છેલ્લા ત્રણ દાયકાથી એડ - માર્કેટિંગ દુનિયામાં અગ્રગણ્ય સ્થાન ધરાવતી એજન્સી દેવ મીડિયાના સ્થાપક હરેનભાઈ કામાણી હમેશા ક્રિએટિવ રહ્યા છે અને અનેક કલાઈન્ટ માટે તેઓ ક્રિએટિવ અને ઇનોવેટિવ કેમ્પેન ડિઝાઇન કર્યા છે. રાજકોટ થી મુંબઈ 2001 માં શિફ્ટ થયા છતાં રાજકોટ - સૌરાષ્ટ્ર સાથેનો અંગત અને પ્રોફેશનલ નાતો અતૂટ રહ્યો. આ સાથે તેમના પુત્ર પ્રીત માટે તેઓએ ખૂબ જ મહેનત કરી. પ્રીત નાનો હતો ત્યારથી અનેક ઓડિશનમાં લઈ જવું, અનેક લોકો સાથે મુલાકાત કરાવી, આ ઉપરાંત અભ્યાસનું પણ ધ્યાન રાખ્યું છે. પિતા હરેનભાઈની જેમ જ પુત્ર પ્રીતએ ક્રિએટિવ વર્લ્ડમાં અલગ ઓળખ ઊભી કરી છે. શાહિદ કપૂર સાથેની ફિલ્મ જર્સીમાં ખૂબ જ પ્રભાવિત અભિનય રહ્યો ત્યારબાદ તેઓને અનેક ફિલ્મો માટે ઓફર પણ થઈ છે.

....ને જ્યારે શાહિદ કપૂર પ્રીતને ગળે ભેટી ગયો
પ્રીત કામાણીએ ફિલ્મ ‘જર્સી’ બાદ શાહિદ કપૂર સાથેની મુલાકાતનો અનુભવ વર્ણવતાં કહ્યું કે મારો અભિનય જોઈને શાહિદ મને ભેટી પડ્યો હતો અને રીતસરનો ભાવુક થઈ ગયો હતો. ફિલ્મનો અંત અત્યંત મહત્ત્વનો હોવાને લીધે તેમાં મારું 100% આપવું જરૂરી હતી જે મેં આપ્યું જેથી મારી મહેનત અને અભિનયને જોઈ શાહિદે મારા ભરપૂર વખાણ કર્યા હતા. આ ઉપરાંત એક ગુજરાતી ફિલ્મના પ્રીમિયરમાં ફિલ્મ ‘જર્સી’ના લેજન્ડ કલાકાર પંકજ કપૂર ઉપરાંત સુપ્રીયા પાઠકને મળ્યો હતો જેમણે પણ મારા અભિનયને બિરદાવ્યો હતો.

પ્રીત કામાણી ઑગસ્ટમાં પ્રખ્યાત ડાયરેક્ટર અનુભવ સિંહાની ફિલ્મમાં મુખ્ય હિરોનું પાત્ર ભજવશે
પ્રીત કામાણીએ કહ્યું કે ફિલ્મ ‘જર્સી’માં કામ કર્યા બાદ આગામી ઑગસ્ટ મહિનામાં મારી વધુ એક ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મના ડાયરેક્ટર અનુભવ સિંહા છે જેમણે અનેક હિટ ફિલ્મો આપેલી છે. આ ફિલ્મમાં હું મુખ્ય હિરોનો રોલ ભજવી રહ્યો છું અને તેમાં ઈશા સિંઘ અને કાવ્યા થાપર હિરોઈનના રોલમાં છે. આ ફિલ્મ મુખ્યત્વે કોલેજબોયની છે જેમાં રોમાન્સ, કોલેજલાઈફ સહિતનું વણી લેવામાં આવ્યું છે. મધ્યમ વર્ગના એક પરિવાર પર ફિલ્માવાયેલી આ ફિલ્મનું નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ મસૂરી ઉપરાંત મુંબઈ સહિતના વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રીત કામાણીની અમેઝોન ઉપર એક વેબસિરીઝ પણ આવી રહી છે.

શાહરૂખ ખાન-આલિયા ભટ્ટ સાથે કામ કરવાની ઈચ્છા
પ્રીત કામાણીએ કહ્યું કે મારું સ્વપ્ન છે કે હું બોલિવૂડના કિંગખાન શાહરૂખ ખાન સાથે સ્ક્રીન શેયર કરું....આ ઉપરાંત ચુલબુલી અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે કામ કરવાની પણ મારી તીવ્ર ઈચ્છા છે. હું આ બન્ને કલાકારો સાથે કામ કરવા માટે ગમે તેટલી મહેનત કરવા માટે તૈયાર છું અને મને ભરોસો છો કે મારી મહેનત જરૂર રંગ લાવશે.

2001 સુધી કામાણી પરિવાર 150 ફૂટ રિંગરોડ ઉપર રહેતો હતો
પ્રીત કામાણીએ કહ્યું કે 2001 પહેલાં અમારો પરિવાર રાજકોટના 150 ફૂટ રિંગરોડ ઉપર આવેલા રવિ એપાર્ટમેન્ટમાં રહેતો હતો. જો કે 2000માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ અમે લોકો મુંબઈ સ્થાયી થયા હતા. અત્યારે પણ મારા મામા સહિતનો પરિવાર રાજકોટમાં જ રહે છે.


Related News

Loading...
Advertisement
Advertisement