નવીદિલ્હી, તા.25
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતાની પહેલી એશિયા યાત્રા સમાપ્ત કર્યાના એક દિવસ બાદ ઉત્તર કોરિયાએ જાપાનના સાગરમાં ત્રણ બેલેસ્ટિક મીસાઈલ ફેંકી હોવાનો દક્ષિણ કોરિયાની સેનાએ દાવો કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉત્તર કોરિયાએ આ પરિક્ષણ એવા સમયે કર્યું છે જ્યારે તે કોરોનાની કપરી સ્થિતિ સામે ઝઝૂમી રહ્યું છે.
જાપાનના ટોચના સરકારી પ્રવક્તાએ કહ્યું કે ઉત્તર કોરિયાએ પોતાના પૂર્વી તટ પરથી બેલેસ્ટિક મિસાઈલ ફેંક્યા બાદ પરમાણુ હથિયાર પરિક્ષણ સહિત વધુ ભડકાઉ કાર્યવાહી કરી શકે છે. મુખ્ય કેબિનેટ સચિવ હિરાકાજુ માત્સુનોએ કહ્યું કે જાપાન ઉત્તર કોરિયાની મિસાઈલો અંગે પહેલાંથી જ જાણકારી એકઠી કરીને સતર્ક રહેશે જે જાપાનના વિશેષ આર્થિક ક્ષેત્રની બહાર ફેંકાઈ હતી.
અમેરિકા અને દક્ષિણ કોરિયન અધિકારીઓએ હાલમાં જ ચેતવણી આપી હતી કે ઉત્તર કોરિયા પ્યોંગયાંગમાં હથિયારોનું પરિક્ષણ કરી શકે છે. બીજી બાજુ ઉત્તર કોરિયાનું સરકારી મીડિયા જે સામાન્ય રીતે સફળ પરિક્ષણના 24 કલાકની અંદર હથિયારોનો પરિક્ષણ રિપોર્ટ આપે છે તેમણે આ અંગે કોઈ જ પ્રકારની ટીપ્પણી કરી નથી. દક્ષિણ કોરિયાએ પાછલા સપ્તાહે જ કહ્યું હતું કે ઉત્તર કોરિયાની પરમાણુ પરિક્ષણની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને તે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યું છે. દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ યૂં સુક-યોલ આ મામલે આજે બેઠક કરશે.