* સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ અભિવાદન સમારોહ સમિતિમાં ડો. પુરુષોતમ પીપરીયા, શામજીભાઇ ખુંટ, સુરેશભાઈ વેકરીયા સહિતના મહાનુભાવો કાર્યરત : સન્માન કરવા ઇચ્છુકો આરસીસી-આરપીસી બેંકની કોઇપણ શાખામાં નામ નોંધણી કરાવી શકશે
રાજકોટ,તા.25
આધ્યાત્મિક સિધ્ધાંતોને અર્વાચીન યુગ સાથે રજૂ કરીને અંધશ્રધ્ધાને જાકારો આપવાનું વિરાટ કાર્ય કરી રહેલા દંતાલી આશ્રમના પદ્મભૂષણ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજનું આગામી તા. 30મીનાં સોમવારે સવારે 9 થી 12 દરમ્યાન હેમુ ગઢવી હોલ ખાતે સૌરાષ્ટ્રના ધર્માનુરાગીઓ તથા સંસ્થાઓ દ્વારા અભિવાદન કરવામાં આવનાર છે.
સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજના અભિવાદન સમારોહમાં આણદાબાવા સેવા સંસ્થા જામનગરના મહારાજ શ્રી દેવીપ્રસાદજી તથા જાણીતા તત્વચિંતક ડો. ભદ્રાયુ વચ્છરાજાની સ્વામી સચ્ચિદાનંદજીના ક્રાંતિકારી વિચારધારા વિષે પોતાની આગવી શૈલીમાં વક્તવ્ય રજૂ કરશે.
જ્યારે પૂ. સ્વામી સચ્ચિદાનંદજી મહારાજને સૌરાષ્ટ્રની જનતા અને સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવશે. એવી જાણકારી મળેલ ત્યારે તેમણે હૃદયપૂર્વક એક વિશેષ અપીલ કરેલ કે ‘ભલે બધાને સન્માનિત કરવાની સહમતિ આપજો પણ ભારત સરકારના ગો ગ્રીન અભિયાનને આગળ ધપાવવા માટે મોટા પુષ્પગુચ્છો, ફુલદાનીઓ, ફૂલહાર વગેરે ન લાવીને માત્ર એક ફૂલ દ્વારા કરેલ સન્માન અમૂલ્ય સોગાદ ગણાશે.’
દુનિયામાં અનેક પ્રતિભાઓ અને તજજ્ઞો એવા છે કે જેમના નામ કરતાં કાર્યો મોટા હોય છે. આધ્યાત્મિક તજજ્ઞ તથા મહારથી, જેમનામાં અર્વાચીન સુઝબુઝ, દીર્ઘદ્રષ્ટિ,લક્ષ્યસિધ્ધિ, સુચારુ વહીવટી જેવા ગુણો ઇશ્ર્વરે આપ્યા છે. તેવા પૂ. સ્વામીશ્રી સચ્ચિદાનંદજી મહારાજને તાજેતરમાં ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ હોય તેમનું કરવામાં આવેલ હોય તેમનું અભિવાદન કરવા માટેનો જાજરમાન અભિવાદન સમારોહ રાજકોટ પીપલ્સ કો.ઓ. બેંકનાં સૌજન્યથી અભિવાદન સમારોહ સમિતિ દ્વારા કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્રના ધર્માનુરાગીઓ તથા વિવિધ સંસ્થાઓ જોડાનાર છે.
અભિવાદન સમિતિ
સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ અભિવાદન સમારોહ સમિતિમાં ડો. પુરુષોત્તમ પીપરીયા, સુરેશભાઈ વેકરીયા, શામજીભાઈ ખુંટ, લાલજીભાઈ માકડિયા, મનોજભાઈ જોશી, પ્રફુલભાઈ પાંભર કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. અને તેઓએ અપીલ કરતાં જણાવેલ છે કે સન્માન કરનાર ઇચ્છુક ધર્માનુરાગી જનતા અને સંસ્થાઓએ પોતાના નામ તા. 26 સુધીમાં રાજકોટ પીપલ્સ કો-ઓપરેટીવ બેંક રાજકોટ, ધી રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક રાજકોટની કોઇપણ શાખા નોંધાવી શકશે. અને તા. 30ના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.