સોનાની જેમ ચાંદીમાં ‘હોલમાર્ક’ ફરજીયાત કરવા વિચારણા

26 May 2022 11:44 AM
Business India
  • સોનાની જેમ ચાંદીમાં ‘હોલમાર્ક’ ફરજીયાત કરવા વિચારણા

ચાંદીના દાગીના, વાસણ, મૂર્તિ અને સિક્કામાં મોટા પ્રમાણમાં મિલાવટ થતી હોવાથી સરકારે નિયમ ઘડવાની તૈયારી શરૂ કરી

મુંબઈ,તા. 26 : સોનાની જેમ ચાંદીમાં પણ શુધ્ધતાની ગેરંટી આપતો હોલમાર્ક કાયદો દાખલ કરવાની વિચારણા શરુ કરવામાં આવી છે. ટેકનીકલ પાસાઓની ચકાસણી કરવામાં આવ્યા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે. ચાંદીના દાગીના, વાસણ, મૂર્તિ અને સિક્કાની શુધ્ધતા લાંબા વખતથી પડકારજનક બની રહી છે. એવા સંખ્યાબંધ કિસ્સા સામે આવતા હોય છે કે મહિલાઓ પોતાના જૂના ઝાંઝરા, સિક્કા કે અન્ય દાગીના વેચવા જાય

ત્યારે તેમાં મોટી ભેળસેળ હોવાનો ખુલાસો થતો હોય છે. ચાંદીના નવા દાગીના ખરીદતી વખતે પણ મિલાવટનો અંદાજ હોતો નથી. સ્થાનિક જ્વેલર્સો 90 થી 92 ટચ ચાંદીના ભાવ વસૂલતા હોય છે પરંતુ ઘણા કિસ્સામાં માંડ 30 થી 60 ટચ જ હોય છે. ગ્રાહકોની આ છેતરપીંડી રોકવા માટે સોનાની જેમ ચાંદીમાં પણ શુધ્ધતાની ગેરંટી આપતી હોલમાર્ક પ્રક્રિયા શરુ કરવાની વિચારણા છે. જો કે સોનાની સરખામણીએ ચાંદીનો ભાવ ઘણો સસ્તો હોવાને કારણે હોલમાર્કનો ખર્ચ વગેરે પાસાઓની ચકાસણી કરાયા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે. છતાં સરકારનો મૂડ એવો છે કે ગમે તે ભોગે ગ્રાહકો છેતરાય નહીં તેવી સિસ્ટમ દાખલ કરવી.

ઉદ્યોગ સુત્રોના કહેવા પ્રમાણે ગત 16મી જૂનથી સોનાના દાગીનામાં હોલમાર્ક ફરજીયાત બનાવવામાં આવ્યું હતું. હવે 90 ટકા ગ્રાહકો પણ હોલમાર્ક ચકાસીને જ દાગીના ખરીદવા લાગ્યા છે. ચાંદીમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવે તો તેમાં પણ ખરીદીની પેટર્ન બદલાઈ શકે છે.

એમ કહેવાય છે કે ચાંદીના દાગીના, વાસણ અને મૂર્તિમાં 20 થી 40 ટકા તથા ચાંદીના સિક્કામાં 60 ટકાની મિલાવટ થતી હોય છે. સુત્રોએ કહ્યું કે સરકારે ચાંદીમાં પણ હોલમાર્કિંગ નિયમ માટે અગાઉ સૂચનો મેળવ્યા હતા. જો કે હજુ સોનામાં હોલમાર્કનો નિયમ પણ આખા દેશમાં લાગુ થયો નથી એટલે તેનો સંપૂર્ણ અમલ થયા પછી જ સરકાર ચાંદીમાં તે દાખલ કરવાની દિશામાં આગળ વધી શકી છે.


Related News

Loading...
Advertisement
Advertisement