8 વર્ષમાં ભાજપે બદલાવ્યો દેશનો રાજકીય નકશો

26 May 2022 12:09 PM
India Politics
  • 8 વર્ષમાં ભાજપે બદલાવ્યો દેશનો રાજકીય નકશો

* દેશની 50% વસતી ધરાવતાં 21 રાજ્યો ઉપર ‘શાનદાર’ કબજો

* 2014 પહેલાં સાત રાજ્યોમાં ભાજપ અને તેના સહયોગીઓની સરકાર હતી જે 2018 સુધીમાં 21 રાજ્યોએ પહોંચી ગઈ: આ વર્ષે ગુજરાત-હિમાચલ વિધાનસભા ચૂંટણી તો આવતાં વર્ષે નવ રાજ્યો, તેના પછીના વર્ષે લોકસભા અને સાત રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવાનો રહેશે પડકાર

નવીદિલ્હી, તા.26
મોદી સરકારના આઠ વર્ષ પૂરા થયા છે. પાછલા આઠ વર્ષમાં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ છે. 2019માં લોકસભા ચૂંટણી પણ થઈ હતી. આ આઠ વર્ષમાં દેશનો રાજકીય નકશો કેટલો બદલાયો ? આગલા બે વર્ષમાં ક્યાં ક્યાં ચૂંટણી થવાની છે તે સહિતની વિગતો આંકડા પરથી જાણવી જરૂરી બની જાય છે...

દેશની 50% વસતી ઉપર ભાજપનું રાજ
10 માર્ચે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો આવ્યા હતા. આ પાંચ રાજ્યોમાંથી ચાર ઉપર ભાજપે ફરીથી જીત હાંસલ કરી હતી. જ્યારે પંજાબની સત્તા કોંગ્રેસના હાથમાંથી જતી રહી હતી. આ જીત સાથે દેશના 18 રાજ્યોમાં ભાજપે પોતાની સરકાર જાળવી રાખવામાં સફળતા હાંસલ કરી છે. આ રાજ્યોમાં દેશની અંદાજે 50% વસતી વસવાટ કરે છે. મતલબ દેશની અડધોઅડધ વસતીવાળા રાજ્યોમાં ભાજપની જ સરકારો છે. જ્યારે કોંગ્રેસની સરકાર હવે પાંચ રાજ્યો પૂરતી જ રહી છે. બે રાજ્યોમાં તેના મુખ્યમંત્રી છે તો ત્રણ રાજ્યોમાં તે સરકારમાં ભાગીદાર છે. આ પાંચ રાજ્યોમાં દેશની અંદાજે 22% વસતી રહે છે.

2014માં સાત રાજ્યોમાં હતી ભાજપ સરકાર
26 મે-2014ના જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે એ સમયે સાત રાજ્યોમાં ભાજપ અને તેના સહયોગીઓની સરકાર હતી. બિહાર અને પંજાબમાં તેની સહયોગી પાર્ટી સરકાર ચલાવી રહી હતી. આ બન્ને રાજ્યોમાં દેશની 11%થી વધુ વસતી રહે છે. બાકી પાંચ રાજ્યો છત્તીસગઢ, ગોવા, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપના મુખ્યમંત્રી હતા. આ રાજ્યોમાં દેશની 19% વસતી રહે છે મતલબ કે જ્યારે મોદી સત્તા પર આવ્યા એ સમયે અંદાજે 30% વસતી પર ભાજપ અને તેના સહયોગી પક્ષોની સરકારો ચાલી રહી હતી. એ સમયે 14 રાજ્યોમાં કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોની સરકાર હતી. આ રાજ્યોમાં દેશની 27%થી વધુ વસતી રહે છે.

2018માં ભાજપનો દબદબો સાતમા આસમાને
2014માં સાત રાજ્યોમાં ભાજપ અને તેના સહયોગી પક્ષોની સરકાર હતી. ચાર વર્ષ બાદ માર્ચ 2018માં 21 રાજ્યોમાં ભાજપ અને તેના સાથી પક્ષોની સરકારો બની છે. રાજ્યોમાં દેશશ્રી અંદાજે 71% વસતી વસવાટ કરે છે. આ એ તબક્કો હતો જ્યારે ભાજપનો દબદબો સાતમા આસમાને હતો. બીજી બાજુ ચાર રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. આ રાજ્યોમાં 7% વસતી રહે છે.

હવે આગળ શું ?
અત્યારે 18 રાજ્યોમાં ભાજપ સત્તા પર છે. આ વર્ષના અંત સુધીમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી છે. અત્યારે બન્ને રાજ્યોમાં ભાજપની સરકાર છે. રાજકીય નિષ્ણાત પ્રમોદ સિંહ કહે છે કે ગુજરાતમાં ભાજપ અત્યંત મજબૂત છે આવામાં અહીં સત્તા પરિવર્તન થવાની સંભાવના બહુ જ ઓછી છે. જ્યારે હિમાચલમાં મુકાબલો આકરો બની રહેવાનો છે જેનો અંદાજ 2020માં યોજાયેલી પેટાચૂંટણી પરથી લગાવી શકાય છે જ્યારે હિમાચલની એક લોકસભા અને બે વિધાનસભા બેઠક પર કોંગ્રેસે જીત હાંસલ કરી હતી. જો કે આ પછી ભાજપે અહીં મોટાપાયે જોર લગાવવાનું શરૂ કરી દીધું છે.

2023માં યોજાશે 9 રાજ્યોની ચૂંટણી
આગલા વર્ષે મતલબ કે 2023માં નવ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે જેમાં મેઘાલય, નગાલેન્ડ, ત્રિપુરા, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગણ સામેલ છે. અત્યારે કર્ણાટક, ત્રિપુરા, મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. આ ઉપરાંત મેઘાલય, નગાલેન્ડમાં ભાજપ ગઠબંધન સાથે સરકારમાં છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ તો તેલંગણામાં ટીઆરએસની સરકાર છે.

2024માં લોકસભાની સાથે સાત રાજ્યોમાં થશે ચૂંટણી
2024માં લોકસભા અને સાત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થશે. આ રાજ્યોમાં સિક્કિમ, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓરિસ્સા, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ સામેલ છે. અત્યારે હરિયાણા, અરુણાચલ પ્રદેશ, સિક્કિમમાં ભાજપની સરકાર છે. ઓરિસ્સામાં બીજેડી, આંધ્રપ્રદેશમાં વાઈએસઆરસીપી, મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીની સરકાર છે. આ રાજ્યોમાં ભાજપ સામે મોટો પડકાર એ છે કે જ્યાં તે સરકારમાં છે ત્યાં સત્તા જાળવી રાખવી અને જ્યાં વિપક્ષમાં છે ત્યાં જીત હાંસલ કરવી...

સિંધિયા-જીતીન પ્રસાદ-જાખડ-બહુગુણા-બીરેન્દ્રસિંહ સહિતના અનેક દિગ્ગજોએ કર્યા કેસરિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને આજે આઠ વર્ષ પૂરા થઈ ગયા છે. આઠ વર્ષ દરમિયાન દેશનો રાજકીય નકશો ઘણો બદલાઈ ગયો છે. ખાસ કરીને 2014 અને 2022 વચ્ચે પક્ષોની સંરચના પર એક નજર કરીએ તો દેશની બે મુખ્યધારાના પક્ષ ભાજપ અને કોંગ્રેસ ઘણા બદલાઈ ગયા છે. આ દરમિયાન ભાજપ મજબૂત બની છે તો કોંગ્રેસ તૂટતી જ ગઈ છે પછી વાત અલગ-અલગ રાજ્યોમાં સત્તા હાંસલ કરવાની હોય કે વંશવાદ સાથે જોડાયેલા લોકોને પક્ષમાં રાખવાની હોય. આ આઠ વર્ષમાં ભાજપે માત્ર મતની જમીન જ હાંસલ કરી છે એટલું નહીં બલ્કે અલગ-અલગ પક્ષોના નેતાઓને પણ પોતાનામાં સામેલ કરી રહ્યા છે. ભાજપે કોંગ્રેસ સહિતના પક્ષોના દિગ્ગજ નેતાઓ સુનિલ જાખડ (પંજાબ), જ્યોતિરાદિત્ય સિંધિયા (મધ્યપ્રદેશ), આરપીએન સિંહ (ઉત્તરપ્રદેશ), જીતિનપ્રસાદ (ઉત્તરપ્રદેશ), બીરેન્દ્રસિંહ (હરિયાણા), સુવેન્દુ અધિકારી (પશ્ર્ચિમ બંગાળ), વિજય બહુગુણા-રીતા બહુગુણા (ઉત્તરપ્રદેશ) અને અર્પણા યાદવ (ઉત્તરપ્રદેશ)ને પોતાનામાં સામેલ કરી લીધા છે.

મોદીરાજમાં કેવી છે અર્થવ્યવસ્થાની હાલત ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને આઠ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. આ ગાળામાં દેશની અર્થવ્યવસ્થામાં મોટાપાયે ફેરફાર જોવા મળ્યા છે. એક બાજુ ભારત દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધનારી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે તો દેશની આર્થિક સ્થિતિ પર કોરોનાનો કાળો પડછાયો પણ પડ્યો છે. આર્થિક સ્તરે જોવા જઈએ તો જ્યાં મોદી શાસનમાં દેશે નવા મુકામ હાંસલ કર્યા છે તો અનેક મોરચે નિરાશા પણ સાંપડી છે. 2014માં દેશની જીડીપી 7.4% હતી જે 2020 સુધીમાં કોરોનાને કારણે અત્યંત ઘટી ગઈ છે જે હજુ વધવાનું નામ લઈ રહી નથી. 2014માં મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે મોંઘવારી દર 8.33% હતો જે અત્યારે 7.79% છે. જો કે રોજગાર આપવામાં મોદી સરકારે પછડાટ ખાધી હોય તેમ 2014માં બેરોજગારી દર 5.60% હતો જે 202માં વધીને 7.83%એ પહોંચી ગયો છે. મે-2014માં દેશનો વિદેશી મુદ્રા ભંડાર લગભગ 312 અબજ ડોલરની નજીક હતી જેમાં વધારો થતાં 600 અબજ ડોલરને પાર થઈ ગયો હતો. જો કે પાછલા થોડા સપ્તયમાં તેમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને 13 મેએ સમાપ્ત થયેલા સપ્તાહમાં લગભગ 593 અબજ ડોલરના સ્તરે પહોંચી ગયો છે. પાછલા આઠ વર્ષમાં ભારતીય શેરબજારે પણ નવા કીર્તિમાન હાંસલ કર્યા છે. મોદીના સત્તા સંભાળ્યા બાદ બીએસઈનો સેન્સેક્સ 24-25 હજારના દાયરામાં જોવા મળતો હતો જે મોદી રાજમાં 60 હજારનો આંકડો પાર કરવામાં સફળ થયો છે.

 


Related News

Loading...
Advertisement
Advertisement