અમદાવાદ તા.26
ધરતીનું સ્વર્ગ કહેવાતા કાશ્મીરની સંસ્કૃતિનો અભ્યાસ કરવા ગુજરાતના વિદ્યાર્થીઓ કાશ્મીર યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જશે. જેને લઈને બન્ને યુનિવર્સિટીઓ વચ્ચે એમઓયુ થયા છે. સ્ટુડન્ટસ એકસચેન્જ પ્રોગ્રામ અંતર્ગત બંને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શિક્ષણ, કલ્ચરલ, વ્યાપાર, રીસર્ચ સહિતના સબ્જેકટ પર અભ્યાસ કરશે.
આ ઐતિહાસિક ક્ષણો છે. કારણ કે પ્રથમવાર ગુજરાત યુનિવર્સિટી અને કાશ્મીર યુનિવર્સિટી વચ્ચે એમઓયુ થયા છે. ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ સસ્ટેનીબલિટી- ગુજરાત યુનિવર્સિટી અને કાશ્મીર યુનિવર્સિટીની વચ્ચે એમઓયુ કરાયા છે. કાશ્મીર યુનિ.ના ગાંધી ભવનના વી.સી. નીલોફરખાન એ ગુજ. યુનિ.ના વી.સી. ડો. હિમાંશુ પડીયા સાથે વર્ચ્યુઅલી જોડાઈને એમઓયુ સાઈન કર્યા હતા.
વિદ્યાર્થીઓને લોજીંગ, બોડીંગ અને ફુડ સહિતની તમામ વ્યવસ્થા યુનિવર્સિટી કરશે. કાશ્મીર યુનિ. ટોચની 50 યુનિ.માં સ્થાન મેળવેલ છે. જયાં 7000 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 390 ફેકલ્ટી કાર્યરત છે. 50 કરતા વધુ ડિપાર્ટમેન્ટ કાર્યરત છે. કાશ્મીર યુનિ. વાઈસ ચાન્સેલર પ્રો. નીલોફરખાને જણાવ્યું કે આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને નવુ શીખવાનો છે. કાશ્મીરના વિદ્યાર્થીઓ પણ ગુજ. યુનિ.ના અલગ અલગ ખાસ કોર્સ કરી શકશે.