ભેળસેળ સિવાય વાત નહીં! પાંચ ડેરીના દૂધના નમુના ફેઇલ

26 May 2022 03:54 PM
Rajkot
  • ભેળસેળ સિવાય વાત નહીં! પાંચ ડેરીના દૂધના નમુના ફેઇલ

કેશર વિજય, સ્વામિનારાયણ, વૃંદાવન, બારસાના ડેરીના દૂધમાં પાણીની મિલાવટ ખુલી : આજે વધુ 21 ધંધાર્થીને નોટીસ

આજે પણ માવા કેન્ડી, કેરીનો રસ, દૂધના ચાર સેમ્પલ લેવાયા : કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ રોડ, લાખના બંગલા વિસ્તારના ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગનું ચેકીંગ

રાજકોટ, તા.26
રાજકોટ મહાનગરમાં ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ ન પકડાય તો જ નવાઇ એવી હાલત થતી જાય છે. ફાસ્ટ ફૂડથી માંડી ફરસાણ, આઇસ્ક્રીમ, ગોલા, મસાલા, શીખંડ, મીઠાઇ, કેરીના રસ, દૂધ જેવી વસ્તુઓમાં અવારનવાર મિલાવટ પકડાતી રહે છે ત્યારે થોડા દિવસો પહેલા જુદા જુદા વિસ્તારની પાંચ ડેરીમાંથી લેવાયેલા મિકસ દૂધના નમુના નાપાસ જાહેર થયા છે. આ લુઝ દૂધમાં નિયત ફેટ ઓછા હોવા ઉપરાંત પાણીની મિલાવટ હોવાનું બહાર આવતા કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મનપાની આરોગ્ય અને ફૂડ શાખાએ થોડા સમય પહેલા હસનવાડી મેઇન રોડ પર આવેલ નાગજીભાઇ ખોડાભાઇ સિંધવની શ્રી કેશર વિજય ડેરી ફાર્મ, સહકાર સોસાયટી મેઇન રોડ પર આવેલ રિતેશભાઇ જયંતભાઇ વોરાની શ્રી સ્વામિનારાયણ ડેરી ફાર્મ, ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલ રાજેન્દ્ર કિરીટભાઇ સિંધવની નિલકંઠ ડેરી, કોઠારીયા રોડના હરી ઘવા રોડ પર પટેલ ચોકમાં આવેલ નીતેશ કુરજીભાઇ રાણપરીયાની બારસાના ડેરી અને ઉમેશ લાલજીભાઇ ભુવાની વૃંદાવન ડેરી ફાર્મમાંથી મિકસ લુઝના નમુના લેવાયા હતા. આ તમામ નમુનાનું પહેલા સેફટી વ્હીકલમાં પરીક્ષણ કરાયું હતું. જેમાં શંકા જતા લેબોરેટરીમાં મોકલાયા હતા. જે તમામના રીપોર્ટ આવતા દુધમાં ખનીજ તત્વો ઓછા કરી નાખતી પાણીની ભેળસેળ સાબિત થઇ છે. આ તમામ સેમ્પલમાં કુદરતી ફેટનું પ્રમાણ ઓછું દેખાયું હતું. એસએનએફ એટલે કે મીનરલ્સ પણ ઓછા હતા. આવું મિલાવટવાળુ દૂધ વેચાતુ હોય, હવે કાયદેસર કાર્યવાહી કરાશે તેમ ડેઝી. ઓફિસર અમિત પંચાલે જણાવ્યું હતું.

વન વીક વન રોડ અંતર્ગત ફૂડ શાખા દ્વારા આજે શહેરના પુજારા પ્લોટ મેઈન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના 14 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરીને પાંચ વેપારીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી છે. જેમાં (1)ચામુંડા પાન (2)ડીલક્સ પાન (3) સંસ્કૃતિ સ્પે. કુલડ ચા (4)જનતા પાન કોલ્ડ્રિંક્સ (5)પ્રતિક્ષા આયુર્વેદિકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત (6)જલારામ બ્રેકર્સ (7)ચીરાગ મેડિકલ સ્ટોર (8)જય માતાજી (9)સહજાનંદ મેડિકલ સ્ટોર (10)પ્રણાલી મેડિસિન (11)ઓમ પાન કોલ્ડ્રિંક્સ (12) વ્રુંદાવન ડેરી ફાર્મ (13) બાલાજી કોલ્ડ્રિંક્સ સેંડવિચ (14) લક્કિ ગોલામાં પણ તપાસ કરાઇ હતી. વિભાગ દ્વારા પુજારા પ્લોટ મેઇન રોડ પર લક્ષ્મીવાડીના ખુણે રાજસ્થાન માટલા ગુલ્ફીમાંથી માલા-મલાઇ કેન્ડી, 1પ0 ફુટ રોડ પર ઓમનગર સર્કલ પાસેના ભગવતી રસમાંથી કેરીનો રસ, આરટીઓ પાસેની શિવમ સોસાયટીની જય બાલાજી ડેરીમાંથી ભેંસનું દૂધ, રામ સોસાયટીના શિવ શકિત દુગ્ધાલયમાંથી મિકસ દૂધનો નમુનો લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.

ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે લાખનો બંગલોવાળો રોડ વિસ્તારમાં આઇસક્રિમ, ઠંડાપીણાં, દૂધ, મીઠાઇના 19 વેપારીને ત્યાં તપાસ કરી ખાદ્ય તેલ સહિતના 16 નમૂનાની સ્થળ પર ચકાસણી કરી 16 પેઢીને નોટીસ આપવામાં આવી છે. તેમાં (1) શ્રી રામ ચાઇનીઝ પંજાબી (2) શ્રી રામ પાઉંભાજી (3) મસ્ત ભૂંગળા બટેટા (4) ડિલક્સ પાન કોલ્ડ્રિંક્સ (5)સીતારામ ગોલા (6)દ્વારકેશ શેરડીનો રસ (7) પંચનાથ નમકીન (8)મહાદેવ અમુલ પાર્લર (9)મોગલ પાન કોલ્ડ્રિંક્સ (10)આશીર્વાદ પ્રોવિઝન સ્ટોર (11) જલારામ જનરલ સ્ટોર (12) એક વેપારી પેઢી (13) જય સિયારામ વડાપાઉ (14) શ્રી સાઈ ફાસ્ટ ફૂડ (15) જય ખોડિયાર ચાઇનીઝ પંજાબી (16) સિદ્ધિ વિનાયક વડાપાઉનો સમાવેશ થાય છે. આ ઉપરાંત (17) એમજીએમ પંજાબી ચાઇનીઝ (18) ગોકુલ પાન કોલ્ડ્રિંક્સ (19) ગાયત્રી ડેરી ફાર્મમાં પણ તપાસ કરવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement