ક્રિકેટપ્રેમીઓને જલ્સો; રવિવારે કિસાનપરા ચોકમાં IPL ફાઇનલનો મુકાબલો LED પર

26 May 2022 03:56 PM
Rajkot
  • ક્રિકેટપ્રેમીઓને જલ્સો; રવિવારે કિસાનપરા ચોકમાં IPL ફાઇનલનો મુકાબલો LED પર

ડી.જે. મોજ વધારશે : ટ્રાફિક વ્યવસ્થા પણ ગોઠવાશે : પ્લોટમાં ખુરશીની વ્યવસ્થા : ટ્રાફિક જાળવવા સહિતનું આયોજન કરતી મહાપાલિકા

રાજકોટ, તા.26
આઇપીએલમાં પ્રથમ વખત ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમ ફાઇનલમાં પહોંચતા રવિવારે આ મુકાબલો અમદાવાદમાં યોજાવાનો છે. જે ફાઇનલ મેચનું એલઇડી સ્ક્રીન પર જીવંત પ્રસારણ ગોઠવવાની જાહેરાત આજે મેયર ડો. પ્રદીપ ડવ અને સ્ટે.ચેરમેન પુષ્કર પટેલે કરી છે. કિસાનપરા ચોકના પ્લોટમાં ક્રિકેટપ્રેમીઓ માટે ખુરશી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

રવિવારે ચાલુ વર્ષની આઇપીએલ સિઝનનો ફાઇનલ મુકાબલો છે. પૂરી ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમે રંગ રાખ્યો છે. પહેલી વખત જ લીગમાં ઉતરેલી ટાઇટન્સ ટીમ જોરદાર પરફોર્મન્સ સાથે ફાઇનલમાં પહોંચી ગઇ છે. રવિવારે અમદાવાદ ખાતે અંતિમ મેચ છે જે માટે ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ છે. આ મેચનો રોમાંચ શહેરના લોકો વિશાળ સ્ક્રીન પર જાહેરમાં અને સમુહમાં માણી શકે તે માટે પ્રથમ વખત એલઇડી સ્ક્રીન પર જીવંત પ્રસારણ રાખવા મનપાએ આયોજન કર્યું છે.

મેયર અને ચેરમેને કહ્યું હતું કે કિસાનપરા ચોકમાં આવેલ સાયકલ પાર્કિંગવાળા પ્લોટમાં વિશાળ સ્ક્રીન અને ડી.જે. સાથે ફાઇનલનો જલ્સો વધુ જીવંત કરવામાં આવશે. શહેરીજનો માટે પાણી અને ખુરશીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ અને મનપા વિજીલન્સ ટીમો વ્યવસ્થામાં રહેશે. અગાઉ આ જગ્યામાં શહેર ભાજપ દ્વારા ગણપતિ મહોત્સવ અને કાર્યક્રમોનું આયોજન થતું હતું. આ જ પ્લોટમાં રવિવારે આઇપીએલનો મુકાબલો માણી શકાશે. ક્રિકેટ પ્રેમીઓને આ ફાઇનલની મજા લેવા મનપાએ નિમંત્રણ આપ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement