પ્રદુષણ બોર્ડમાં વિવાદિત સભ્ય એ.વી.શાહની આખરે હકાલપટ્ટી: તત્કાલ પોરબંદર બદલી

26 May 2022 03:57 PM
Gujarat
  • પ્રદુષણ બોર્ડમાં વિવાદિત સભ્ય એ.વી.શાહની આખરે હકાલપટ્ટી: તત્કાલ પોરબંદર બદલી

રાજયના વધુ એક અધિકારી પર તવાઈ ઉતરી : વડાપ્રધાન કાર્યાલયને રીપોર્ટ બાદ રાજય સરકારની કાર્યવાહી

ગાંધીનગર,તા.26
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના વિવાદિત સભ્ય સચિવ એ.વી.શાહની ફરિયાદ દિલ્હી વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચતા આખરે ગુજરાત સરકાર દ્વારા છ મહિના પછી તેમની સામે પગલાં લીધા છે અને એ.વી.શાહ ની બોર્ડના સભ્ય સચિવ પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે. જ્યારે તેમની ખાલી પડેલી જગ્યા નો વધારાનો હવાલો પર્યાવરણ ઇજનેર દેવાંગ ઠાકરને સોંપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ માં સભ્ય સચિવ તરીકે એવી શાહ નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ તેમની સામે ગેરરિતી તેમજ કોર્ટ-કચેરીના કેસમાં બેદરકારી દાખવતા આખરે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તેમની હકાલપટ્ટી કરીને પોરબંદર સિનિયર પર્યાવરણ ઇજનેર તરીકે નિમણૂક આપવામાં આવી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સભ્ય સચિવ એ.વી.શાહ ઘણા લાંબા સમયથી ચર્ચામાં હતા તેમની સામે અનેક ગેરરીતિ અને બેદરકારી દાખવવાના આક્ષેપો થયા હતા . સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ જીપીસીબીના ચેરમેન તરીકે જયારે આઈએએસ અધિકારી સંજીવ કુમાર હતા

ત્યારે સભ્ય સચિવ એ.વી.શાહ ના કરતૂતો અંગેનો ખાસ રિપોર્ટ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સુપરત કર્યો હતો. જેમાં તેમની સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો ઉપરાંત કોર્ટકેસમાં વ્યાપક બેદરકારી દાખવવાના કિસ્સા સાથે રિપોર્ટ આપ્યો હતો. ત્યારબાદ વહીવટીય અન્ય નિમણૂકો અને અન્ય કારણોસર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન ના પદ ઉપરથી સંજીવકુમાર હટી ગયા હતાં. પરંતુ તેમણે સુપરત કરેલો રિપોર્ટ મુખ્યમંત્રી કાર્યાલયમાં જ હતો એટલું જ નહીં સૂત્રો દ્વારા એવી હકીકતો પણ જાણવા મળી છે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સભ્ય સચિવ એવી શાહ ની ફરિયાદ છેક વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચી હોવાનું મનાઈ રહ્યું છે.

ત્યારે આજે સંજીવ કુમાર ના સુપરત કરેલા રિપોર્ટના છ મહિના પછી એવી શાહ સામે સરકારે પગલા લીધા છે.અને તેમની બદલી પોરબંદર સિનિયર પર્યાવરણ ઇજનેર તરીકે કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના અધિક સચિવ એસ જે પંડિતે આ આદેશ કર્યો છે જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સભ્ય સચિવ એ.વી.શાહ ને તાત્કાલિક અસરથી સભ્ય સચિવ ના હોદ્દા ઉપરથી દૂર કરીને તેમને સિનિયર પર્યાવરણ ઇજનેર પોરબંદર તરીકે નિમણૂક આપી છે. તો બીજી તરફ તેમની ખાલી જગ્યા નો વધારાનો હવાલો પર્યાવરણ ઇજનેર દેવાંગ ઠાકોરને સોંપવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement