સહમતિથી સેક્સ વર્કર બનેલી મહિલાઓ સામે પોલીસ કાર્યવાહી વ્યાજબી નથી: સુપ્રીમ કોર્ટ

26 May 2022 04:08 PM
India
  • સહમતિથી સેક્સ વર્કર બનેલી મહિલાઓ સામે પોલીસ કાર્યવાહી વ્યાજબી નથી: સુપ્રીમ કોર્ટ

કોર્ટે સેક્સ વર્કને પ્રોફેશન માનતાં કહ્યું, આ પ્રકારની મહિલાઓ સામે અપરાધીક કાર્યવાહીથી પોલીસ બચે તે જરૂરી: સેક્સ વર્કર પ્રત્યે સંવેદના અત્યંત જરૂરી: ખોટી રીતે પજવણી ન કરવી જોઈએ

નવીદિલ્હી, તા.26
સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસને આદેશ આપ્યો છે કે તેે સેક્સ વર્કસ (વેશ્યાવૃત્તિ) તરીકે કામ કરનારી યુવતીઓના કામમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. કોર્ટે સેક્સ વર્કને ‘પ્રોફેશન’ (ધંધો) માનતાં કહ્યું કે પોલીસે વયસ્ક અને સહમતિથી સેક્સ વર્ક કરનારી મહિલાઓ સામે અપરાધીક કાર્યવાહી કરવી જોઈએ નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સેક્સ વર્કર્સ પણ કાયદા હેઠળ ગરિમા અને સમાન સુરક્ષાની હક્કદાર છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલ.નાગેશ્વર રાવ, બી.આર.ગવઈ અને એ.એસ.બોપન્નાની બેન્ચે સેક્સ વર્કર્સના અધિકારોને સુરક્ષિત કરવાની દિશામાં છ નિર્દેશ જારી કરતાં કહ્યું કે સેક્સ વર્કર્સ પણ કાયદાની સમાન સંરક્ષણની હક્કદાર છે. બેન્ચે કહ્યું કે જ્યારે એ સ્પષ્ટ થઈ જાય કે સેક્સ વર્કર વયસ્ક છે અને પોતાની મરજીથી આ કામ કરી રહી છે તો પોલીસે તેમાં હસ્તક્ષેપ કરીને અપરાધીક કાર્યવાહી કરવી જોઈએ નહીં. કોર્ટે કહ્યું કે આ દેશના પ્રત્યેક વ્યક્તિને બંધારણીય કલમ-21 હેઠળ સન્માનજનક જીવન જીવવાનો અધિકાર છે.

કોર્ટે એવો પણ આદેશ આપ્યો કે જ્યારે પણ પોલીસ દરોડો પાડે ત્યારે સેક્સ વર્કરની ધરપકડ કરીને તેને પરેશાન ન કરે કેમ કે ઈચ્છાથી સેક્સ વર્કમાં સામેલ થવું ગેરકાયદેસર નથી, માત્ર વેશ્યાલય ચલાવવું જ ગેરકાનૂની છે. કોર્ટે એમ પણ કહ્યું કે એક મહિલા સેક્સ વર્કર છે માત્ર એટલા માટે તેના બાળકને તેની માતાથી અલગ કરવું જોઈએ નહીં. મૌલિક સુરક્ષા અને સન્માનપૂર્ણ જીવનનો અધિકાર સેક્સ વર્કર અને તેના બાળકોને પણ છે. જો સગીરને વેશ્યાલયમાં ધકેલવામાં આવે છે અથવા તો સેક્સ વર્કર તરીકે કામ કરાવવામાં આવે છે તો તેની સામે કડક કાર્યવાહી જરૂરી છે.

જો કોઈ સેક્સ વર્કર સાથે યૌન ઉત્પીડન થાય છે તો તેને કાયદા હેઠળ તુરંત મેડિકલ સહાયતા સહિત યૌન હુમલાની પીડિતાને ઉપલબ્ધ થનારી તમામ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. પોલીસ સેક્સ વર્કર સાથે ક્રુર અને હિંસક વલણ દાખવે તે બિલકુલ વ્યાજબી નથી. આ એક એવો વર્ગ પણ છે જેના અધિકારોને માન્યતા મળી નથી પરંતુ પોલીસે સેક્સ વર્કર પ્રત્યે સંવેદના દાખવવી જરૂરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement