યુપી-પંજાબ લોકસભા પેટાચૂંટણીમાં ફરી પ્રતિષ્ઠાનો જંગ: દિલ્હીમાં ‘આપ’ની કસોટી

26 May 2022 04:21 PM
India
  • યુપી-પંજાબ લોકસભા પેટાચૂંટણીમાં ફરી પ્રતિષ્ઠાનો જંગ: દિલ્હીમાં ‘આપ’ની કસોટી

* દેશના છ રાજયોમાં ત્રણ લોકસભા-સાત ધારાસભા બેઠકોની પેટાચૂંટણી જાહેર: તા.23 જૂનના મતદાન

નવી દિલ્હી: દેશના છ રાજયોની ત્રણ લોકસભા બેઠકો તથા સાત વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે ગઈકાલે એક જાહેરનામામાં દિલ્હી, ઉતરપ્રદેશ, પંજાબ સહિત છ રાજયોમાં યોજાનારી પેટા ચૂંટણી માટે તા.23 જૂનના રોજ મતદાન યોજાશે અને તા.26 જૂનના પરિણામ જાહેર થશે. લોકસભાની ત્રણ બેઠકોમાં ઉતરપ્રદેશની બે, આઝમગઢ અને રામપુરનો સમાવેશ થાય છે. જે સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવ ધારાસભામાં ચૂંટાતા તેઓએ આઝમગઢ બેઠક ખાલી કરી છે. જયારે મોહમ્મદ આઝમખાન પણ વિધાનસભામાં વિજેતા બનતા તેઓએ રામપુર લોકસભા ખાલી કરી હતી અને બન્ને બેઠકમાં પ્રતિષ્ઠાનો જંગ જામશે. જયારે પંજાબમાં સંગરૂર લોકસભા બેઠકની પેટાચૂંટણી યોજાશે. પંજાબના મુખ્યમંત્રી ભગવત માન એ આ બેઠક પરથી રાજીનામુ આપતા તે ખાલી પડી છે.

* આઝમપુર-રામગઢ લોકસભા બેઠકો સમાજવાદી પક્ષ પાસેથી ખુંચવવા ભાજપ સજજ: અખિલેશ માટે બેઠકો જાળવી રાખવાનો પડકાર

પંજાબ ધારાસભા ચૂંટણીમાં તેઓ ધુરી બેઠક પરથી ચૂંટાયા બાદ લોકસભા બેઠક છોડી હતી. જયારે દિલ્હીની રાજેન્દ્રનગર ધારાસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા રાજયસભામાં ચૂંટાતા તેઓએ આ ધારાસભા બેઠક છોડી હતી અને તેથી પેટાચૂંટણી યોજાઈ રહી છે. અન્ય વિધારનસભા બેઠક પેટાચૂંટણીમાં ઝારખંડની મંદાર, આંધ્રપ્રદેશની અતમાકુર અને ત્રિપુરાની અગરતલા ઉપરાંત ટાઉન બોરદોવાલી, સુરમા અને જુબેરાજનગર ધારાસભા બેઠકનો સમાવેશ થાય છે. આ અંગેનું એક જાહેરનામુ તા.30 મે ના રોજ બહાર પડશે. લોકસભાની ત્રણ બેઠકોની પેટાચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. ઉતરપ્રદેશમાં આઝમગઢ અને રામપુર બન્ને સમાજવાદી પક્ષના ગઢ અને ખાસ કરીને હાલ સપામાં અસંતુષ્ટ બનેલા નેતા આઝમખાનના ગઢ ગણાય છે અને ધારાસભા ચૂંટણીમાં તેઓ તથા તેમના પુત્ર બન્ને પ્રચંડ બહુમતીથી જીત્યા છે

* પંજાબમાં મુખ્યમંત્રી ભગવત માને ખાલી કરેલી સંગરૂર લોકસભા બેઠક જાળવી રાખવા ‘આપ’ આતુર: કોંગ્રેસ-ભાજપ અને અકાલીદળ પણ મેદાનમાં આવશે

તો બીજી તરફ આઝમગઢ બેઠક પર સપાના વડા અખિલેશ યાદવના ધર્મપત્ની ડિમ્પલ યાદવને મેદાનમાં ઉતારશે. એક તબકકે ડિમ્પલ યાદવને રાજયસભા માટે નિશ્ર્ચિત બનતા હતા પણ હવે સપાના કવોટાની બેઠક પર રાષ્ટ્રીય લોકદળના વડા જયંત ચૌધરી હવે સપા- આરએલડીના સંયુક્ત ઉમેદવાર તરીકે આજે ઉમેદવારી નોંધાવી છે. બીજી તરફ ધારાસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ હવે ભાજપ લોકસભાની આ બન્ને બેઠકો સપા પાસેથી આંચકી લેવા તમામ જોર લગાવશે તો હાલમાં જ અસંતુષ્ટ બનેલા અખિલેશના કાકા- શિવપાલ યાદવ અને આઝમખાન જુદો ‘ચોકો’ કરે તેવા સંકેત છે. બીજી તરફ પંજાબમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ બહુમતીથી વિધાનસભામાં જીત બાદ હવે સંગરૂર લોકસભા બેઠક પણ જાળવી રાખવાનો પડકાર છે તો ભાજપ, અકાલીદળ, કોંગ્રેસ પણ આ બેઠક પર ઉમેદવાર ઉતારે તેવી ધારણા છે. દિલ્હીમાં રાજેન્દ્રનગર ધારાસભા બેઠકની પેટાચૂંટણી પણ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ માટે પડકાર બની રહેશે.


Related News

Loading...
Advertisement
Advertisement