* છ મહિના પછી રાજ્યમાં ચૂંટણી છે અને તહેવારો પણ આવી રહ્યા છે ત્યારે તેમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પર મુકાશે ભાર: જનતાને પોલીસ કમિશનરનો સંદેશ, પોલીસ તેની કામગીરીમાં જરા પણ કચાશ નહીં રાખે; તમારા માટે અમે 24 કલાક સજ્જ રહેશું
રાજકોટ, તા.26 : રાજકોટમાં બે મહિના પછી કાયમી કમિશનરની નિમણૂક થઈ ગયા બાદ આજે શહેરના 27મા પોલીસ કમિશનર તરીકે 1995ની બેચના સિનિયર આઈપીએસ અધિકારી અને આર્મ્સ વિભાગના વડા રાજુ ભાર્ગવે ચાર્જ સંભાળી લીધો છે. તેઓ પોતાનો ચાર્જ સંભાળે તે પહેલાં સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું ગાર્ડ ઑફ ઑનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં નવનિયુક્ત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે રાજકોટ પોલીસ સામે જે જે પણ પડકારો છે તેનો ઉકેલ લાવવા માટે અમે તત્પર છીએ. આ ઉપરાંત શહેરની કાયદો વ્યવસ્થા સુચારુંરૂપે જળવાઈ રહે તે મારી પ્રાથમિકતા રહેશે. આગામી છ મહિનામાં ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે તે ઉપરાંત તહેવારો પણ આવી રહ્યા હોવાથી તેમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે અમે તત્પર રહીશું. તેમણે એમ પણ જણાવ્યું કે પોલીસની કામગીરી સ્વચ્છ અને પારદર્શી રાખવામાં આવશે અને તેમાં જરા પણ કચાશ રહેશે નહીં.
* સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ‘ગાર્ડ ઑફ ઑનર’થી નવનિયુક્ત કમિશનરનું અલાયદું ‘વેલકમ’: તમામ પડકારોનો જનતાને સાથે રાખીને ઉકેલ લાવશું
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે વધુમાં ઉમેર્યું કે હું કોઈ જાદૂગર નથી કે આવતાં સાથે જ બધું સમજી જાઉં. મને રાજકોટની ભૂગોળ અને તાસીર સમજવા માટે થોડો સમય જરૂર લાગશે પરંતુ તે દરમિયાન પોલીસની કામગીરીમાં જરા પણ ઓટ આવવા દેવાશે નહીં. જનતાને મેસેજ આપતાં રાજુ ભાર્ગવે કહ્યું કે પોલીસ પ્રજાની મીત્ર છે અને પ્રજાની સેવા માટે 24 કલાક સજ્જ રહેશે એટલે જ પ્રજાએ પોલીસને પણ પ્રજાના પૂરતા સહકારની જરૂર હોવાથી જનતાએ પોલીસ સાથે ખભેખભો મીલાવવો જરૂરી છે. હું રાજકોટના ક્રાઈમ વિશે ગહન અભ્યાસ કર્યા બાદ તેને જડથી જ ડામી દઈશ તેવો વિશ્વાસ પણ નવનિયુક્ત કમિશનરે વ્યક્ત કર્યો હતો.
વધુમાં તેમણે કહ્યું કે તા.29ને રવિવારે રાજકોટમાં નવા ડીસીબી બિલ્ડિંગ ઉપરાંત સાયબર ક્રાઈમ યુનિટ ઉપરાંત પોલીસ આવાસનું કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન થવાનું છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મંત્રી અને રાજકોટના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી સહિતના ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ કાર્યક્રમમાં રાજકોટના પ્રજાજનોને હાજર રહેવા માટે હું અપીલ કરું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપરાંત અનેક શહેરોના એસપી તરીકે પ્રશંસનીય ફરજ બજાવવા ઉપરાંત છત્તીસગઢમાં સીઆરપીએફની કોબ્રા કમાન્ડોના વડા તરીકે કામગીરી કરેલી છે. આ પછી તેઓ ડેપ્યુટેશનમાંથી પરત ફર્યા બાદ આર્મ્સ વિભાગના વડા તરીકે કાર્યરત હતા ત્યારે જ તેમને પ્રમોશન મળ્યું હતું. તેઓ 1995ની બેચના સિનિયર આઈપીએસ અધિકારી છે.
ગાર્ડ ઑફ ઑનર વખતે જવાનોની આડીઅવળી થઈ ગયેલી નેમપ્લેટને ઠીક કરી ડિસિપ્લીનનો ચિતાર આપતાં કમિશનર
આજે રાજકોટના નવનિયુક્ત પોલીસ કમિશનર તરીકે સિનિયર આઈપીએસ અધિકારી રાજુ ભાર્ગવ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા ત્યારે તેમનું ગાર્ડ ઑફ ઑનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ તેમણે ગાર્ડ ઑફ ઑનર માટે તૈનાત જવાનોના ડ્રેસ પર આડીઅવળી થઈ ગયેલી નેમપ્લેટને ઠીક કરી હતી. આ ઉપરાંત જવાનોને લાઈનસર કેવી રીતે ઉભા રહેવું તેની પણ શીખ આપી પોતે ડિસિપ્લનના ચુસ્ત આગ્રહી હોવાનો મેસેજ પણ આપી દીધો હતો.
કડકડાટ ગુજરાતી બોલતાં રાજુ ભાર્ગવ
સામાન્ય રીતે રાજકોટમાં અત્યાર સુધી જેટલા પણ પોલીસ કમિશનર આવ્યા છે તેમાંથી મોટાભાગના અધિકારીઓ ભાંગલું-તૂટલું ગુજરાતી જ બોલતા હતા. જો કે અમુક અધિકારીઓ અહીં રહીને ગુજરાતી ભાષા ઉપર પક્કડ પણ જમાવી ચૂક્યા છે ત્યારે નવનિયુક્ત પોલીસ કમિશનરે આજે પત્રકારો સાથે કડકડાટ ગુજરાતી ભાષામાં વાતચીત કરી હતી. તેમના પહેલાં ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહમદ પણ હિન્દી ભાષા વધુ બોલતા હતા તે ઉપરાંત તત્કાલિન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પણ હિન્દી ભાષા ઉપર વધુ પક્કડ ધરાવતા હતા ત્યારે રાજુ ભાર્ગવ હિન્દી-અંગ્રેજીની સાથે સાથે ગુજરાતી ભાષા પણ કડકડાટ બોલતાં હોવાથી અરજદારોને તેમની સાથે વાતચીત કરવામાં જરા પણ તકલીફ નહીં પડે તેવું અત્યારથી લાગી રહ્યું છે.