જયપુર તા.26
વારાણસીની જ્ઞાનવાપી મસ્જીદ અને દિલ્હીના કુતુબમિનાર બાદ હવે અજમેરની વિખ્યાત ખ્વાજા ગરીબ નવાજની દરગાહ હિન્દુ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને દિલ્હીની મહારાણા પ્રતાપ સેનાએ રાષ્ટ્રપતિ રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખીને પુરાતત્વ વિભાગ દ્વારા સર્વે કરાવવાની માંગ કરવામાં આવી છે. મહારાણા પ્રતાપ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજવર્ધનસિંહ પરમાર એ દાવો કર્યો છે કે અજમેર સ્થિત ખ્વાજા ગરીબ નવાજની દરગાહ પહેલા હિન્દુ મંદિર હતુ અને તે માટેના પુરતા પુરાવા દરગાહમાં મોજૂદ છે. એક પત્રમાં તેઓએ એવો દાવો કર્યો છે કે દરગાહની અંદર અનેક સ્થળો પર હિન્દુ ધાર્મિક ચિન્હ મોજૂદ છે જેમાં સ્વસ્તિકનું નિશાન મુખ્યત્વે છે અને તેની પુરાતત્વ વિભાગ દ્વારા પણ ભૂતકાળમાં સાક્ષી પુરવામાં આવી હતી. હાલમાં જ અહી ખ્વાજા ગરીબ નવાજનો 810મો ઉર્ષ મનાવાયો છે અને તેથી આ દરગાહ 900 વર્ષ જુની હોવાનું માનવામાં આવે છે. પરંતુ અત્યાર સુધીમાં તે હિન્દુ મંદિર કે હિન્દુ ધર્મસ્થાન હોવાનો દાવો થયો નથી. ઉપરાંત ખ્વાજાની આ દરગાહમાં હિન્દુ-મુસ્લીમ સહિત તમામ સમુદાયના લોકો આસ્થા ધરાવે છે.