રાજકોટ, તા.26 : મુંબઇ શેરબજારમાં આજે મે વલણના છેલ્લા દિવસે અફડાતફડી વચ્ચે તેજીનો વળાંક આવી ગયો હોય તેમ હેવી વેઇટ શેરોમાં ધુમ લેવાલીથી સેન્સેકસમાં 500 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. શેરબજારમાં આજે શરૂઆત પ્રોત્સાહક ટોને થયા બાદ એકાએક વેચવાલીનો મારો આવી ગયો હતો અને માર્કેટ રેડ ઝોનમાં સરકી ગયું હતું. પરંતુ બપોરે એકાએક ધુમ લેવાલી શરૂ થઇ ગઇ હતી અને બજારે તેજીનો વળાંક લઇ લીધો હતો.
વલણનો છેલ્લો દિવસ હોવાના કારણે મોટા પ્રમાણમાં વેચાણ કાપણી નીકળી હોવાનું મનાતું હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે છેલ્લા દિવસોમાં મોટુ ધોવાણ થયું હતું તેવા મેટલ શેરોમાં નોંધપાત્ર ભાવ વધારો થયો હતો. આ સિવાય બેંક અને સોફટવેર ક્ષેત્રના શેરો ઉંચકાયા હતા. મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, એપોલો હોસ્પિટલ, સ્ટેટ બેંક, ઇન્ફોસીસ, કોટક બેંક, મારૂતિ નેસલે, પાવર ગ્રીડ, સ્ટેટ બેંક જેવા હેવીવેઇટ શેરોમાં ઉછાળો નોંધાયો હતો. જયારે ડીવીઝ લેબ, સનફાર્મા, રિલાયન્સ જેવા શેરો નબળા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેકસ પ03 પોઇન્ટના ઉછાળાથી 54252 સાંપડયો હતો. જે ઉંચામાં 54346 તથા નીચામાં 53425 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 144 પોઇન્ટના ઉછાળાથી 14170 હતો. બીજી તરફ કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો દબાયો હતો અને 77.58 સાંપડયો હતો.