રાજકોટ તા.26 : ચુનારવાડમાં પુત્રી સાથે ઝઘડી રહેલા ભાણેજને ટપારતા દંપતી પર ઉશ્કેરાયેલા યુવકે છરીથી હુમલો કરતા બન્નેને સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની વિગત મુજબ ચુનારવાડ-8માં રહેતાં ભીખુભાઈ મેપાભાઈ સોલંકીની પુત્રી રીંકલ ગત રોજ તેની બાજુમાં રહેતા બહેનની ઘરે આંટો મારવા ગઈ હતી
ત્યારે ત્યાં હાજર તેમના ભાણેજ કુલદીપ રીંકલને તારે અમારી ઘરે આવવું નહી કહીને ઝઘડો કર્યો હતો જે બાબતની જાણ થતા ભીખુભાઈ અને તેમના પત્ની લાભુબેન દોડી ગયા હતા અને પુત્રી સાથે ઝઘડી રહ્યો હતો ત્યારે ભાણેજને સમજાવવા જતા ઉશ્કેરાયેલા કુલદીપે છરીથી બન્ને પર હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલીક સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.