રાજકોટ, તા. 26
રાજકોટ શહેરમાં રમત ગમત પ્રવૃતિને વેગ આપવા માટે નજીકના ભવિષ્યમાં રેસકોર્ષ જેવા ઇન્ડોર સ્ટેડીયમ અને નવા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરવામાં આવશે તેવું મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું છે. બેડમિન્ટનના ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આજે શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમ, રેસકોર્ષ ખાતે સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાના હસ્તે મેયરના અધ્યક્ષસ્થાને ઉદઘાટન કરાયું હતું.
આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના છેવાડાના ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહે તેવા આશયથી રમશે ગુજરાત જીતશે ગુજરાતના સુત્રને સાકાર કરવા ખેલમહાકુંભનો પ્રારંભ કરેલ. જે કારણે રાજ્યના ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ છે. રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ અનેક ખેલાડીઓએ રમત ગમતમાં મેડલ પણ મેળવેલ છે. આગામી સમયમાં રાજ્યના ખેલાડીઓ ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવેલ હતી.
આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું કે, સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. નરેન્દ્રભાઈ મોદીએ શહેરો અને ગામડાઓના ખેલાડીઓને પ્લેટફોર્મ મળે તેવા હેતુથી વર્ષ 2010માં ખેલમહાકુંભનું આયોજન કરી સમગ્ર રાજ્યના રમત ગમતના ખેલાડીઓમાં નવું જોમ પુરેલ છે. મનપા દ્વારા પણ શહેરના રમતવીરોને રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ભાગ લઈ શકે તેમજ શહેરીજનોના સ્વાસ્થય માટે અનેકવિધ સંકુલો બનાવવામાં આવેલ છે.
શહેરનો દિન પ્રતિદિન વિકાસ થતો જાય છે જે ધ્યાનમાં રાખી આગામી સમયમાં નવું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને ઇન્ડોર સ્ટેડીયમ બનાવાવમાં આવશે. સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતું.
બેડમિન્ટનની રમતમાં, સીંગલ્સ કેટેગરીમાં ભાઇઓ તથા બહેનો માટે અંડર- 13, અંડર- 15, અંડર- 19, 20-40, 41-60 તેમજ ડબલ્સ કેટેગરીમાં ભાઇઓ તથા બહેનો માટે 20-40 અને 41-60 ટુર્નામેન્ટમાં 561 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. આ ટુર્નામેન્ટ 1-6 સુધી ચાલશે. આ ટુર્નામેન્ટ પ્લાસ્ટીક શટલથી રમાડવામાં આવશે.
આ અવસરે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ ચેરમેન પરેશભાઈ પીપળીયા, ડે.કમિશ્નર સી.કે.નંદાણી, વાઈસ ચેરમેન સંજયસિંહ રાણા, કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, વિનુભાઈ સોરઠીયા, નયનાબેન પેઢડીયા, કંકુબેન ઉઘરેજા, પ્રીતિબેન દોશી, આકાશવાણીના ડાયરેક્ટર ડો.ગીતાબેન ડીડા, આસી.કમિશ્નર એચ.આર.પટેલ, આસી.મેનેજર દિપેન ડોડીયા, અમિત ચોલેરા, બેડમિન્ટનના કોચ તેમજ ભાગ લેનાર ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.