મુંબઈ, તા.14 : મોહમ્મદ પયગમ્બરસાહેબ પર ટીપ્પણીના વિવાદ બાદ ભારતની લગભગ 70 ખાનગી અને સરકારી વેબસાઈટો ઉપર આંતરરાષ્ટ્રીય સાયબર એટેક થયો છે. એકલા મહારાષ્ટ્રમાંથી જ 50થી વધુ વેબસાઈટ પ્રભાવિત થઈ છે. ‘હેક્ટિવિસ્ટ’ ગ્રુપ ‘ડ્રેગનફોર્સ’ મલેશિયા દ્વારા સંચાલિત સાયબર હુમલાઓમાં ઓનલાઈન પ્લેટફોર્મની સાથે જ ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસ, રાષ્ટ્રીય કૃષિ વિસ્તાર મેનેજમેન્ટ સંસ્થાઓ અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના ઈ-પોર્ટલને નિશાન બનાવ્યા છે.
હેકર્સના એક ગ્રુપે ઓડિયો ક્લિપ અને ટેકસ્ટ મેસેજના માધ્યમથી મેસેજ પણ મોકલ્યો છે જેમાં કહેવાયું છે કે "તમારા માટે તમારો ધર્મ છે અને મારા માટે મારો ધર્મ છે, અમને ભારતીય લોકો સાથે કો, સમસ્યા નથી. તેઓ પોતાનો ધર્મ પસંદ કરવા માટે સ્વતંત્ર છે પરંતુ અમે તેમને અમારા ધર્મ (ઈસ્લામ) પર હુમલો કરવા દેશું નહીં.” અહેવાલો અનુસાર ભારત સરકારની સાઈટોની સાથે સાથે ખાનગી પોર્ટલોને 8 અને 12 જૂન વચ્ચે આંતરવામાં આવ્યા હતા. હેકર્સે ભારતની એક ટોચની બેન્કને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં સુધી કે દિલ્હી પબ્લીક સ્કૂલ, ભવન અને દેશભરની કોલેજોને પણ નિશાન બનાવી હતી.
સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે હેકર્સ ગ્રુપ દ્વારા જેના 1300 જેટલા કર્મચારી છે તે ભારતની એક ટોચની બેન્કને પણ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દુનિયાભરના તમામ મુસ્લિમ હેકર્સે માનવાધિકાર સંગઠનો અને કાર્યકરોને ભારત વિરુદ્ધ અભિયાન શરૂ કરવાનું આહ્વાન કર્યું છે. આંકડાઓ પ્રમાણે જૂન-જૂલાઈ-2021માં પણ ડ્રેગનફોર્સે ઈઝરાયલ સરકારની વેબસાઈટો ઉપર કહેર વરસાવ્યો કે તે દક્ષિણ-પૂર્વ એશિયાના મુસ્લિમ બહુમતિવાળા દેશો સાથે રાજકીય સંબંધ સ્થાપિત કરવા માટે તૈયાર છે.