આગામી તા.12મી જુલાઇથી જૈનોના ચાતુર્માસનો પ્રારંભ થઇ રહ્યો છે. ચાતુર્માસના ચાર મહિના જૈન સાધુ-સાધ્વીજીઓ એક સ્થાને બિરાજમાન થઇને સંઘના શ્રાવક-શ્રાવિકાઓને તપ, ધર્મ આરાધના કરાવશે. ચાતુર્માસ પ્રારંભના જુજ દિવસો રહ્યા છે. તેથી તીર્થાટન ગયેલા જૈન સાધુ-સાધ્વીજીઓ તેમના ચાતુર્માસ ગાળવાના સ્થાનો પર વિચરણ કરી રહ્યા છે અનેક જૈન મુનિઓ તથા સાધ્વીજી ભગવંતો વહેલા ચાતુર્માસ પ્રવેશ કરશે પરંતુ તા. 12મી જુલાઇના બે કે ત્રણ દિવસ પૂર્વે પોતાના જાહેર થયેલા ચાતુર્માસ સ્થાનો પર આવી જશે.
અમદાવાદમાં પોલીસ તંત્ર દ્વારા જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહાર માટે સુરક્ષા પ્રદાન કરી છે. જૈન શાસનમાં જૈન મુનિ તથા સાધ્વીજી ભગવંતો પગપાળા વિહાર કરે છે. તેઓ ખુલ્લા પગે વિચરણ કરતા હોય છે. વિચરણ કરતા સંત-સતીજીઓની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણીવાર અકસ્માતમાં જૈન સાધુ-સાધ્વીજીઓના મૃત્યુ થયાના સમાચાર જાણવા મળતા રહે છે. તેથી આ વખતે ગુજરાતના ડીજીપીએ પોલીસ કમિશ્નર, એસ.પી. તથા ઇન્સ્પેકટરને તા. 3જી જૂનના સૂચના આપી છે કે પગપાળા વિહાર કરતા જૈન સાધુ-સાધ્વીજીઓની સુરક્ષા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવે
તેથી 24મી મેથી તા. 10 જુલાઇ સુધી સુરક્ષાનો પ્રબંધ કરવામાં આવ્યો છે. વિહાર કરતાં જૈન સાધુ-સાધ્વીજીઓ પોલીસ તંત્રમાં જણાવશે તો તેમને સુરક્ષા કવચ અપાશે. ડીજીપી દ્વારા આદેશ જારી થતા જે જે સાધુ-સાધ્વીજી વિહાર કરવાના છે તેમનો માર્ગમાં અકસ્માત ન થાય તેની પુરી તકેદારી રાખવામાં આવી છે. વહેલી સવારે જૈન મુનિઓ તથા પૂ. સાધ્વીજી ભગવંતો વિહાર કરતા હોય છે. ત્યારે તેમની સુરક્ષા માટેના પગલા લેવાયા છે. સમસ્ત મહાજન-મુંબઇના ગીરીશભાઇ શાહે સુરક્ષા બાબતે પોલીસ તંત્રમાં રજૂઆત કરી હતી. સાબરકાંઠામાં બે મહિના પૂર્વે અકસ્માતમાં પાંચ જૈન સાધુ-સાધ્વીજીઓના મોત થયા હતા. આ બનાવ ઇડરમાં બન્યો હતો.