આમીરખાનની ‘દંગલ’ ફિલ્મને 3.70 કરોડ પ્રેક્ષકોએ જોઈ હતી અને 387 કરોડની કમાણી કરી હતી, જયારે ‘કેજીએફ ચેપ્ટર-2’ને માત્ર અઢી કરોડ દર્શકોએ જોઈ હતી અને 435 કરોડની કમાણી કરી હતી: મોટી ફિલ્મોની મોંઘી ટિકીટ ખરીદવા દર્શક તૈયાર છે: નિષ્ણાંતો
મુંબઈ: આમીરખાનની ફિલ્મ ‘દંગલ’ને સાડા ત્રણ કરોડથી વધુ દર્શકોએ નિહાળી હતી ત્યારે ફિલ્મ 400 કરોડ રૂપિયાની કમાણી કરી શકી હતી, જયારે યશની ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર-2’ માત્ર અઢી કરોડ દર્શકોએ જોઈ હતી, છતાં 435 કરોડ રૂપિયા કમાવવામાં સફળ રહી હતી, આ સ્થિતિમાં ઈન્ડસ્ટ્રીવાળાઓનું માનવું છે કે જો આવનારા દિવસોમાં આમીર અને રણબીરકપુર પોતાના અગાઉના દેખાવનું પુનરાવર્તન કરી શકયા તો તો મોંઘી ટિકીટોના જોરે તેમની ફિલ્મો (જો દર્શકોને ગમે તો) 500 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે.
ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ અને ‘સમ્રાટ પૃથ્વીરાજ’, અજય દેવગનની ‘રનવે 34’, ટાઈગર શ્રોફની ‘હીરોપંતી-2’ની જોરદાર નિષ્ફળતા બાદ હવે બોલીવુડની આગામી ફિલ્મો- આમીરખાનની ‘લાલસિંહ ચઢ્ઢા’, અક્ષયકુમારની ‘રક્ષાબંધન’ અને રણબીરકપુરની ‘બ્રહ્માસ્ત્ર’ પર આશા ટકેલી છે. ઈન્ડસ્ટ્રીવાળાઓનું માનવું છે કે જો આવનારા દિવસોમાં આ ફિલ્મોનું પ્રદર્શન સારું રહ્યું તો તે કમાણીના રેકોર્ડ બનાવી શકે છે.
ટિકીટના રેટનું છે બધું ચકકર: વર્ષ 2017માં રિલીઝ થયેલી ‘બાહુબલી-2’ને 5 કરોડ 25 લાખ લોકોએ જોઈ હતી ત્યારે આ ફિલ્મે હિન્દીમાં 511 કરોડની કમાણી કરી હતી, જયારે તેના આગલા વર્ષે રિલીઝ થયેલી આમીરખાનની ‘દંગલ’ ફિલ્મને 3 કરોડ 70 લાખ દર્શકોનો સાથ મળ્યો હતો, ત્યારે તેણે 387 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જયારે 2018માં રિલીઝ થયેલી રણબીર કપુરની ફિલ્મ ‘સંજુ’ને માત્ર 2 કરોડ 80 લાખ દર્શકો મળ્યા હતા તેમ છતાં ફિલ્મે 342 કરોડની તગડી કમાણી કરી હતી.
2019માં રિલીઝ ઋત્વિક રોશન અને ટાઈગર શ્રોફની ‘વોર’ ફિલ્મને તો માત્ર 2 કરોડ 15 લાખ દર્શકોએ જોઈ હતી અને તેણે 315 કરોડથી વધુ રકમની કમાણી કરી હતી. વાત જો એપ્રિલમાં રિલીઝ ‘કેજીએફ ચેપ્ટર-2’ની કરવામાં આવે તો આ ફિલ્મને માત્ર અઢી કરોડ દર્શકોએ જોઈ હતી તેમ છતાં ફિલ્મે 435 કરોડની કમાણી કરી હતી.
મોટી ફિલ્મ હોય તો દર્શક મોંઘી ટિકીટ ખરીદવા પણ તૈયાર: પ્રોડયુસર અને બિઝનેસ એનાલિસ્ટ ગિરીશ જોહર કહે છે- કોરોના બાદ ટિકીટોના ભાવ વધી ગયા છે, એટલે ઓછા દર્શકોથી ફિલ્મો વધુ કમાણી કરી રહી છે. ‘કેજીએફ ચેપ્ટર-2’ અને ‘આરઆરઆર’ આના દાખલા છે. જયારે ‘દંગલ’ જેવી ફિલ્મને 387 કરોડ કમાવવા માટે 3.70 કરોડ દર્શકોની જરૂર પડી હતી.