બોલિવૂડના ‘નિકમ્મા’ઓ!

18 June 2022 10:11 AM
Entertainment India
  • બોલિવૂડના ‘નિકમ્મા’ઓ!
  • બોલિવૂડના ‘નિકમ્મા’ઓ!

કેટલીક ફિલ્મો થિયેટરમાં જોઈને આવ્યા પછી એવું લાગે કે આના કરતા લોકડાઉન જ બરાબર હતું, જેમાં ઘરે બેઠાં સારું કોન્ટેન્ટ જોઈ શકાતું હતું! પાછલાં છ મહિનાઓમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ જે દાટ વાળ્યો છે, એની ચર્ચા પણ થઈ શકે એમ નથી. ભૂલભૂલૈયા-2 ને બાદ કરતા હિન્દી ફિલ્મો માટે ચાલુ વર્ષ કપરા કાળ સમાન પૂરવાર થયું છે.

વાંક મૂળે ડિરેક્ટર્સ-પ્રોડ્યુસર્સનો જ છે, જે ક્યાં તો સાઉથ ઈન્ડિયન ફિલ્મોની રી-મેક પીરસ્યા રાખે છે, ક્યાં તો ચવાઈ ગયેલા વિષયો સાથે બનાવવામાં આવેલો મસાલા ડ્રામા! ‘નિકમ્મા’ આવી જ એક ફિલ્મ છે, જે 2017ની સાલમાં રીલિઝ થયેલી દક્ષિણ ભારતીય તેલુગુ ફિલ્મ ‘મિડલ ક્લાસ અબાઈ’ની સત્તાવાર રીમેક છે.

ભાભી અવની (શિલ્પા શેટ્ટી)ની નાની બહેન નિક્કી (શર્લી સેટિયા) સાથે આદિ (અભિમન્યુ દાસાણી)ને પ્રેમ થઈ ગયા બાદ વિલન (અભિમન્યુ સિંઘ) સાથેની ટિપિકલ લડાઈ અને હેપ્પી કલાયમેક્સ સાથેની એક એવરેજ ફિલ્મ એટલે ‘નિકમ્મા’! ભયંકર હદ્દની હોરિબલ કહી શકાય એવી આ ફિલ્મ જોઈને સૌથી પહેલો સવાલ મારા મનમાં એ આવ્યો કે અભિમન્યુ દાસાણી જેવા અભિનેતા જેણે ‘મર્દ કો દર્દ નહીં હોતા’ જેવી હટકે ફિલ્મ કરી હોય, તે આવા વિષય પર કામ કરવા માટે રાજી કેવી રીતે થઈ શકે?

જો કે, વાંક તેનો પણ નથી. ડિરેક્તર શબ્બીર ખાનની ભૂતકાળમાં સુપરહિટ ગયેલી ફિલ્મો જોઈને અભિમન્યુએ આ નિર્ણય લીધો હોય એ શક્ય છે. શબ્બીર ખાન ભૂતકાળમાં કમબખ્ત ઈશ્ક, બાગી, હીરોપંતી જેવી હિટ ફિલ્મો અને મુન્ના માઇકલ જેવી સુપરફ્લોપ ફિલ્મ આપી ચૂક્યા છે. આ વર્ષે જ એમની વધુ એક ફિલ્મ ‘અદ્ભૂત’ પણ રીલિઝ થવા જઈ રહી છે.

‘નિકમ્મા’ના લેખક વેણુ શ્રીરામે મૂળ તેલુગુ ફિલ્મ પણ લખી હતી, જે દક્ષિણ ભારતમાં ખૂબ ચાલી હતી. એ જ લેખકે તેનું આ હિન્દી વર્ઝન પણ લખ્યું છ. આમ છતાં હથોડાછાપ સંવાદોની ભરમાર, ચવાઈ ગયેલી વાર્તા, ઑવર-એક્ટિંગના દુકાનો સમાન પાત્રોએ ‘નિકમ્મા’ને બોલિવૂડની સૌથી ખરાબ ફિલ્મોમાંની એક બનાવી દીધી છે. શિલ્પા શેટ્ટીએ ‘હંગામા’ રિમેક બાદ આ ફિલ્મ સ્વીકારીને બીજી વખત ભૂલ કરી નાંખી છે! તેના અભિનયમાં કોઈ ખોટ નથી, પરંતુ નબળી વાર્તાને કારણે ફિલ્મમાં તેનું પાત્ર ખાસ કંઈ ઉકાળી શક્યું નથી, એ વરવી વાસ્તવિકતા છે.

સૌથી મોટું આશ્ચર્ય તો ત્યારે થાય, જ્યારે આ પ્રકારની ફિલ્મોને ‘સોની પિક્ચર્સ’ જેવું ધરખમ પ્રોડક્શન હાઉસ પ્રોડ્યુસ કરવા તૈયાર થઈ જાય! ભારતમાં ઉત્તમ વાર્તાઓની કોઈ ઓછપ ન હોવા છતાં જ્યારે આવી ફિલ્મો થિયેટરોમાં જોવા જવું પડે ત્યારે બોલિવૂડના ‘નિકમ્મા’ઓ માટે મનમાં ધિક્કારભાવ પેદા થાય!

કેમ જોવી?: સિનેમાઘરમાં જઈને માથું ફોડવાની ઈચ્છા હોય તો!
કેમ ન જોવી?: ભાગ્યશ્રીના દીકરા માટે મનમાં થોડું ઘણું માન જાળવી રાખવું હોય તો!

સાંજસ્ટાર:
અડધી ચોકલેટ

ક્લાયમેક્સ: કરોડોના ખર્ચે બનેલી ફિલ્મ ‘ધાકડ’ ફક્ત ત્રણેક કરોડના બોક્સ-ઑફિસ વકરામાં સમેટાઈ ગઈ. અઢીસો કરોડના ખર્ચે બનેલી ‘પૃથ્વીરાજ’ પૂરા સો કરોડના આંકડાને પણ આંબી નહીં શકે, એ સ્થિતિ છે! હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હવે પોતાનું નૂર ગુમાવી ચૂકી છે, એવું લાગ્યા રાખે છે!


Related News

Loading...
Advertisement
Advertisement