2021/22માં રીઝર્વ બેન્કે ચલણી નોટો માટે પ્રિન્ટીંગમાં 21% વધુ ખર્ચ કર્યો: રૂા.500ની નોટોનો પ્રિન્ટીંગ ખર્ચ યથાવત
નવી દિલ્હી: દેશમાં ડીજીટલ ઈકોનોમીની સાથે ફિઝીકલ કરન્સીનું પ્રમાણ પણ વધતુ જાય છે અને રીઝર્વ બેન્કને હવે મોંઘવારી નડી રહી છે. આરબીઆઈ જે રૂા.20-50 તથા 100 અને રૂા.200ની નોટો છાપે છે તેનો પ્રિન્ટીંગ ખર્ચ વધી ગયો છે. રીઝર્વ બેન્કની ભાષામાં આ પ્રિન્ટીંગ ખર્ચને ‘સેલીંગ પ્રાઈઝ’ તરીકે ઓળખવામાં આવે છે. આ ભાવ પ્રિન્ટીંગ પ્રેસ (જે સરકાર અને રીઝર્વ બેન્કની માલીકીના છે.)
તે આ ચલણી નોટોનું પ્રિન્ટ કરીને રીઝર્વ બેન્કને આપે છે અને જે બિલ બને છે તેને સેલીંગ પ્રાઈઝ તરીકે ઓળખવામાં આવે છે. ચલણી નોટો જે કાગળ પર છાપવામાં આવે છે તે વિદેશથી આયાત થાય છે અને આ કાગળના ભાવમાં અને અન્ય ખર્ચ વધતા ચલણી નોટો છાપવાનું હવે મોટું બની ગયું છે. રૂા.50 થી 1000 ચલણી નોટો છાપવાનો ખર્ચ 23% જેવો વધી ગયો છે. જયારે રૂા.20ની નોટો છાપવાનો ખર્ચ (1000 પીસ મુજબ) ફકત 1% જ વધ્યા છે. રૂા.500ની ચલણી નોટો છાપવાનો ખર્ચ યથાવત રહ્યા છે.
દેશમાં હાલ રૂા.500ની નોટો સૌથી વધુ ચલણમાં છે અને રૂા.2000ની નોટો હવે રીઝર્વ બેન્ક છાપતી જ નથી અથવા તેના આંકડા જાહેર થયા નથી. દેશમાં રૂા.500ની ચલણી નોટો કુલ કરન્સીમાં 34.9% સ્થાન ધરાવે છે અને મુલ્યની દ્દષ્ટિએ 73.3% ની રૂા.500ની નોટો ચલણમાં છે. રીઝર્વ બેન્કે 2021-22ના વર્ષમાં કરન્સી પ્રિન્ટીંગમાં રૂા.4984.8 કરોડનો ખર્ચ કરાયો હતો જે 2020-21ના પ્રમાણમાં 24% ઉંચો રહ્યો છે. રીઝર્વ બેન્ક દ્વારા 2021/22ના વર્ષમાં 13350 મીલીયન પીસ ચલણી નોટો છાપવામાં આવી હતી.