રેલવે સ્ટેશનો પર 1લી ઓગસ્ટથી રોકડ લેવડદેવડ બંધ : પાણી કે ખાદ્યચીજોની ખરીદીમાં ‘ડીજીટલ પેમેન્ટ’ ફરજીયાત

22 June 2022 11:17 AM
India Travel
  • રેલવે સ્ટેશનો પર 1લી ઓગસ્ટથી રોકડ લેવડદેવડ બંધ : પાણી કે ખાદ્યચીજોની ખરીદીમાં ‘ડીજીટલ પેમેન્ટ’ ફરજીયાત

નવી દિલ્હી,તા.22
કેન્દ્ર સરકાર રોકડ વ્યવહારોને નિયંત્રિત કરી વધુને વધુ નાણાકીય વ્યવહારો ડીજીટલી થાય તે માટે નવા નવા નિર્ણયો લઇ રહી છે. આવા જ વધુ એક નિર્ણયમાં હવે રેલવે સ્ટેશને લોકોને ફરજીયાતપણે ડીજીટલ વ્યવહાર કરવો પડશે. રેલવે સ્ટેશનો પર ખાણીપીણીના સ્ટોલ કે ફેરીયાઓ પાસેથી પાણી અથવા કોઇપણ ખાદ્ય સામગ્રીની ખરીદીમાં ડીજીટલ પેમેન્ટ જ કરવું પડશે.

રેલવે બોર્ડ દ્વારા 1લી ઓગસ્ટથી દેશના તમામ રેલવે સ્ટેશનો પર ખાણીપીણીની ખરીદીનું પેમેન્ટ ડીજીટલ કરવાનો નિર્ણય લીધો છે. અર્થાત ખાણીપીણીનું વેચાણ રોકડમાં નહીં થઇ શકે. આ નિયમનો ભંગ કરવા બદલ 10,000થી માંડીને 1,00,000 સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

રેલવે બોર્ડે આ મામલે ગત 19 મેના રોજ તમામ રેલવે ઝોન તથા આઈઆરસીટીસીને દિશાનિર્દેશ આપતાં પરિપત્રો ઇસ્યુ કરી દીધા હતા. તેમાં એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે રેલવે પ્લેટફોર્મ પરના ખાણીપીણીના તમામ સ્ટોલમાં વેચાણનું પેમેન્ટ ડીજીટલ ધોરણે જ કરવાનું રહેશે.

રેલવે પ્રવાસીઓને કોમ્પ્યુટરાઇઝડ બીલ આપવાનું રહેશે. ખાણીપીણીનું વેચાણ કરતાં ફેરીયાઓને પણ યુપીઆઈ, પેટીએમ, પોઇન્ટ ઓફ સેલ મશીન, સ્વાઇપ મશીન રાખવું પડશે અને તેના મારફત જ પેમેન્ટની વસૂલાત કરવાની રહેશે.

રેલવે બોર્ડના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે રેલવે પ્લેટફોર્મના સ્ટોલ ઉપરાંત ટ્રોલી, ફૂડ પ્લાઝા, રેસ્ટોરા વગેરેમાં પણ કેશલેસ લેવડદેવડ ફરજીયાત રહેશે. રેલવે વિભાગનાં સુત્રોએ કહ્યું કે ડીજીટલ લેવડદેવડથી ખાણીપીણીના સ્ટોલધારકો કે ફેરીયાઓ નિયત કરતાં વધુ ભાવ પણ વસૂલી નહીં શકે. રેલવે ટ્રેનોમાં ફેરીયાઓ પાણીની બોટલ કે અન્ય ખાદ્યચીજોનાં વધુ નાણા વસૂલતા હોવાની વખતોવખત ફરિયાદો ઉઠતી રહે છે પરંતુ આ નિર્ણયથી નિયત કરતાં વધુ ભાવ લેવા પર આપોઆપ બ્રેક લાગી જશે. રેલવે બોર્ડ દ્વારા ટ્રેનમાં વેચાતી ખાદ્યચીજોમાં ચાર વર્ષ પૂર્વે જ ડીજીટલ પેમેન્ટ ફરજીયાત કર્યું હતું હવે બીજા તબક્કામાં રેલવે સ્ટેશનો પર આ નિયમ અમલી બનાવવામાં આવી રહ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement