નવીદિલ્હી, તા.22 : ડેવિડ વોર્નર પહેલીવાર વન-ડે ક્રિકેટમાં 99 રન બનાવીને આઉટ થયો છે. આ સાથે જ ઑસ્ટ્રેલિયાએ શ્રીલંકા વિરુદ્ધ વન-ડે શ્રેણી પણ ગુમાવી દીધી છે. શ્રીલંકાએ ચોથી વન-ડે મેચ ચાર રને જીતીને પાંચ મેચની શ્રેણી 3-1થી કબજે કરી છે સાથે સાથે 30 વર્ષ બાદ વન-ડે શ્રેણીમાં ઑસ્ટ્રેલિયા સામે તેની જીત થવા પામી છે. શ્રીલંકાએ પહેલાં બેટિંગ કરતાં 258 રન બનાવ્યા હતા.
ચરિત અસલંકાએ પોતાના વન-ડે કરિયરની પહેલી સદી લગાવી શાનદાર 110 રન બનાવ્યા હતા. જવાબમાં કાંગારું ટીમ 50 ઓવરમાં 254 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. વોર્નર ઉપરાંત અન્ય કોઈ બેટર 40 રનનો આંકડા સુધી પહોંચી શક્યો નહોતો. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નહોતી. ત્રીજી ઓવરમાં કેપ્ટન એરોન ફિન્ચ શૂન્ય પર ચમિકા કરુણારત્નેનો શિકાર બન્યો હતો. આ પછી વોર્નર-માર્શે બીજી વિકેટ માટે 63 રન જોડ્યા હતા. મૉ 27 બોલમાં 26 રન બનાવી આઉટ થયો હતો. માર્નસ લાબુશેન 14 અને એલેક્સ કેરી પણ 19 રન જ બનાવી શક્યા તહ પરંતુ વોર્નરે એક છેડો સાચવી રાખ્યો હતો.
એક સમયે ટીમનો સ્કોર ચાર વિકેટે 189 રન હતો અને તે જીત તરફ આગળ વધી રહી હતી. જો કે ઑસ્ટ્રેલિયન ઈનિંગ અચાનક ખખડવા લાગી હતી અને તેણે ત્રણ રનની અંદર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પહેલાં ટ્રેવિસ હેડ 27 રન બનાવીને આઉટ થયો ત્યારપછી મેક્સવેલ એક રન અને વોર્નર 99 રન બનાવી આઉટ થયો હતો.
આ પછી કમીન્સે 35 રન બનાવીનેને ટીમને જીતાડવાની કોશિશ કરી પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. અંતિમ ઓવરમાં ઑસ્ટ્રેલિયાને જીત માટે 19 રન બનાવવાના હતા અને હાથમાં એક વિકેટ હતી. મેથ્યુ કુન્હેમને કેપ્ટન શનાકાની ઓવરમાં 3 ચોગ્ગા સહિત 14 રન લીધા પરંતુ તે અંતિમ બોલ પર આઉટ થઈ ગયો હતો. શ્રીલંકા વતી ધનંજય ડીસીલ્વા, ચમિકા કરુણારત્ને અને જેફ્રી વંડરસેએ બે-બે વિકેટ મેળવી હતી.