નવીદિલ્હી, તા.22
ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહ હવે નવા અવતારમાં જોવા મળશે. એક સમયે ક્રિકેટના મેદાન ઉપર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવનારો યુવરાજ હવે ગોલ્ફ કોર્સમાં હાથ અજમાવતો જોવા મલશે. ડાબા હાથના પૂર્વ બેટર યુવરાજ સિંહને આઈકન સિરીઝ માટે 24 સેલિબ્રિટીઝમાં સામેલ કરવામાં આવ્યો છે.
આ સિરીઝનું આયોજન ન્યુયોર્કના લીબર્ટી નેશનલ ગોલ્ફ કોર્સ પર કરવામાં આવ્યું છે જે 1 જૂલાઈ સુધી ચાલશે. આ અંગે વાત કરતાં યુવરાજે કહ્યું કે આઈકન સિરીઝમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરીને હું અત્યંત ઉત્સાહિત છું. અમારી ટીમમાં શ્રેષ્ઠ ખેલાડીઓ સામેલ છે. એબી ડિવિલિયર્સ, રિકી પોન્ટીંગ, બ્રાયન લારા વિરુદ્ધ ક્રિકેટના મેદાન પર રમ્યા બાદ હવે આ શ્રેણીમાં ઉતરવા માટે આતૂરતાથી રાહ જોઈ રહ્યો છે. યુવરાજ જે ટીમમાં સામેલ છે તેની આગેવાની એર્ની એલ્સ કરશે. યુવી ઉપરાંત આ ટીમમાં રિકી પોન્ટીંગ, એબી ડિવિલિયર્સ, બ્રાયન લારા અને નિવૃત્ત ટેનિસ સ્ટાર એશ્ર્લેઘ બાર્ટી સહિત માન્ચેસ્ટર સિટીના મેનેજર પેપ ગુઆર્ડિયોલા પણ સામેલ છે.
યુવરાજની ટીમનો મુકાબલો અમેરિકાની ટીમ સામે થશે જેની કમાન ફ્રેડ કપલ્સ સંભાળી રહ્યો છે. આ ટીમમાં સુપરસ્ટાર સ્વિમર માઈકલ ફેલપ્સ અને એનએફએલના પૂર્વ ખેલાડી બેન રોએથલિસબર્ગર પણ સામેલ છે. અમેરિકી ટીમના કેપ્ટન ફ્રેડ કપલ્સે કહ્યું કે ગોલ્ફ પ્રત્યે મને અનોખો લગાવ છે. હું આ ટૂર્નામેન્ટમાં અમેરિકી ટીમની આગેવાની કરવા માટે તૈયાર છું કેમ કે આ એક શ્રેષ્ઠ ટૂર્નામેન્ટ છે.