કોલકત્તા, તા.22 : અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ)એ એએફસી એશિયન કપ ક્વોલિફાયર પહેલાં ભારતીય ફૂટબોલ ટીમ માટે જ્યોતિષને નિયુક્ત કર્યા હતા. આ જાણકારી ટીમના જ એક ખેલાડીએ જાહેર કરી છે. આ માટે ફૂટબોલ ફેડરેશને એક જ્યોતિષ એજન્સી ઉપર 16 લાખ રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો જેને રાષ્ટ્રીય ટીમને ‘પ્રેરિત’ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુનિલ છેત્રીની આગેવાનીવાળી ટીમે ગ્રુપમાં ટોચ પર રહેતા મુખ્ય ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું હતું. ટીમના એક આંતરિક સૂત્રએ કહ્યું કે એશિયન કપ પહેલાં રાષ્ટ્રીય ટીમ માટે એક પ્રેરક નિયુક્ત કરવામાં આવ્યા હતા. બાદમાં એવો ખુલાસો થયો કે જે કંપની સાથે કરાર થયો હતો તે એક જ્યોતિષ સાથે જોડાયેલી કંપની છે. સૂત્રએ દાવો કર્યો કે ટીમને પ્રેરિત કરવા માટે એક જ્યોતિષિને નિયુક્ત કરવામાં આવ્યો હતો અને તેના માટે 16 લાખ રૂપિયાનું જંગી ચૂકવણું પણ કરાયું હતું.