* હજુ સેંકડો લોકો કાટમાળ હેઠળ દબાયેલા: વહેલી સવારે ઔશ્ત સહિતના પ્રાંતોમાં 6.1ની તીવ્રતાનો આંચકો નોંધાયા બાદ તીવ્ર આફટરશોકથી વિનાશ વધ્યો: હજુ મૃત્યુઆંક ઉંચો જવાનો ભય: પાકિસ્તાનના ઈસ્લામાબાદથી લાહોર સુધી આંચકા અનુભવાયા
કાબુલ: અફઘાનીસ્તાનમાં આજે વહેલી સવારે આવેલા 6.1ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 1000 લોકો માર્યા ગયા છે અને સેકડો ઘવાયા છે. જયારે આ ભૂકંપની અસર પાકિસ્તાનના ઈસ્લામાબાદથી લાહોરમાં પણ થઈ હતી. જો કે પાકમાં જાનહાનીના કોઈ રીપોર્ટ નથી. અફઘાનીસ્તાનમાં પુર્વીય ક્ષેત્રમાં પાંચ જીલ્લાઓમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા નોંધાયા હતા અને તેનું ભૂમીબિંદુ અફઘાનના ઔશ્ત શહેરની 40 કી.મી. દુર અને ભૂમીમાં 51 કી.મી. અંદર હોવાનું નોંધાયું છે.
અફઘાનના પુર્વીય ક્ષેત્રમાં આ ભૂકંપની સૌથી વધુ અસર જોવા મળી હતી. અફઘાન સતાવાળાના જણાવ્યા મુજબ લગભગ 100 જેટલા ગ્રામીણ ક્ષેત્રોમાં ભારે તબાહી છે. હજારો મકાનો ધરાશાયી થયા છે અને હજું જાનહાની વધે તેવા સંકેત છે. યુરોપીયન એજન્સીઓએ પણ આ ભૂકંપની તીવ્રતા 6.1 હોવાનું જણાવ્યું હતું અને તેના ભૂમીબિન્દુથી 500 કિલોમીટરના વિસ્તારો સુધી તેની તિવ્રતા નોંધાઈ હતી. આ ભૂકંપના આંચકા પાકના અફઘાન સાથેની સિમાથી લઈને છેક પાટનગર ઈસ્લામાબાદ તથા લાહોર સુધી અનુભવાયા હતા પણ હજું સુધી અહી કોઈ જાનહાનીના ખબર નથી.
સેંકડો ઈજાગ્રસ્તોને સારવાર માટે ટેન્ટ હોસ્પીટલમાં ખોલવા રેડક્રોસ ટીમ ધસી ગઈ છે. હજુ સુધી સેંકડો લોકોની હાલત ગંભીર ગણવામાં આવે છે. અફઘાનની સરકારી એજન્સીના જણાવ્યા મુજબ કાટમાળ હેઠળ હજુ સેકડો લોકો દબાયા હોવાનું માનવામાં આવે છે અને રાહત-બચાવ કામ પુરજોશથી ચાલુ છે.
ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ 90 ટકા જેટલા કાચા મકાનો ધરાશાયી થયા છે અને રાહત અને બચાવ ટુકડીઓ હજુ દુર દુરના વિસ્તાર સુધી પહોંચી નથી જેના કારણે જખ્મી લોકોની સારવારમાં વિલંબ થઈ રહ્યો છે. એજન્સીના જણાવ્યા મુજબ હેલીકોપ્ટરની મદદથી રાહત અને બચાવ ટુકડીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉતારવામાં આવી રહી છે.