કોરોનાગ્રસ્ત હોવા છતાં કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસે ગયો ! એક ભૂલ આખી ટીમ પર પડી શકે ભારે

22 June 2022 03:21 PM
India Sports World
  • કોરોનાગ્રસ્ત હોવા છતાં કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસે ગયો ! એક ભૂલ આખી ટીમ પર પડી શકે ભારે

માલદીવથી વેકેશન ગાળીને આવ્યો ત્યારે કોરોના થયો હોવાની અટકળો: પ્રેક્ટિસ મેચમાં કોહલીને ભાગ ન લેવા દેવાય તેવી શક્યતા

નવીદિલ્હી, તા.22
ઈંગ્લેન્ડ વિરુદ્ધ 1 જૂલાઈથી શરૂ થનારી બર્મિંઘમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની તૈયારીઓને મોટો ઝટકો લાગી ગયો છે કેમ કે ભારતીય ટીમના અનેક ખેલાડીઓ કોરોનાગ્રસ્ત થવા લાગ્યા છે. સ્પિનર આર.અશ્ર્વિન કોરોના પોઝિટીવ થતાં ઈંગ્લેન્ડ પ્રવાસે રવાના થઈ શક્યો નહોતો ત્યારે હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ લંડન પહોેંચ્યા બાદ કોરોનાગ્રસ્ત થઈ ગયો હતો.

માલદીવમાં વેકેશન પસાર કર્યા બાદ કોહલી પણ કોરોનાગ્રસ્ત થયો હતો પરંતુ હવે તે સાજો થઈ ગયો છે. જો કે તેની અસર લીસેસ્ટરશર વિરુદ્ધ રમાનારી અભ્યાસ મેચ ઉપર પડી શકે છે. કમ સે કમ વિરાટ કોહલીને લઈને તો આવું થઈ જ શકે છે. તે તાજેતરમાં જ કોરોનામાંથી સાજો થયો છે આવામાં બોર્ડે ટીમ મેનેજમેન્ટને કોરોનાથી સાજા થઈ રહેલા ખેલાડીઓ ઉપર વધુ દબાણ નહીં લાવવાની સલાહ આપી છે. અહેવાલો અનુસાર કોહલીને માલદીવથી પરત ફર્યા બાદ હોસ્પિટલે જતો જોવાયો હતો.

હવે સવાલ એ ઉભો થાય છે કે જો કોહલી માલદીવથી પરત ફર્યા બાદ કોરોના પોઝિટીવ આવ્યો હતો તો તે કેવી રીતે ખેલાડીઓ સાથે ઈંગ્લેન્ડ ગયો ? જેની સામે આર.અશ્ર્વિને પોતે કોરોનાગ્રસ્ત થયા બાદ સાથી ખેલાડીઓ સાથે ઈંગ્લેન્ડ જવાનો ઈનકાર કરી દીધો હતો. અત્યારે તે સારવાર મેળવી રહ્યો છે. બીસીસીઆઈએ પણ કોહલીના કોરોના સંક્રમિત થવાને લઈને કોઈ જાણકારી આપી નથી.

કોહલી ભલે કોરોનામાંથી સાજા થઈ ગયો હોય પરંતુ તાજેતરમાં જ તેમની અમુક તસવીરો સોશ્યલ મીડિયા પર સામે આવી હતી જેમાં તે લંડનના રસ્તા પર માસ્ક પહેર્યા વગર ફરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન અનેક ચાહકોએ તેની સાથે સેલ્ફી પણ લીધી હતી. આ ઉપરાંત તે રોહિત શર્મા સાથે શોપિંગ કરતો પણ જોવાયો હતો. આવામાં કોહલીની આ લાપરવાહી અન્ય ખેલાડીઓ માટે પરેશાની ઉભી કરી શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement