લંડન,તા. 22
દુનિયાભરના દેશો મોંઘવારીના પડકારનો સામનો કરી રહ્યા છે ત્યારે અમેરિકા પછી હવે બ્રિટનમાં પણ મોંઘવારીનો દર 40 વર્ષની ટોચે પહોંચી ગયો છે. ખાદ્યચીજો તથા ઉર્જાની કિમતોમાં બેફામ ભાવવધારો થયો હોવાના કારણે ફુગાવાએ છલાંગ લગાવી છે.
બ્રિટીશ સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં મે મહિનાનો ફુગાવો 9.1 ટકાના સ્તરે પહોંચ્યો છે જે છેલ્લા 40 વર્ષનો સૌથી ઉંચો છે. જો કે આ આંકડો અંદાજ પ્રમાણેનો જ હોવાનો દાવો કરતાં રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે ઉંચા મોંઘવારીને કારણે કેન્દ્રીય બેંક પર દબાણ વધી શકે છે. લોકોને મોંઘવારીમાંથી રાહત આપવાના પ્રયાસોને ઝટકો લાગી શકે છે.
માસિક ધોરણે ગત મહિનાની સરખાણમીએ મે માસમાં ફુગાવાનો દર 0.7 ટકાનો વધારો સૂચવે છે. ખાદ્યચીજોમાં બ્રેડ, કઠોળ જેવી વસ્તુઓના ભાવમાં બેફામ વધારો ઉપરાંત વીજળી, ગેસ અને અન્ય ઇંધણમાં મોટો વધારો ફુગાવા વૃધ્ધિ માટે જવાબદાર ગણાવામાં આવી રહયો છે.
ચાલુ આખા વર્ષમાં મોંઘવારીમાંથી રાહત મળે તેમ ન હોવાની આશંકાથી ચિંતા વધી રહી છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા એવો અંદાજ મુકવામાં આવ્યો છે કે ઓક્ટોબર મહિનામાં ફુગાવાનો દર 11 ટકા જેવો ઉંચો થઇ શકે છે.