સેન્સેક્સ ફરી ધડામ : રૂપિયો તૂટીને 78.24

22 June 2022 05:39 PM
Business
  • સેન્સેક્સ ફરી ધડામ : રૂપિયો તૂટીને 78.24

શેરબજારમાં મંદીનુ મોજુ : ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડે 792 પોઇન્ટ ગગડ્યો : મોટાભાગના શેરોમાં ગાબડા

રાજકોટ,તા. 22
મુંબઈ શેરબજાર આજે ફરી એક વખત મંદીમાં ગોથુ ખાધુ હતું અને આક્રમણકારી વેચવાલીના મારા હેઠળ મોટાભાગના શેરોમાં ગાબડા પડ્યા હતા. સેન્સેક્સ ઇન્ટ્રાડે 792 પોઇન્ટ ગગડ્યો હતો. ડોલર સામે રુપિયામાં ફરી એક વખત ગાબડુ પડતા પ્રત્યાઘાત પડ્યો હતો.

શેરબજારમાં આજે શરુઆત જ નબળા ટોને થઇ હતી. વિશ્વબજારોની મંદીનો પ્રત્યાઘાત હતો. વૈશ્વીક સ્તરે આર્થિક મંદી સર્જાવાની આશંકાનો ગભરાટ હતો. વિદેશી નાણા સંસ્થાઓ સતત માલ ફૂંકી રહી હોવાની પણ વિપરીત અસર પડી હતી. આ સિવાય એકાદ સપ્તાહથી સ્થિર રહેલો રુપિયો ફરી નીચે સરકવા લાગતા તેનો પણ ફફડાટ ઉભો થયો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે વૈશ્વીક ઘટનાક્રમો માર્કેટને ધ્રુજાવી રહ્યા છે અને અનિશ્ર્ચિતતાનો દોર દૂર થઇ શકે તેમ નથી. આવતા મહિનામાં કોર્પોરેટ પરિણામો આવવાના શરુ થશે તે પણ બહુ સારા રહે તેમ નથી.

ચોમાસુ પણ હજુ ધમાકેદાર નથી. આવા અનેક કારણોથી નવી લેવાલીને બ્રેક લાગી ગઇ છે અને માર્કેટ સતત દબાણ હેઠળ રહ્યું છે.શેરબજારમાં આજે મોટાભાગના શેરોમાં ગાબડા પડ્યા હતા. આઈસીઆઈસીઆઈ બેન્ક, ઇન્ડુસઇન્ડ બેન્ક, કોટક બેન્ક, લાર્સન, નેસ્લે, રિલાયન્સ, સ્ટેટ બેન્ક, ટીસ્કો, ટાઇટન, એશિયન પેઇન્ટસ, બજાજ ફીન સર્વિસ, ભારતી એરટેલ, હિન્દાલકો, ઓએનજીસી, જેએસડબલ્યુ સ્ટીલ વગેરે ગગડ્યા હતા. મંદી બજારે પણ ટીસીએસ, ઇન્ફોસીસ, હિન્દલીવર, ભારત પેટ્રો, હીરો મોટો મજબૂત હતા.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 567 પોઇન્ટના ગાબડાથી 51964 હતો જે ઉંચામાં 52272 તથા નીચામાં 51739 હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 190 ગગડીને 15448 હતો જે ઉંચામાં 15565 તથા નીચામાં 15385 હતો. શેરબ્રોકરોના કહેવા પ્રમાણે બીએસઇ-500 હેઠળની 500માંથી 85 ટકા સ્ક્રીપોના ભાવ 200 દિવસની એવરેજની નીચે છે તે સારી નિશાની નથી.બીજી તરફ કરન્સી માર્કેટમાં ડોલર સામે રુપિયો 17 પૈસા ગગડ્યો હતો અને 78.24 સાંપડ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement