ભાવનગરની મહાનગરપાલિકાની શાળાઓમાં 1500 ગરીબ બાળકોને સ્કૂલકીટનું વિતરણ

23 June 2022 10:27 AM
Bhavnagar
  • ભાવનગરની મહાનગરપાલિકાની શાળાઓમાં 1500 ગરીબ બાળકોને સ્કૂલકીટનું વિતરણ

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.23
આવતીકાલથી સમગ્ર રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઇ રહી છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાની શાળાઓમાં અભ્યાસ કરતાં જરૂરિયાતમંદ 1,500 ગરીબ બાળકોને શીશુવિહાર સંસ્થા દ્વારા સતત 11 માં વર્ષે સ્કૂલ કીટ, કંપાસ સેટ, વોટર બોટલ અને શૂઝનું વિતરણ કરી સાચા અર્થમાં પ્રવેશોત્સવની ઉજવણી સાર્થક કરી છે.

ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ મંદિર, કુંડળધામના અધ્યક્ષ સ્વામી જ્ઞાનજીવનદાસજી મહારાજ દ્વારા સાગર મહોત્સવ પ્રસંગે અત્યારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે શીશુવિહાર સંસ્થાનું રૂા. 7,51,001 તેમજ પ્રશસ્તિપત્રથી કરવામાં આવેલ સન્માનની રકમમાંથી શિશુવિહાર સંસ્થાની શિક્ષણ અને સેવા પ્રવૃત્તિને ગરીબ બાળકો સુધી વિસ્તારવામાં આવી છે.

આ સંસ્થા દ્વારા શિક્ષકોના સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યક્રમ અંતર્ગત શિક્ષકો દ્વારા પસંદ થયેલ જરૂરિયાતમંદ બાળકોને પ્રથમ તબક્કે સ્કૂલ બેગ, 5-5 નોટબુક, કંપાસ સેટ, વોટર બોટલ અને વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના માટેના માપ અનુસાર શુઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષણની મુખ્યધારામાંથી ગરીબ વિદ્યાર્થી વંચિત ન રહી જાય તે માટેના પ્રયાસના ભાગરૂપે વર્ષ દરમિયાન શિક્ષકો પણ પસંદ કરેલ બે બાળકોની કાળજી લેતાં હોય છે. તેના વાલી સાથે સતત સંપર્કમાં રહે છે. શિક્ષણ સમિતિ, ભાવનગર સંચાલિત શાળાઓના શિક્ષકોની પહેલથી વર્ષ-2012થી યોજાતી પ્રવૃત્તિ થકી 18 હજાર વિદ્યાર્થીઓની કાળજી લેવાઇ રહી છે.


Loading...
Advertisement
Advertisement