સૌરાષ્ટ્રમાં ચોમાસુ માહોલ: સાવરકુંડલામાં 2- ભુજમાં દોઢ ઈંચ

23 June 2022 11:21 AM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં ચોમાસુ માહોલ: સાવરકુંડલામાં 2- ભુજમાં દોઢ ઈંચ
  • સૌરાષ્ટ્રમાં ચોમાસુ માહોલ: સાવરકુંડલામાં 2- ભુજમાં દોઢ ઈંચ
  • સૌરાષ્ટ્રમાં ચોમાસુ માહોલ: સાવરકુંડલામાં 2- ભુજમાં દોઢ ઈંચ
  • સૌરાષ્ટ્રમાં ચોમાસુ માહોલ: સાવરકુંડલામાં 2- ભુજમાં દોઢ ઈંચ

કચ્છ અને સાવરકુંડલામાં વ્હેલી સવારે વરસાદ: ભાવનગર, ગીર-સોમનાથ પંથકમાં એક, સુરેન્દ્રનગર જિલ્લામાં 0.5 ઈંચ: રાજકોટ અને આટકોટ શહેરમાં વ્હેલી સવારે જોરદાર ઝાપટું વરસી ગયું

રાજકોટ તા.23
આવતીકાલથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે, આજે સવારથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસુ માહોલ છવાયો છે અને ઠેર-ઠેર 0॥ થી 2 ઈંચ વરસાદ પડયો છે. આજે વ્હેલી સવારે રાજકોટ શહેર અને આટકોટ ખાતે જોરદાર વરસાદી ઝાપટા વરસી જતા રાજમાર્ગો ઉપરથી પાણી વહી ગયા હતા.

આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આજે વ્હેલી સવારે અમરેલીનાં સાવરકુંડલા ખાતે એક જ કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ પડી ગયો હતો, જેનાં પગલે નાવલી નદીમાં નવા નીર આવી ગયા હતા. દરમ્યાન અમરેલીથી મળતા અહેવાલો મુજબ અમરેલી જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી અલગ અલગ ગામોમાં અવિરતપણે મેઘસવારી ચાલતી હોય ત્યારે આજે સવારથી જ અમરેલીમાં ભારે બફારો હોય, લોકો ગરમીથી અકળાયા હતા ત્યારે ગઈકાલે સાંજના સમયે અમરેલીમાં 6 એમ.એમ. વરસાદ પડતા અમરેલી શહેરના માર્ગો પાણીથી ભીંજાયા હતા.

અમરેલીના લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હોય અને ગરમીથી મુક્તિ મેળવવા માટે સચરાચર વરસાદની રાહ જોતા હોય ત્યારે ગઈકાલે અમરેલીમાં માત્ર 6 મીમી વરસાદ વરસીને જતો રહેતા લોકો વરસાદના કારણે નિરાશ થયા હતા. થોડા વરસાદ બાદ વાતાવરણમાં બફારો યથાવત રહેવા પામે છે. ગઈકાલે અમરેલી ઉપરાંત બનબરામાં 2 મી.મી. લાઠીમાં 25 મી.મી. અને લીલીયામાં 2 મી.મી. વરસાદ નોંધાયો હતો.આજે વ્હેલી સવારે પણ અમરેલીમાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થયો હતો અને લગભગ 15 મીનીટ સુધી વરસી ગયો હતો અને શહેરના માર્ગો ઉપર પાણી વહેતા થયા હતા.

આ ઉપરાંત આજે સવારે 6થી8 દરમ્યાન અમરેલીમાં 2 મી.મી. ખાંભામાં 48 મી.મી. બગસરામાં 10 મી.મી. વડીયામાં 10 મી.મી. અને સાવરકુંડલામાં 49 મી.મી. વરસાદ પડયાનું અમરેલી ફલડ કંટ્રોલરૂમમાં નોંધાયું છે. જયારે ભાવનગર જિલ્લાના ગારીયાધાર અને જેસરમાં પણ એક ઈંચ વરસાદ પડયો છે તથા ઘોઘા અને ભાવનગર શહેરમાં હળવા ઝાપટા વરસી ગયા હતા. ગોહિલવાડ પંથકમાં ચોમાસાનો આરંભ થઈ ગયો છે. પરંતુ, હજુ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો નથી. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે પરંતુ મેઘરાજા મન મુકીને વરસતા નથી.

ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન જેસરમાં 28 મી.મી. ગારિયાધારમાં 25 મી.મી. ભાવનગર શહેરમાં 4 મી.મી. અને ઘોઘામાં 3 મી.મી. વરસાદ નોંધાયો છે. તથા ઉના ગીરગઢડા પંથકમાં રવિવારે મેઘરાજા વરસ્યા બાદ બે દિવસના વિરામ બાદ બુધવારે સવારથી ઉકળાટભર્યું વાતાવરણ વચ્ચે વાદળછાયુ વાતાવરણ જોવા મળેલ અને બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા ગીરગઢડા સહિત આજુબાજુના ગામોમાં બે કલાકમાં 1 ઈંચ વરસાદ વરસી ગયેલ હતો. વરસાદના પગલે શહેરી વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

જો કે સારા વરસાદથી ખેડુતોમાં ભારે ખુશી જોવા મળી હતી. ગીરગઢડાના જરગલી ગામમાં વરસાદ વરસતા રસ્તા પર તળાવ જેવા દ્રશ્યો જોવા મળેલ જયારે કેસરીયા, ડમાસા, ભેભા, સીમાસી, આંબવડ, રેવદ, રાવણશી સહિતના આજુબાજુના ગામોમાં 1થીદોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેથી ખેતરોમાં પણ પાણી ભરાયેલ હોય વરસાદના પગલે સમગ્ર પંથક ઠંડુગાર વાતાવરણ થઈ ગયેલ હતું, જયારે ઉનામાં બપોર બાદ વરસાદી વાતાવરણ થયેલ પરંતુ મેઘરાજા વરસ્યા નહીં અને ઠંડુગાર વાતાવરણ છવાતા લોકોને ગરમીના ઉકળાટથી રાહ પ્રસરી હતી.

દરમ્યાન આટકોટ સહિતનાં વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. રસ્તા પરથી પાણી વહી ગયા હતા. લોકો રાત્રે ગરમી ઉકળાટથી ત્રાહીમામ પોકારી ગયા હતા. પંખાની હવા પણ સામાન્ય લાગતી વહેલી સવારે વિજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો. ધાબા પર ઉંઘી રહેલામાં દોડધામ મચી ગઈ હતી. પવન સાથે વીસ મીનીટ વરસ્યો હતો. વીસ મીનીટ પછી મેઘરાજાએ ચાલતી પકડી હતી. ખેડુતો ધોધમાર વરસાદની આશા બંધાઈ હતી. કૈલાસનગર વિસ્તારમાં વરસાદ થતાં જ વિજળી ગુલ કલાકો સુધી લાઈટો આવી નહીં લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા.

અવારનવાર લાઈટો ગુલ થઈ જાય છે. વરસાદ પડે ત્યાં લાઈટો ગુલ થઈ જાય છે. ભાવનગર હાઈવે ભાદર નદી પુલ પર વરસાદી પાણી ભરાઈ જતા ચાલીને જતાં લોકોને વાહનો પાણી ઉડાડીને ભરી મુકે છે. પુલ પર પાણીનો નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ ઉપરાંત આજે સવારે 7 વાગ્યે પુરા થતા 24 કલાક દરમ્યાન કચ્છનાં ભુજ શહેરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તથા રાજકોટ જિલ્લાનાં જસદણમાં 1 ઈંચ, વિંછીયામાં 0॥ ઈંચ અને સુરેન્દ્રનગર જિલ્લાનાં મુળી તથા સાયલા ખાતે 0॥-0॥ ઈંચ વરસાદ વરસ્યો હતો અને ભાવનગર-અમરેલી-ચોટીલા શહેર, લીલીયા, બાબરા અને બોટાદમાં ઝાપટા વરસ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement