દેશમાં મોઢું ફાડી રહેલો કોરોના: 24 કલાકમાં 13313 નવા કેસ, 38ના મોત

23 June 2022 11:33 AM
India Top News
  • દેશમાં મોઢું ફાડી રહેલો કોરોના: 24 કલાકમાં 13313 નવા કેસ, 38ના મોત

સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા 83 હજારને પાર: ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, કર્ણાટક, તમીલનાડુ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, તેલંગણા અને પશ્ચિમ બંગાળના કેસો વધારી રહ્યા છે ચિંતા

નવીદિલ્હી, તા.23
કોરોના વાયરસના સંક્રમણમાં ફરી એકવાર વધારો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 13313 નવા કેસ મળ્યા છે તો આ દરમિયાન 38 લોકોના મોત નિપજ્યા છે. આ પહેલાં ગઈકાલે એક દિવસમાં કોરોનાના 12249 નવા કેસ મળ્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે એક્ટિવ દર્દીઓની સંખ્યા હવે 83 હજારને પાર થઈ ગઈ છે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે એક્ટિવ કેસ સંક્રમણના કુલ કેસના 0.19% છે. કોવિડ-19થી સાજા થનારા દર્દીઓનો રાષ્ટ્રીય દર 98.60% છે. સંક્રમણથી અત્યાર સુધીમાં કુલ 4 કરોડ 37 લાખથી વધુ લોકો મુક્ત થઈ ગયા છે. આ ઉપરાંત કોરોનાથી મૃત્યુદર 1.21% છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ દેશમાં વધી રહેલા કોરોના કેસને લઈને નિષ્ણાતો સાથે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી છે. પાછલા થોડા સપ્તાહોથી દેશમાં કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો છે. આજની તારીખે 10 રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, કર્ણાટક, તમીલનાડુ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, તેલંગણા, પશ્ર્ચિમ બંગાળ અને ગુજરાતમાં કોરોનાના 1000થી વધુ એક્ટિવ દર્દીઓ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 3260 નવા કેસ મળ્યા છે જ્યારે ત્રણ દર્દીઓના મોત નિપજ્યા છે. આ નવા કેસમાં મુંબઈમાં 1648 કેસ સામેલ છે જે ચિંતા જન્માવી રહ્યા છે. અત્યારે સૌથી વધુ 13501 કેસ મુંબઈમાં છે જ્યારે ઠાણેમાં 5621 દર્દી છે.

24 કલાકમાં 3533 દર્દીઓ સાજા થતાંની સાથે જ મહારાષ્ટ્રમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા 77,72,491 થઈ ગઈ છે. દિલ્હીમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 928 નવા કેસ સામે આવ્યા છે અને સંક્રમણ દર 7.08% નોંધાયો છે. જ્યારે સંક્રમણથી વધુ ત્રણ દર્દીઓના મોત થયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement