ગુજરાતમાં વરસાદનો વ્યાપ વધ્યો : 103 તાલુકામાં મેઘમહેર

23 June 2022 11:38 AM
Ahmedabad Gujarat Top News
  • ગુજરાતમાં વરસાદનો વ્યાપ વધ્યો : 103 તાલુકામાં મેઘમહેર

સુરતના કામરેજમાં અઢી કલાકમાં ચાર ઇંચ ખાબક્યો : દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક હળવો-ભારે વરસાદ : વલસાડ,ડાંગ, સુરત, તાપી અને નર્મદા જિલ્લામાં વ્યાપક વરસાદ

રાજકોટ,તા. 23
ગુજરાતમાં ચોમાસાના આગમન છતા સાર્વત્રિક અને ધમધોકાર વરસાદ થયો નથી પરંતુ એકાદ દિવસમાં સારો રાઉન્ડ આવવાની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જામવા લાગ્યું હોય તેવા નિર્દેશ છે અને સર્વત્ર હળવો-ભારે વરસાદ નોંધાયો હતો. સુરતના કામરેજમાં માત્ર અઢી કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

ગુજરાતમાં હજુ ચોમાસાનો ભરપૂર વરસાદ શરુ થયો નથી. આવતીકાલથી ત્રણેક દિવસના વરસાદનાં રાઉન્ડની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 103 તાલુકામાં હળવો-ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ પ્રમાણે સુરત જિલ્લામાં સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદ હતો. કામરેજના 4 ઇંચ, ચોર્યાસીમાં અઢી ઇંચ, ઉમરપાડામાં સાડા ત્રણ ઇંચ, માંગરોળમાં બે ઇંચ, મહુવામાં દોઢ ઇંચ, માંડવીમાં એક ઇંચ તથા પલસાણામાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો.

વલસાડ જિલ્લામાં કપરાડા તથા ધરમપુરમાં બે-બે ઇંચ પાણી વરસ્યું હતું. ડાંગમાં આહવા, સુબીર અને વઘઇમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો હતો. નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં બે, તાપીના વ્યારામાં સવા ઇંચ વરસાદ થયો હતો. ભરુચના વાઢીયામાં દોઢ તથા નેત્રંગ અને અંકલેશ્ર્વરમાં એક-એક ઇંચ પાણી વરસ્યું હતું. મધ્ય ગુજરાતમાં પણ વરસાદનો વ્યાપ વધ્યો હોય તેમ ખાસ કરીને ખેડા અને આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ હતો. આણંદમાં ધમધોકાર ચાર ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા ભાગો પાણી-પાણી થઇ ગયા હતા.

પેટલાદમાં બે અને ઉમરેઠમાં એક ઇંચ વરસાદ થયો હતો. ખેડામાં ધોધમાર બે ઇંચ વરસાદથી નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. કપડવંજમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગલતેશ્ર્વર, મહેમદાબાદ તથા નડીયાદમાં એક થી દોઢ ઇંચ વરસાદ થયો હતો. મહીસાગરના બાલાસિનોરમાં દોઢ ઇંચ વરસાદ હતો. છોટે ઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા. વડોદરા જિલ્લાના દેસરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉતર ગુજરાતમાં ક્યાંય ખાસ વરસાદ ન હતો. અરવલ્લીના બાયડમાં દોઢ ઇંચ પાણી વરસ્યુ હતું.

હવામાન ખાતાના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 27 જિલ્લાના 103 તાલુકામાં હળવો-ભારે વરસાદ થયો હતો. સૌથી વધુ 4 ઇંચ વરસાદ સુરતના કામરેજમાં નોંધાયો હતો. ચાલુ મહિનામાં અત્યાર સુધીમાં સરેરાશ 42.33 મીમી વરસાદ વરસી ગયો છે જે સિઝનના કુલ વરસાદના 4.98 ટકા થવા જાય છે. 16 તાલુકામાં હજુ વરસાદનો છાંટો પડ્યો નથી.


Related News

Loading...
Advertisement
Advertisement