ગોંડલના નિવૃત શિક્ષકનું એટીએમ તફડાવી રૂ.68 હજારની છેતરપીંડી

23 June 2022 11:41 AM
Gondal Rajkot
  • ગોંડલના નિવૃત શિક્ષકનું એટીએમ તફડાવી રૂ.68 હજારની છેતરપીંડી

* જૂનાગઢ LCB એ બે શખ્સને પકડતા ગુનાનો ખુલાસો થયો

* મૂળ અમરેલી જિલ્લાના હાલ ગોંડલ રહેતા દરજી વૃદ્ધ ચંદ્રકાંતભાઇ મકવાણા ત્રણ દિવસ પહેલા પૈસા ઉપાડવા ગયા ત્યારે એક શખ્સ ઈરાદાપૂર્વક અથડાયો અને પડી ગયું એટીએમ કાર્ડ નજર ચૂકવી બીજા શખ્સે બદલાવી નાખ્યું’તું

* આરોપીઓએ રાજકોટના રામદેવ મોબાઈલમાંથી 38 હજારનો મોબાઈલ ફોન, હરીઓમ ટેલીવીઝનમાંથી 9 હજારની ખરીદી અને એટીએમમાંથી 20 હજાર રોકડ ઉપાડ્યા’તા

રાજકોટ, તા.23
ગોંડલના નિવૃત શિક્ષકનું એટીએમ તફડાવી રૂ.68 હજારની છેતરપીંડી થયાનું સામે આવ્યું છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે બે શખ્સને પકડતા ગુનાનો ખુલાસો થયો છે. મૂળ અમરેલી જિલ્લાના હાલ ગોંડલ રહેતા દરજી વૃદ્ધ ચંદ્રકાંતભાઇ મકવાણા ત્રણ દિવસ પહેલા પૈસા ઉપડવા ગયા ત્યારે એક શખ્સ ઈરાદાપૂર્વક અથડાયો અને પડી ગયેલું એટીએમ કાર્ડ નજર ચૂકવી બીજા શખ્સે બદલાવી નાખ્યુ હોવાનું ખુલ્યું છે.

મૂળ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના રહે.વડીયા દેવળીના વતની અને હાલ ગોંડલની પંચવટી સોસાયટી શેરી નં.3માં રહેતા દરજી વૃદ્ધ ચંદ્રકાંતભાઇ જાદવજીભાઇ મકવાણા(ઉ.વ.71)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મારા પરીવાર સાથે રહું છું અને હાલ નિવૃત જીવન ગુજારૂ છું હું સરકારી શિક્ષક તરીકે નોકરી કરતો હતો હાલ નિવૃત હોય મને મળતા પેન્શનથી મારા પરીવારનું ગુજરાન ચલાવુ છું. મારે સંતાન નથી, હું તથા મારી પત્ની ઉષાબેન બન્ને સાથે રહીએ છીએ. મારે દર મહિને રૂ.29284નું પેન્શન આવે છે. જે મારા એસ.બી.આઇના એકાઉન્ટમાં જમા થાય છે. તે રૂપિયામાંથી જરૂરીયાત મુજબ હું એ.ટી.એમ.માંથી પૈસા ઉપાડુ છું. ગત તા.26/05/2022 ના રોજ મારે રૂ.10,000 ની જરૂર પડતા મે ગોંડલ કડીયા લાઇન ખાતે આવેલ એસ.બી.આઇ.ના એટી.એમ.માંથી વારા ફરતી પાંચ - પાંચ હજાર રૂપિયા ઉપાડેલ હતા અને બાદ ગઇ તા.20/6/2022 ના રોજ મારે પૈસાની જરૂરત પડતા સવારે આશરે અગીયારેક વાગ્યે ફરી ગોંડલ કડીયા લાઇનના એસ.બી.આઇ.ના એકાઉન્ટ ખાતે જતા ત્યા એ.ટી.એમ.પાસે હું મારુ એ.ટી.એમ કાર્ડ કાઢી અંદર દાખલ થતો હતો તે દરમ્યાન એક અજાણ્યો શખ્સ મારી સાથે ઇરાદાપૂર્વક અથડાતા મારા હાથમાં રહેલ એ.ટી.એમ. કાર્ડ પડી ગયું હતું અને એક બીજા અજાણ્યા વ્યક્તિએ મારૂ નીચે પડી ગયેલ એ.ટી.એમ. કાર્ડ મને આપ્યું હતુ.

બાદ હું એસ.બી.આઇ.ના એ.ટી.એમ.માં જઇ મારા કાર્ડમાંથી રૂપિયા ઉપાડતા રૂપિયા ઉપડ્યા નહોતા.તે દરમ્યાન તે અજાણ્યા બન્ને વ્યક્તિ મારી પાછળ ઉભેલ હતા. બાદમાં હું તુરંત મારા ધરે આવ્યો અને મેં મારી પત્નીને વાત કરી હતી કે મારા એસ.બી.આઇ. એ.ટી.એમ માંથી પૈસા ઉપડતા નથી કદાચ એ.ટી.એમ.માં પૈસા ન હોય બાદ ગત તા.21/6/2022 ના રોજ જુનાગઢ એલ.સી.બી ખાતેથી મારા મોબાઇલમાં ફોન આવ્યો હતો અને મને કહ્યું હતું કે, તમારા એસ.બી.આઇ.ના એ.ટી.એમ. સાથે અમે બે શખ્સોને પકડ્યા છે. તેવી વાત કરતા મેં તુરંત મારા ભત્રીજા મેહુલ મકવાણાને બોલાવી આ બાબતે વાત કરી હતી પછી અમે બેંક એકાઉન્ટ બુકમાં એન્ટ્રી કરાવતા માલુમ પડ્યું હતું કે, ગત તા.20/6/2022 ના રોજ રાજકોટ એ.ટી.એમ. ખાતેથી કુલ ત્રણ ટ્રાન્જેશન થયા હતા.

જેમાં રૂ.20,000ની રોકડ એટીએમમાંથી ઉપડી હતી, એ બાદ રામદેવ મોબાઈલમાંથી રૂ.38,990ની કોઈ વસ્તુ ખરીદવામાં આવી હતી અને તેજ દિવસની હરીઓમ ટેલીવીજન ખાતેથી રૂ.9500ની ખરીદી થયાની એન્ટ્રી સામે આવી હતી. આ ટ્રાન્જેક્શન મેં કર્યા નહોતા જેથી મને ખ્યાલ આવ્યો કે, ગોંડલ ખાતે જ્યારે મારુ એટીએમ કાર્ડ પડી ગયું ત્યારે અજાણ્યા શખ્સોએ તે કાર્ડ લઈ મને બોગસ કાર્ડ આપી દીધું હતું, અને પછી મારા ખાતામાંથી રૂ.68,490ના ટ્રાન્જેકશન કરી છેતરપીંડી કરી હતી.

ગોંડલ સિટી પોલીસના પીએસઆઈ વી.કે.ગોલવેલકરે આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે
નિવૃત્ત શિક્ષકને ખ્યાલ પણ નહોતો કે તેમનું એટીએમ બદલી ગયું છે શાતીર સાયબર ચાંચિયા શિક્ષિત લોકોને પણ ખ્યાલ ન પડે એ રીતે છેતરપીંડી કરવામાં માહેર હોય છે. જે મુજબ ગોંડલની ઘટનામાં જ્યારે આરોપીઓએ નિવૃત્ત શિક્ષકનું નીચે પડી ગયેલું એટીએમ કાર્ડ ઉપાડી બદલી નાખ્યું તે ભોગ બનનારને ખ્યાલ નહોતો. આ બદલી ગયેલું બોગસ કાર્ડ જ્યારે નિવૃત શિક્ષકે એટીએમમાં નાખ્યું ત્યારે રૂપિયા ન નીકળતા બે ત્રણ પ્રયત્ન કર્યા ત્યારે ઓન આરોપીઓ તેમની પાછળ જ હતા અને એ દરમિયાન પાસવર્ડ પણ જાણી લીધો હશે. જોકે નિવૃત શિક્ષકને એમ કે એટીએમમાં રૂપિયા નહીં હોય, તેવું માની તેઓ ઘરે જતા રહ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement